Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બચત સ્‍કીમના નામે મુસ્‍લિમ મહિલા કરિશ્‍માનું કરોડોનું ફૂલેકુ!

રાજકોટમાં આઠેક વર્ષથી કે. ડી.આર. ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે વ્‍યવસ્‍થિત કામ કર્યુ'તું હવે ભેદી રીતે ગૂમ : બજરંગવાડી-રાજીવનગરના ૨૨ લોકોએ લાખો ગુમાવ્‍યાઃ પોલીસને લેખિત ફરિયાદઃ શહેરભરના મુસ્‍લિમ વિસ્‍તારોમાં મુસ્‍લિમ પરિવારોને જ નિશાન બનાવ્‍યાનો આક્ષેપઃ મહિલા કરિશ્‍મા બુંબાણીનો ફોન સતત બંધઃ પુનિતનગરનું મકાન તેની નણંદને લાખોમાં વેંચી નાંખ્‍યાનું છેતરાયેલાઓનું કથન : છેતરાયેલા પૈકીના અસલમ બાવાણીએ કહ્યું-પાકતી મુદ્દતે અમે નાણા માટે ફોન કરતાં ફોન સતત બંધ આવ્‍યોઃ ઘરે તપાસ કરવા જતાં ખબર પડી કે કરિશ્‍માબેન જ્‍યાં રહેતાં હતાં એ મકાન પાવર ઓફ એટર્ની કરી તેના નણંદને આપી કરિશ્‍માબેન તથા તેના પતિ અહેમદભાઇ સહિતના નીકળી ગયા છે! : લોકડાઉનમાં ઘરે બેઠા કામ કરવાના બહાને થોડા દિવસ પહેલા જેની મુદ્દતે રકમ પાકતી હતી તેની પાસબૂકો લઇ ગયાનો આક્ષેપ : બજરંગવાડી, રાજીવનગર, નહેરૂનગર, મોચીબજાર, જંગલેશ્વર, દૂધની ડેરી, ઘાંચીવાડ, ખત્રીવાડ, રામનાથપરા સહિતના વિસ્‍તારમાં સેંકડોને શીશામાં ઉતાર્યા

છેતરાયેલા પૈકીના જે લોકોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી અને પોલીસ કમિશનર કેચરીમાં ઇ-મેઇલથી ફરિયાદ કરી તે લોકો તથા એક ખાતેદારની  પાસબૂકની કોપી જોઇ શકાય છે...છેતરાયેલા લોકોના કહેવા મુજબ શહેરભરના વિસ્‍તારોના બચતકારોના કરોડો ફસાઇ ગયા છે

 

 

 

મોચી બજારના ૯ લોકો, જેના રૂા. ૪૪ લાખ ૭૪ હજાર ગયા છે

રાજકોટ તા. ૧૫: શહેરમાં બજરંગવાડી વિસ્‍તારમાં રહેતાં મુસ્‍લિમ પરિવારોના ૨૨ લોકોએ પોતાની સાથે બચત એજન્‍ટ તરીકે કામ કરતી કરિશ્‍મા નામની મુસ્‍લિમ મહિલાએ લાખોની ઠગાઇ કર્યાની લેખિત ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં અને પોલીસ કમિશનરને કરી છે. આ મહિલા છેલ્લા આઠેક વર્ષથી કે.ડી.આર. ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે વ્‍યવસ્‍થિત અને વિશ્વાસપુર્વક કામ કરતી હતી. પણ હાલમાં લોકડાઉનના સમયમાં જે લોકોની એક વર્ષની બચતની મુદ્દત પુરી થતી હોઇ તેણે પોતાની રકમ માંગતા આ મહિલાએ પોતે લોકડાઉનમાં ઘરે બેઠા કામ કરશે તેમ કહી આવા લોકોની પાસબૂક ઉઘરાવી લીધી હતી અને હવે તે પુનિતનગરનું પોતાનું ઘર છોડી ગાયબ થઇ ગઇ છે. તેનો ફોન પણ સતત સ્‍વીચ ઓફ આવી રહ્યો છે. મહિલાએ રાજકોટભરના અનેક વિસ્‍તારોમાં અસંખ્‍ય મુસ્‍લિમ લોકોને જ ટારગેટ બનાવી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી લીધાનો આક્ષેપ રજૂઆત કરનારા લોકોએ કર્યો છે.

