Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રોહીણી નક્ષત્ર પછી પાકતી કેરી સૌથી શ્રેષ્ઠ

વાવ્યા પછી ૬ વર્ષે ફાલ આવે અને વધીને ૧૦૦ વર્ષનું આયુષ્ય : એક આંબો દર વર્ષે ૩ થી ૬ મણ કેરી આપે : બગીચામાં એક જ આંબો વાવ્યો હોય તો ફાલ સારો આવે : મીઠાશની બાબતમાં તાલાલાની કેસર ખુબ વખણાય : ફળના ખંભા એટલે કે ડીન્ટ બેસી ગયા હોય ત્યારે પુરેપુરી પાકી ગણાય : કેરીને આંબેથી ઉતારવાની પ્રક્રીયાને કેરી વેડવી એવુ કહેવાય : આ ફળ વિટામીન એ અને પોષકતત્વોથી ભરપુર ગણાય

આંબો વાવ્યા પછી છ વર્ષે કેરીનો પાક આવે. તે આંબો સો વર્ષનો થાય ત્યાં સુધી કેરીનો પાક આપ્યા જ કરે. વાતાવરણ અને ઋતુ ખૂબ જ મહત્વનું પરિબળ છે. આ વર્ષે ગીરમાં શિયાળો દર વર્ષે ફેબ્રુઆરીની બદલે માર્ચ મહિનાનાં અંત સુધી હતો, એટલે એક મહિનો સીઝન મોડી છે. જો ૧૫ જૂને વરસાદ આવી જાય તો આ વર્ષની સિઝન ૨૫ મે થી ૧૫ જૂન સુધીની માત્ર ૨૦ થી ૨૫ દિવસની હશે. આપણા વડવાઓ અને ત્રષિમુનીઓની સાયન્ટીફિક સંસ્કૃતિને આપણા ઘણાં ખેડુતોએ હજુ જીવંત રાખી છે. આવા ઘણા ખેડૂતો દર વર્ષે રોહિણી નક્ષત્ર પછી જ કેરીનો પાક ઉતારે છે, જે ૧૫ થી ૨૫ મે વચ્ચે હોય છે. આ રોહિણી નક્ષત્ર પછી ઉતારેલી કેરી કુદરતી રીતે પાકી જાય એવી મીઠી મધુર અને સુગંધી હોય છે.

દર વર્ષે એક આંબો આશરે ૩ થી ૬ મણ કેરી આપે. જો કે રાસાયણિક ખાતર નાખેલું એમને પાકમાં અત્યારે ખૂબ  અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે. પણ હવે મોટાભાગના ખેડૂતો જીવામૃત, દેશી ખાતર, દેશી ગીર ગાયનું ગૌમુત્ર, છાણ, આંકડા, લીમડાનાં પાન, છાશ, ગોળ વગેરેથી બનાવેલ દેશી ખાતરનો ઉપયોગ કરવા માંડયા છે અને સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી છે.

એક જ આંબાનો બગીચો હોય તેયાં ખુલ્લા વાતાવરણને કારણે હવા ઉજાસ સારો મળતાં પાક સારો ઉતરે છે. આંબાના બગીચામાં બે આંબા વચ્ચેનું અંતર વધારે હોય તો પણ હવા-ઉજાસથી સારો કેરીનો ફાલ આવે. બે આંબા વચ્ચે અંતર ઓછું હોય અને બગીચાની બાજુમાં પણ ખૂબ જ આંબાનાં ગીચ બગીચા આવેલા હોય તો એમાં પાક ઓછો આવે.

કેસર કેરી કચ્છ, ઉના, જૂનાગઢ, અમરેલી અને અન્ય જિલ્લામાં પણ થાય છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા તાલુકામાં આવેલ ગીરનો જે ૨૪ ચોરસ કિલોમીટરનો એરીયા છે, એમાં નીચે સફેદ પથ્થર આવેલ છે. આ એરિયાની કેરીનો કલર, સ્વાદ અને સુગંધ દુનિયામાં અજોડ છે. એટલા માટે જ આ વિસ્તારની કેરીને જીયોગ્રાફીકલ ઈન્ડીકેશન એટલે કે ભૌગોલિક ઓળખ મળેલ છે. આ ગીરના તાલાલા વિસ્તારની કેરી જેવી મીઠાશ દુનિયામાં બીજે કયાંય જોવા નથી મળતી.

