Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વિનિયન વિદ્યાશાખાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ મત પત્રકોનો નાશ કરો

કુલપતિ ડો. કમલ ડોડીયા સમક્ષ ઉમેદવાર જયદિપસિંહ ડોડીયાની રજૂઆત

રાજકોટ તા.૧૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના વડા અને વિનયન વિદ્યાશાખાના ડીનની ચૂંટણીના ઉમેદવાર પ્રો. જયદિપસિંહ ડોડીયાએ કુલપતિ ડો. કમલ ડોડીયાને એક પત્ર પાઠવી તા. ૧૮ના યોજાનારી વિનયન વિદ્યાશાખાના ડીનની ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ સ્ટેચ્યુટ-૨૧૬ મુજબ મતપત્રકોનો સંપુર્ણપણે નાશ કરવા અન મતદાનની ગુપ્તતા જાળવવા બુલંદ રજુઆત કરેલ છે.

પ્રો. જયદિપસિંહ ડોડીયાએ કુલપતિશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સત્તામંડળની ચૂંટણીઓમાં તમામ પ્રકારની ગેરરીતિઓ કરવા પંકાયેલા અને બિનલોકશાહીભરી રીતરસમો અપનાવવામાં માહિર ગણાતા કેટલાક સ્થાપિત હિતો એવો પ્રચાર કરી રહયા છે. કે અમુક મતદારોને ચોક્કસ ખૂણામાં '૧' કરી નિશાન સાથે મતદાન કરવાની ફરજ પાડવામાં આવશે અને ત્યારબાદ આવા તત્વો બેલેટ પેપરની અંદર ચોક્કસ ખુણામાં થયેલા એકડાંઓ ચકાશસે.

વાસ્તવમાં સ્ટેચ્યુટ-૨૧૬ મુજબ પરિણામ જાહેર થયા બાદ તુર્તજ આવા તમામ મતપત્રકોનો સંપુર્ણપણે નાશ કરવાનું કાયદાકીય રીતે ફરજીયાત છેે ટુંકમાં સ્ટેચ્યુટ-૨૧૬ ની ચૂસ્તપણે અમલવારી ઉમેદવારોની અને પ્રેસમિડીયાની હાજરીમાં જ થાય અને સાથોસાથ મતદાનની સંપૂર્ણપણે ગુપ્તતા જળવાઇ રહે તે માટે બુલંદ રજુઆત કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જયદિપસિંહ ડોડીયા અધ્યાપકોના યુ.જી.સી.ના પગારધોરણનું અમલીકરણ એરીયર્સની ચૂંકવણી, અધ્યાપકના પ્રમોશન સહિતના અનેક પ્રશ્નો બાબતે સતત લડત આપતા રહ્યા છે, યુનિવર્સિટીના સ્થાપિત હિતોએ સુટાની ચુંટણીમાં હારના ડરથી જયદિપસિંહ ડોડીયાનું ઉમેદવારી ફોર્મ રદ કરાવી સૂટાનું અસ્તિત્વ મિટાવ્યું છે.

(4:05 pm IST)