બજરંગવાડી પાસે રાજીવનગર-૩/૨૦૯માં રહેતાં અને પરાબજારમાં ફ્રુટની લારી રાખી ગુજરાન ચલાવતાં ઇમરાનભાઇ હુશેનભાઇ સોરઠીયા તથા સાથેના બીજા ૧૯ લોકોના નામ તથા કેટલી રકમ ડૂબી ગઇ તેની વિગતો સાથેની લેખિત ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકને આપવામાં આવી છે. તેમજ પોલીસ કમિશનર કચેરીમાં પણ ઇ-મેઇલથી ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે અમે છેલ્લા એક વર્ષથી કે.ડી.આર. ક્રેડીટ કો. ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે કામ કરતાં બજરંગવાડી પુનિતનગરમાં રહેતાં શ્રીમતિ કરિશ્‍માબેન અહેમદભાઇ બુંબીયા પાસે અમારી ક્ષમતા મુજબ દૈનિક બચત સ્‍કીમમાં નાણા જમા કરાવતાં હતાં. આ સ્‍કીમમાં દરરોજ ૨૫ થી માંડી જેટલા જમા કરવા હોય એટલા રૂપિયા જમા કરી શકાતા હતાં. આ તમામ રકમ એક વર્ષની મુદ્દત પછી જે તે બચત કરનારને પરત આપવામાં આવતી હતી.

ગત એપ્રિલ ૨૦૨૦ના રોજ નાણાકિય વર્ષ પુરૂ થતું હોઇ જેથી કરિશ્‍માબેને અમારી પાસેથી બચત ખાતાની બૂકો ઉઘરાવી લીધી હતી. હાલમાં લોકડાઉન હોઇ પોતે ઘરે બેઠા હિસાબનું કામ કરશે તેમ કહીને આ પાસબૂકો લઇ જવામાં આવી હતી. એ પછી અમે બચતકારોએ અમારે હાલમાં રમઝાન મહિનો  ચાલુ હોઇ તેમજ લોકડાઉનમાં કામ ધંધા બંધ હોઇ જેથી પૈસાની જરૂર હોવાથી અમે તેના મોબાઇલ નંબરમાં ફોન કર્યા હતાં. પરંતુ ત્‍યારે તેણે એક બે દિવસમાં પૈસા આપી જશે તેવી ખાત્રી આપી હતી.

પરંતુ પૈસા આપવા ન આવતાં અમોએ ફરીથી ફોન જોડતાં તેનો ફોન સતત સ્‍વીચઓફ-બંધ આવે છે. અમને શંકા છે કે આ મહિલાએ અમારા બધાના પૈસા મંડળીમાંથી ઉપાડી લઇ અંગત ઉપયોગમાં રાખી ફોન બંધ કરી શહેર છોડી ક્‍યાંક જતા રહેલ છે. આ મહિલાની તાકીદે તપાસ કરી શોધી કાઢવા અને અમારા ફસાયેલા નાણા અમને મળી જાય તેવી કાર્યવાહી કરવા માંગણી છે.

કોના કેટલા નાણા છે તેની માહિતી પણ આ લેખિત ફરિયાદમાં જોડવામાં આવી છે. જે આ મુજબ છે-

ઇમરાન હુશેનભાઇ સોરઠીયા-૫ લાખ, નિલોફર ઇમરાનભાઇ સોરઠીયા-૫ લાખ, ઇમ્‍તિયાઝ ગફારભાઇ હાસમાણી-૧ાા લાખ, તબસ્‍સુમ સિદ્દીકભાઇ મહેતર રૂા.૭૫ હજાર, સનાબેન ઇસ્‍માઇલભાઇ બાવાણી-રૂા. ૨૫ હજાર, રશીદાબેન વાહીદભાઇ ભીમાણી રૂા. ૫૦ હજાર, સાદિકભાઇ હુશેનભાઇ સોરઠીયા રૂા. ૪ લાખ, આસ્‍તાનાબેન રફિકભાઇ મકાની રૂા. ૨૦ લાખ, ફહેમીદાબેન આસીફભાઇ વાયાણી રૂા. ૮૨૦૦, ફાતેમાબેન જાહીદભાઇ અરફાણી રૂા. ૫૦૦૦, મુમતાઝબેન તાહીરભાઇ ગનીયાણી રૂા. ૫૦ હજાર, માહિનબેન હબિબભાઇ ચોૈહાણ રૂા. ૫૦ હજાર, રૂબીનાબેન અસલમભાઇ સોરઠીયા રૂા. ૭૫ હજાર, વસ્‍લીમ ફારૂકભાઇ લાખાણી રૂા. ૧,૮૦,૦૦૦, નસીમ ફારૂકભાઇ મલીદા રૂા. ૨,૫૦,૦૦૦, શમા વાજીરભાઇ બેલીમ રૂા. ૩૦ હજાર, અસ્‍મત અહેમદભાઇ શોખા રૂા. ૯ હજાર, ફરદીન રજાકભાઇ ભટ્ટી રૂા. ૧૫ હજાર, રઇશ વસીમભાઇ હાલારી રૂા. ૩૫૦૦, નગમાબેન એઝાઝભાઇ અંતરીયા રૂા. ૫ લાખ, ખેરૂનબેન આબીદભાઇ ગાગનાણી રૂા. ૬ાા લાખ તથા અફસાનાબેન રફિકભાઇ પારેખ રૂા. ૨૪ હજારનો સમાવેશ થાય છે.