૧૦ મે આસપાસ જે કેરી આવી રહી છે એ કૃત્રિમ રીતે પકવેલી કેરી હોય શકે. કુદરતી રીતે પાકે એવી કેરી ૨૦ થી ૨૫ મે પછી જ આવશે. એટલે જો શુદ્ઘ કેરી ખાવી હોય તો થોડા દિવસ રાહ જુઓ. શુદ્ઘ કેરી લીલી હોય અને પાકે એટલે જેમ લીલા કેળા પાકે એટલે સીધા કાળા થઈ જાય, એમ લીલી કેરી પાકે એટલે કાળાશ પકડે. જેમ શુદ્ઘ કેળા કયારેય આખા પીળા ન હોય એમ શુદ્ઘ કેરી કયારેય આખી પીળી ના હોય. જો તડકામાં કેરી વધુ વાર રહે તો તવાઈ જવાથી ખાવા યોગ્ય ના રહે. એટલે એનું ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું છે અને કેટલીવારમાં થયું છે એ પણ અગત્યનું છે. ફળનાં ખંભા એટલે કે ડીન્ટ બેસી ગયા હોય એ કેરી પાકવાની પૂરેપૂરી સંભાવના કહેવાય. લાંબુ ફળ નહિ લેવાનું. ગોળ ફળ લેવાનું.

કેરીને આંબેથી ઉતારવાને કેરી વેડવી એવું કહેવાય. ભૂર એટલે સુકો પવન, જે અમુક સમય માટે આંબા માટે સારો કહેવાય. હરણ નીચે લટકતી કેરીમાં મોઢું અડાડે પછી એ ઉગતી નથી. મધીયો રોગ કેરીનાં પાકને ખુબ નુકશાન કરે છે. એનાથી કેરીમાં કાળા ચાંભા પાડી જાય છે અને ભાવ ઓછા ગણાય. એક કેરી સાથે બીજી કેરી બાજુમાં જ ઉગી હોય તો પણ કાળા ડાઘ હોય જે નેચરલ ગણાય, એના ભાવ પૂરા આવે અને ઘણી વાર થડ અને ડાળીમાં ઘસાયેલ કેરીમાં પણ ઘસારાનાં ડાઘ જોવા મળે છે, એના પણ ભાવ પૂરા ગણાય.

ગીર તાલાલાનાં પ્રખ્યાત ફાર્મની મીઠી મધુરી કેસર કેરી રાજકોટ સુધી પહોંચતી કરવા શ્રેયા ફાર્મ પ્રોડયુસર્સ માર્કેટીંગ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા એક સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માત્ર કેરી જ નહીં ભવિષ્યમાં બીજા ફળ, શાકભાજી અને ધાન્ય પણ વોટસઅપ ગ્રુપ, ફેસબુક પેજ દ્વારા આપ સુધી ડાયરેકટ ખેતરેથી આપના ઘરે હોમ ડિલિવરી કરાશે.

વિટામીન એ અને અન્ય ગુણતત્વોથી ભરપુર તાલાલાની મીઠી મધુરી કેસર કેરી આરોગવા ર૫ મે સુધી રાહ જોવી પડશે.

વધુ માહીતી માટે શ્રીયા ફાર્મ પ્રોડ્યુસર માર્કેટિંગ કો - ઓપરેટિંગ સોસાયટી, વોટ્સએપ અને કોલ સેન્ટર મો.૭૬૦૦૬ ૫૬૫૬૫. પ્રાઈડ વન - ૨૦૩, અક્ષર માર્ગ, અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.

- ડેનીસ આડેસરા

(2:51 pm IST)