Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુજલામ સુફલામ જળ અભિયાન માટે રાજયની નગરપાલિકાઓને ૪૮ કરોડની ગ્રાંટ ફાળવાઇ

લોકોના શ્રમ સહયોગથી જળસંગ્રહ ક્ષમતા વધારાશે : ધનસુખ ભંડેરી

રાજકોટ, તા. ૧પ :  ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડરીની યાદીમાં જણાવાયું છે કે આગામી પ૦ વર્ષ સુધી પાણીનો પ્રશ્ન ભૂતકાળ બને તેવા આશયથી ગુજરાત સ્થાપના દિવસથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે આ યોજનાના માધ્યમથી સમગ્ર ગુજરાતભરના નાના-મોટા તળાવોને ઉંડા કરવા, નદીઓમાંથી કાપ કાઢવો તેમજ નવા તળાવો બનાવવા સહિતની કામગીરી પુરજોશથી ગુજરાતભરમાં ચાલી રહી છે. 

ખાસ કરી રાજયની ૧૬ર નગરપાલિકાઓમાં સમાવિષ્ટ તળાવો ઉંડા ઉતરે એવા આશયથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની તમામ નગરપાલિકઓને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે જેમાં અ અને બ વર્ગની એટલે કે ૧ લાખની વસ્તી ધરાવતી અને પ૦ હજારની વસ્તી ધરાવતી નગરપાલિકાને ૪૦ લાખ તેમજ ક અને ડ વર્ગની નગરપાલિકા એટલે કે રપ હજાર અને ૧પ હજારની વસ્તી ધરાવતી નગરપાલિકાને રપ લાખની નાણાકીય સહાય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ છે. આમ કુલ મળી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૪૮ કરોડ અને ૭પ લાખ જેવી માતબર રકમ ફાળવવામાં આવેલ છે.

ઙ્ગવુધ માહિતી આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેક વિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે તેનાથી ખરા અર્થમાં પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ ગુજરાત તરીકે પ્રસ્થાપિત થઇ છે ત્યારે એક વધુ સરાહનિય અને લોક ઉપયોગ એવું સુજલામ-સુફલામ જળ અભિયાન એટલે કે તળાવો ઉંડા ઉતારવા અને જળ સંગ્રહ કરવો તેવા સંકલ્પથી રાજયની ભાજપ સરકારને ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર તરીકે લોકોના હૃદયમાં સ્થાન મળ્યું છે.

આ જળ અભિયાન ૧ લી મેથી લઇને ૩૧ મે સુધી સમગ્ર ગુજરાતભરમાં ચાલનાર છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬ર નગરપાલિકાઓને જે માતબર રકમની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે તેમાં કુલ ૪૮ કરોડ ૭પ લાખની રકમ ફાળવેલ છે.

રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ આ સુજલામ-સુફલામ જળ અભિયાનથી જમીનના પાણીના સ્તર ઉંચા આવશે અને આવનારા સમયમાં કૃષિ ક્ષેત્ર પણ ગુજરાત અગ્રેસર રહેશે તેમ અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું. (૯.૭)

(12:41 pm IST)