રજૂઆત કરવા માટે આવેલા ઇમરાનભાઇ, ઇમ્‍તિયાઝભાઇ સહિતનાએ એવું પણ કહ્યું હતું કે આઠેક વર્ષથી કરિશ્‍માબેન કે.ડી.આર. ક્રેડીટ કો. ઓ. સોસાયટીના બચત એજન્‍ટ તરીકે કામ કરે છે. અત્‍યાર સુધી તેણે તમામ બચતકારોને પાકતી મુદ્દતે નિયમીત નાણા પરત આપ્‍યા છે. પરંતુ આ વખતે અચાનક જ તેણે ફોન બંધ કરી દેતાં અને અગાઉથી બધાની પાસબૂકો ઉઘરાવી લેતાં મોટા કોૈભાંડની ગંધ આવી છે. રાજકોટમાં મોચીબજાર-બજરંગવાડીમાં જ સો કરતાં વધુ રોકાણકારોના લાખો રૂપિયા છે. આ ઉપરાંત આ મહિલા રામનાથપરા, દૂધની ડેરી, જંગલેશ્વર, આમ્રપાલી પાછળ નેહરૂનગર સહિતના વિસ્‍તારોમાં મોટે ભાગે મુસ્‍લિમ લોકોના ખાતા જ ખોલતી હતી અને તેની પાસેથી નાણા ઉઘરાવતી હતી. અમે પુનિતનગરમાં તેના ઘરે જતાં તે ત્‍યાં જોવા મળી નહોતી. તેના નણંદે આ મકાન પોતે ખરીદી લીધાની વાત કરી હતી અને કરિશ્‍માબેન ક્‍યાં છે તેની ખબર નહિ હોવાનું કહ્યું હતું.

છેતરાયેલા વધુ ૯ મોચીબજારના લોકો સામે આવ્‍યાઃ તેના રૂા. ૪૪.૭૪ લાખ ગયા

દરમિયાન છેતરાયેલા પૈકીના વધુ ૯ લોકો સામે આવ્‍યા છે. જેમાંથી મોચીબજાર મમરાવાળા ચેમ્‍બરના અખ્‍તર યુસુફભાઇ બ્‍લોચ તથા અસલમભાઇ અબ્‍દુલગફાર બાવાણીએ જણાવ્‍યું હતું કે અમે ચાર-પાંચ વર્ષથી કરિશ્‍માબેન અને અહેમદભાઇ બુંબાણી પાસે કે.ડી.આર. ક્રેડિટ કો. ઓ. સોસાયટી લી.ના નામની પાસબૂક પર બચત સ્‍કીમમાં નાણા રોકી રહ્યા હતાં. પાકતી મુદ્દતે અમે અમારા નાણા માટે ફોન કરતાં ફોન બંધ આવતાં અમે પુનિતનગરમાં અહેમદભાઇના ઘરે જતાં તેઓ પોતાનું આ ઘર તેના બહેનને પાવર ઓફ એટર્નીથી આપીને પત્‍નિ કરિશ્‍માબેન તથા સંતાનો સાથે પરમ દિવસે ૧૩મીએ નીકળી ગયાનું અમને જાણવા મળ્‍યું હતું.

અસલમભાઇ અને બીજા આઠ લોકોના કુલ રૂા. ૪૪,૭૪,૧૦૦ રૂપિયા ફસાયા છે. જેની વિગત આ મુજબ છે-

અખ્‍તર યુસુફભાઇ બ્‍લોચ રૂા. ૨,૦૯,૪૦૦, અસ્‍લમ અબ્‍દુલગફાર બાવાણી રૂા. ૧,૯૫,૭૦૦, મમરાવાળા ચેમ્‍બર મેન્‍ટે. કમિટી રૂા. ૧,૧૨,૫૦૦, રફિકભાઇ ચોૈહાણ રૂા. ૭૫૦૦, આસીફભાઇ (સુભાષનગર રૈયા રોડ) રૂા. ૮,૦૪,૫૦૦, અમીનાબેન ડોસાણી (ઘાંચીવાડ) રૂા. ૧૫૦૦૦, ફૈઝલ કાલુમિંયા કાદરી (ખત્રીવાડ) રૂા. ૧૪,૨૯,૫૦૦, હાઝી મુસ્‍તાકબાપુ કાદરી (દૂધની ડેરી) રૂા. ૧૦ લાખ તથા શબ્‍બીરબાપુ કાદરી (દૂધની ડેરી) રૂા. ૭ લાખ મળી કુલ રૂા. ૪૧,૭૪,૧૦૦નો આંકડો થાય છે.

આ રીતે શહેરભરમાં મોટાભાગના મુસ્‍લિમ લોકોને જ કરિશ્‍માએ ઝાળમાં ફસાવ્‍યાનું સામે આવી રહ્યું છે.  દરમિયાન ક્રાઇમ બ્રાંચ સુધી માહિતી પહોંચતા પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમે તપાસ શરૂ કર્યાનું જાણવા મળે છે.

(3:22 pm IST)