Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગની કાર્યવાહી રદ કરી ૧૦૦ કરોડની રકમ વકીલોના વેલફેર ફંડમાં ફાળવવા માંગણી

રાજકોટ બાર. એસો.ને પત્ર પાઠવતા એડવોકેટ જનકભાઇ પંડયા : આજ રીતે : નવા બાંધકામોના પ્રોજેકટો રદ કરી પ્રજાના હિતમાં રકમ વાપરવા અનુરોધ

રાજકોટ તા. ૧પ : રાજકોટની ભાગોળે ઘંટેશ્વર ખાતે અંદાજીત ૧૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ થઇ રહ્યું છે. તે પ્રોજેકટને રદ કરીને હાલના કોવિંદ ૧૯ ના સંક્રમણથી પ્રભાવિત થયેલા વકીલોના વેલફેર ફંડ માટે આ રકમ વાપરવી જોઇએ તે અંગે રાજકોટ બાર એસો.ને એક પત્ર પાઠવીને બાર એસો.ના આજીવન સભ્ય અને એડવોકેટ જનકભાઇ પંડયાએ રજુઆત કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે, અંદાજીત ૧૦૦ કરોડનો ખર્ચ નવા કોર્ટ બિલ્ડીંગ માટે થનાર છે. તે બિલ્ડીંગનું બાંધકામ નહિ કરવા અને કોરોનાની મહામારીથી પીડાયેલા રાજકોટ બાર એસો. અનેબાર કાઉન્સીલના સભ્યો માટેના વેલફેર ફંડમાં આ રકમનો ઉપયોગ થવો જોઇએ.

એડવોકેટ પંડયાએ જણાવેલ છે કે, સમગ્ર દેશમાં રોડ રસ્તા, અન્યો પાંચ કામો નવા એરપોર્ટ નવા રેલ્વે સ્ટેશનો બાંધકામ માટે જયાં પણ આવી રકમ વાપરવાની છે તેને બંધ કરીને આવી રકમ પ્રજાને મદદરૂપ થવા માટે વાપરવી જોઇએ.

હાલમાં કોરાનાની મહામારીમાં બાર એસો.ના વકીલો પણ સમાજ સેવા કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વકીલોની આવક બંધ છે. બાર કાઉ.દ્વારા જરૂરીયાતમંદ વકીલોને પ૦૦૦ ની સહાય કરી છે. પરંતુ તે સહાય ઘણીજ ઓછી છે. જરૂરીયાતમંદ વકીલોને પ૦૦ થી વધુ રેશનીંગ કીટોનું નિઃશુલ્ક વિતરણ કરવું પડેલ છે તેથી અમુક વકીલોની સ્થિતિ કફોડી બની છે. આવા કપરા સમયમાં વકીલોના હિતમાં ઉપર મુજબનો ઠરાવ કરવો જોઇએ.

વધુમાં એડવોકેટ પંડયાએ જણાવેલ છે કે, નવા કોર્ટ સંકુલ માટે ૧૦૦ કરોડથી વધુ રકમ વાપરવાના બદલે હાલમાં  જયાં કોર્ટ બિલ્ડીંગ છે ત્યાંજ કોર્ટો ચાલુ રાખીને કોર્ટની જગ્યા ફેરવવાના બદલે કોવિડ ૧૯ થી મુશ્કેલીમાં મુકાયેલા વકીલોના વેલફેર ફંડ માટે આ રકમ ફાળવવી જોઇએ.

આ અંગે છેલ્લે રાજકોટ બાર એસો.ના પ્રમુખ સેક્રેટરીને વોટસએપ, ઇન્ટરનેટના માધ્યમથી તથા મોબાઇલ ફોન દ્વારા ઓનલાઇન જનરલ બોર્ડનું વોટીંગ કરાવી અરજન્ટ નિર્ણય કરવાની એડવોકેટ પંડયાએ પત્ર દ્વારા બાર એસો. સમક્ષ રજુઆત કરી છે.

(11:32 am IST)