Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

પેલેસ રોડના આદિત્‍ય એલિગન્‍સના કર્મચારીની હત્‍યા-લૂંટનો ભેદ કલાકોમાં ઉકેલતી ક્રાઇમ બ્રાંચ

સેલ્‍સમેન સોની પ્રૌઢ વસંતભાઇ ઝીંઝુવાડીયાની હત્‍યા કરી ૧ કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયોઃ સોની વેપારી ભરત અને પુત્ર સુમિતની ધરપકડ

રાજકોટઃ શહેરમાં વધુ એક હત્‍યા-લૂંટનો બનાવ બન્‍યો છે. પેલેસ રોડ પર રાજશ્રૃંગી કોમ્‍પલેક્ષમાં આવેલા આદિત્‍ય એલિગન્‍સ નામના શો રૂમમાં વેપારીઓને દાગીના પહોંચાડવાનું કામ કરતાં અને જામનગર રોડ પર ઘંટેશ્વર સામે આવેલા વિતરાગ એપાર્ટમેન્‍ટમાં રહેતાં વસંતભાઇ ભોગીલાલ ઝીંઝુવાડીયા (ઉ.૫૩) નામના સોની પ્રૌઢની આજીડેમ પાસે હત્‍યા કરી અઢી કિલો (૧ કરોડના) સોનાના લૂંટની ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. શહેર ક્રાઇમ બ્રાંચે કલાકોમાં આ હત્‍યા-લૂંટનો ભેદ ઉકેલી નાંખી સોની વેપારી પિતા-પુત્રને સકંજામાં લઇ પુછતાછ કરતા  લૂંટના ઇરાદે જ હત્‍યા થયાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

વિગત એવી છે કે ગઇકાલે બપોરે વસંતભાઇ ઝીંઝુવાડીયા શો રૂમ ખાતેથી પોતાનું ટુવ્‍હીલર લઇને સોની બજારમાં વેપારીઓને સોનુ પહોંચાડવા નીકળ્‍યા હતાં. તેમની પાસે અઢી કિલો જેટલુ સોનુ હતું. બપોરે દોઢેક વાગ્‍યે સોનુ આપનાર વેપારીએ વસંતભાઇનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન બંધ આવતો હતો. આથી તેમના પરિવારજનોનો કોન્‍ટેક્‍ટ કરવામાં આવ્‍યો હતો. પરંતુ વસંતભાઇ ઘરે પણ ન હોઇ બધા આકુળ-વ્‍યાકુળ બની ગયા હતાં અને સોના સાથે ગૂમ થયેલા વસંતભાઇની શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન એમનું સ્‍કૂટર દિવાનપરા પોલીસ ચોકી સામેથી રેઢુ મળી આવતાં ચિંતા પ્રસરી ગઇ હતી.

ત્‍યાં જ આજી ડેમ નજીક કિસાન ગોૈશાળા પાસેથી એક પ્રૌઢની લાશ મળ્‍યાની જાણ થતાં પી.આઇ. પી.એન. વાઘેલા સહિતની ટીમે પહોંચી એફએસએલ અધિકારીની હાજરીમાં તપાસ કરતાં આ પ્રૌઢનું મોત ગળા પર દોરી જેવી વસ્‍તુથી ફાંસો આપવાના કારણે થયાનું જણાયું હતું. વિશેષ તપાસ થતાં આ પ્રૌઢ ગૂમ થયેલા વસંતભાઇ ઝીંઝુવાડીયા (સોની) જ હોવાનું ખુલતાં તેમના પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. વસંતભાઇ પાસેનું અઢી કિલો જેટલુ સોનુ ગાયબ હોઇ હત્‍યા કરી લૂંટ કરવાનું સ્‍પષ્‍ટ થયું હતું.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એડી. ડીસીપી હર્ષદ મહેતા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. પી.એન. વાઘેલા, ક્રાઇમ બ્રાંચ અને આજીડેમની ટીમોએ હત્‍યા લૂંટનો ભેદ ઉકેલવા તાબડતોબ કામગીરી શરૂ કરી દીધી હતી. આઇ-વે પ્રોજેકટનાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને હત્‍યા-લૂંટનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

આ હત્‍યા દિવાનપરા નજીક જ સોનાની દૂકાન ધરાવતાં સોની વેપારી ભરત હસમુખલાલ લાઠીગરા (ઉ.વ.પર) (સોની) તથા તેનો પુતર સુમિત લાઠીગરા (ઉ.વ.ર૯)  (રહે. બંને ઢેબર રોડ, સાઉથ શ્રમજીવી સોસાયટી શેરીં.ર/૯નો ખુણો)  એ  લૂંટના ઇરાદે હત્‍યા કર્યાનું પ્રાથમિક દ્રષ્‍ટીએ સામે આવતાં બંનેને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરવામાં આવી છે. અગાઉથી જ બંને પિતા-પુત્રએ સેલ્‍સમેન વસંતભાઇને લૂંટી લેવાનો પ્‍લાન ઘડયો હતો. અષાઢી બીજના દિવસે વધુ સોનુ હોઇ જેથી આ દિવસને પસંદ કર્યો હતો. પિતા-પુત્રની ધારણા મુજબ જ સેલ્‍સમેન વસંતભાઇ અષાઢી બીજના દિવસે અઢી કિલો જેટલુ સોનુ લઇને નીકળ્‍યા હતાં અને તેમને કોઇપણ રીતે આજીડેમ પાસે લઇ જઇ હત્‍યા કરી સોનુ લૂંટી લેવાયું હતું.

હત્‍યાનો ભોગ બનનાર વસંતભાઇ ચાર ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં. તેઓને સંતાનમાં જય અને ભાવિન નામના બે દીકરા છે. જેમાં એક દીકરો એડવોકેટની ઓફિસમાં અને એક દીકરો અમીન માર્ગ રોડ ઉપર સોનીકામની દુકાનમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્‍યું છે

સોની પિતા-પુત્રને ક્રાઇમ બ્રાંચે ઘરેથી ઉંઘતા દબોચ્‍યા

ક્રાઇમ બ્રાંચે આ ઘટનામાં દીવાન પરા પોલીસ ચોકી સામે આવેલ શ્રી જવેલર્સના માલીક લાઠીગરા પિતા ભરત હસમુખભાઇ લાઠીગરા અને પુત્ર સુમિત લાઠીગરાને સકંજામાં લઇ આકરી પુછતાછ કરતા બંને લૂંટ ઇરાદે  હત્‍યા કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ ભોગ બનનાર વસંતભાઇ ઝીંઝવાડીયા સોની બજારમાં અલગ અલગ વેપારીઓ પાસે સોનાના દાગીના લઇ નીકળ્‍યા હતા ત્‍યારે ભરત લાઠીગરાનો ભેટો થયો હતો તેને દિવાનપરા પોલીસ ચોકી સામે આવેલી પોતાની શ્રી જવેલર્સ નામની દુકાને લઇ ગયો હતો. ત્‍યારે બાદ ભરતે વસંતભાઇને ચા પીવાનું બ્‍હાનુ કરી દુકાન પાસે લઇ ગયો હતો ત્‍યાં ભરત અને તેના પુત્ર સુમિતને દુકાને બોલાવ્‍યો હતો. ત્‍યારબાદ ભરતે વસંતભાઇને પોતાની વાર્તોમાં વિશ્વાસ લઇને વસંતભાઇને ઇનોવા કારમાં બેસાડી લઇ ગયા હતા ત્‍યારે પુત્ર સુમિત કાર ચલાવતો હતો અને તેની બાજુમાં વસંતભાઇ બેઠા હતા અને તેની પાછળની સીટીમાં ભરત લાઠીગરા બેઠો હતો. દરમિયાન ભરતે મોકો જોઇને એ પછી મોઢા પર સ્‍પ્રે છાંટી વસંતભાઇને બેભાન કર્યા બાદ પ્‍લાસ્‍ટીકની દોરી વડે ગળાટૂપો દઇ દીધો હતો. વસંતભાઇનું મોત નિપજયા બાદ ભરતે પુત્ર સુમિતને પુજારા પ્‍લોટમાં ઉતારી દીધો હતો અને વસંતભાઇની લાશને સગેવગે કરવા એકલો જ પોતાની જીજે ૬ઇએચ ૭૯૧૧ નંબરની ઇનોવા લઇને આજી ડેમ ચોકડીથી ગોંડલ  રોડ તરફ જવાના રોડ પર આવેલ આજી નદીનાં પુલ નજીક રોડ સાઇડમાં સોની વેપારી વસંતભાઇની લાશને ફેંકી દીધી હતી ત્‍યારે બાદ કઇ બન્‍યુ જ ન હોય ભરત લાઠીગરા ઘરે આવી ગયો હતો. આ બનાવમાં પોલીસ કમીશન પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોત તથા જોઇન્‍ટ કમિશન ડી.એસ. ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ ડી.સી.પી. બલરામ મીના, કરણરાજ વાઘેલાની સુચનાથી એસ.સી.પી. ભરત રાઠોડ તથા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી. આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલા, પી.એસ.આઇ. આર.સી. કાનમીયા, કે.કે. જાડેજા, બી.ટી. ગોહિલ, એ.એસ. સોનારા, કે.જી. સીસોદિયા, એસ.વી. સાંખળા સહિતની જુદી જુદી ટીમો બનાવી આ સોની વેપારીની હત્‍યા કરી ૧ કરોડનાં સોનાની લૂટનો ભેદ ઉકેલ્‍યો હતો.

*પોલીસને લોકેશન ન મળે તે માટે ભરતે પોતાનો મોબાઇલ પોતાની દુકાને જ રાખી દીધો'તો  *વસંતભાઇની હત્‍યા કર્યા બાદ ભરતે ૧ કરોડનાં સોનાના ઘરેણાં કાઢી બેગ તથા પ્‍લાસ્‍ટીકના ડબ્‍બા અને વસંતભાઇનો મોબાઇલ જુદી જુદી જગ્‍યાએ ફેંકી દીધા હતા  *ભરત લાઠીગરા છેલ્લા આઠ દિવસથી આ પ્‍લાન ઘડયો હતો *વસંતભાઇને કારમાં બેસાડીને ભરતે બેભાન કર્યા બાદ પુત્ર સુમિત લાઠીગરાએ પિતાને આવું કરવાની બે-ત્રણ વખત ના પાડી હતી  *આરોપી ભરત લાઠીગરાનાં મકાનમાં ર૦૧પમાં લાખો રૂપિયાની ચોરી થઇ હતી ત્‍યારે આ ચોરીમાં તેના સગા ભાઇને સંડોવી દેવાનો કારસો રચ્‍યો હતો  *ક્રાઇમ બ્રાંચે પર.ર૩ લાખનુ ઓગાળેલું સોનુ, જી.જે.૬ ઇએચ ૭૯૧૧ નંબરની ઇનો કાર, ઇલેકટ્રીક સગડી તથા જીજે૩ કેબી ૭પ૪ નંબરનું એકટીવા મળી રૂા. પ૭,૭૮,૮૧૯ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો *કરોડનું દેણુ થઇ જતા ભરત લાઠીગરાએ વસંતભાઇની હત્‍યા કરી લૂટને અંજામ આપ્‍યો હોવાની કબુલાત

(4:05 pm IST)