Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જિંદગીની કિંમત ૧૦૦ રૂપિયા!...ઝઘડાના સમાધાન વખતે ઝઘડોઃ ૧૮ વર્ષના આયુષની લોથ ઢળીઃ બે આરોપી સકંજામાં

ભગવતીપરાના આયુષને ઉછીના લીધેલા સો રૂપિયાની ઉઘરાણી માટે બે દિવસ પહેલા થોરાળાના ડેવિલ સાથે માથાકુટ થઇ હતીઃ ગઇકાલે આયુષ પોતાના મિત્ર નિતીનને લઇને સમાધાન કરવા ગયો ને જીવ ગુમાવ્યો : બે દિવસ પહેલા શું પાવર કરતા'તા? કહી ડેવિલ, કેવલ સહિતના પાંચે પહેલા ઢીકા પાટા માર્યા પછી એક શખ્સ છરીથી તૂટી પડ્યોઃ નિતીનને હાથમાં ઇજાઃ આયુષને હાથ-પગ-વાંસામાં ઘા ઝીંકાયાઃ બંને ભાગ્યા, નિતીન આગળ નીકળી ગયોઃ આયુષ ચુનારાવાડ ચોક સુધી પહોંચી પડી ગયોઃ હોસ્પિટલમાં દમ તોડ્યો : થોરાળા પોલીસે ગુનો નોંધ્યોઃ હત્યાનો ભોગ બનનાર આયુષ માતા-પિતાનો એકનો એક દિકરો હતો

આયુષનો ફાઇલ ફોટો, તેનો નિષ્પ્રાણ દેહ, તેના મિત્ર નિતીન પાસે માહિતી મેળવતી પોલીસ અને હોસ્પિટલે આયુષના સ્વજનો, સગા સંબંધીઓ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૫: ભગવતીપરામાં રહેતાં અને જ્યુબીલી બાગ પાસે ગાંધી મ્યુઝિયમમાં કેટલાક દિવસથી કામે જતાં ૧૮ વર્ષના વાલ્મિકી યુવાનને નવા થોરાળાના યુવાન સાથે ઉછીના લીધેલા રૂ. ૧૦૦ માટે બે દિવસ પહેલા ચડભડ થઇ હોઇ આ યુવાન ગઇકાલે પોતાના મિત્રને લઇ સમાધાન કરવા થોરાળામાં ગયો ત્યારે ઉછીના પૈસા આપનારા શખ્સે 'બે દિવસ પહેલા શું પાવર કરતા'તા?' કહી ગાળો દઇ ઝાપટો મારવાનું ચાલુ કર્યુ હતું. બાદમાં બીજા ચાર જણા સાથે મળી બંને મિત્રોને ઢીકાપાટા માર્યા હતાં અને એકે છરી કાઢી ઘા ઝીંકી દેતાં બંને મિત્રો જીવ બચાવી ભાગ્યા હતાં. પરંતુ ભગવતીપરાનો યુવાન ગંભીર ઇજા  થઇ હોઇ પડી જતાં હોસ્પિટલે ખસેડાયો હતો અને મોત નિપજ્યું હતું. પોલીસે બે શખ્સને સકંજામાં લઇ લીધા છે.

થોરાળા પોલીસે આ મામલે હત્યાનો ભોગ બનેલા ભગતવીતપરા-૩ સુખસાગર સોસાયટી પાસે રહેતાં આયુષ (ઉ.વ.૧૮)ના પિતા પ્રકાશભાઇ ભવાનભાઇ બારૈયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી કેબવલ સોંદરવા, ડેવિલ સોલંકી, પ્રશાંત વાઘેલા, આદિત્ય ગોરી અને એક અજાણ્યા સામે આઇપીસી ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ રાયોટીંગ-હત્યાનો ગુનો નોંધ્યો છે.

પ્રકાશભાઇ મહાનગર પાલિકામાં સફાઇ કામદાર તરીકે ત્રણ વર્ષથી નોકરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર આયુષ અને એક પુત્રી શ્રુતિ છે. જેમાં શ્રુતિ મોટી છે. આયુષ જ્યુબીલી બાગ પાસે આવેલા ગાંધી મ્યુઝિયમમાં વસેક દિવસથી છુટક કામ કરવા જતો હતો. તેના માતા દિપાબેન પરાબજાર નાગરિક બેંકમાં કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે કામ કરે છે.

પ્રકાશભાઇએ  પોલીસને જણાવ્યું છે કે બુધવારે ૧૪મીએ બપોરે હું અને મારા પત્નિ ઘરે હતાં અને મારી દિકરી સુરેન્દ્રનગર મારી સાળીના લગ્ન હોઇ ત્યાં ગઇ હતી. સાંજે પાંચેક વાગ્યે મારા સાળા મનિષ મનસુખભાઇ પાટડીયાનો મને સુરેન્દ્રનગરથી ફોન આવેલો અને કહ્યું હતું કે મારા ભાઇ સાહિલનો ફોન આવ્યો છે અને વાત કરી છે કે તમારા દિકરા આયુષને મારામારીમાં લાગી ગયું છે અને તેને સિવિલમાં લઇ ગયા છે. આથી હું મારા પત્નિ તુરત સિવિલ હોસ્પિટલ પહોંચતા આયુષ ઇમર્જન્સી રૂમમાં બેભાન પડ્યોહ તો. તેને વાંસામાં ડાબી બાજુ, જમણી બાજુ સામાન્ય છરકા હતાં. ડાબા હાથ, ડાબા પગ અને ડાબી બેઠકે ઇજાઓ હતી. ડોકટરે મારા દિકરાને મૃત જાહેર કર્યો હતો.

મારા સાઢુ રમેશભાઇ જેઠવા, મારા વેવાઇ રમેશભાઇ શીંગાળા તથા બીજા સગાને જાણ થતાં બધા આવી ગયા હતાં.  આ વખતે આયુષના મિત્ર નિતીન વાઘેલાએ મને કહ્યું હતું કે હું (નિતીન) બપોરે ઘરે શેરીમાં હતો ત્યારે આયુષે મને ફોન કરી કહેલું કે નવા થોરાળામાં રહેતાં ડેવિલ સોલંકી સાથે બે દિવસ પહેલા મારે બોલાચાલી થઇ હતી. હવે અત્યારે સમાધાન કરવા થોરાળા જવાનું છે, તું ભાવનગર રોડ પાંજરાપોળ પાસે આવી જા. આથી હું મારું એકટીવા જીજે૦૩એલકયુ-૬૩૧૨ લઇને પાંજરાપોળ વડલાવાળા ચા પાસે ગયો હતો. ત્યારં આયુષ ઉભો હતો અને તેની પાસે બાઇક હતું. મને તેણે કહેલું કે તું મારી પાછળ પાછળ આવ. જેથી હું આયુષના બાઇકની પાછળ ગયો હતો. અમે થોરાળા વાલ્મીકીવાસમાં રામાપીરના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં મારો મિત્ર આદિત્ય ગોરી અને પ્રશાંત વાઘેલા પણ હતાં.

થોડીવાર પાછી ડેવિલ સોલંકી, કેવલ સોંદરવા આવ્યા હતાં. ડેવિલે મને (નિતીનને) અને આયુષને ગાળો દીધી હતી અને 'બે દિવસ પહેલા શું પાવર કરતા'તા?' કહી ડેવિલે મને ઝાપટ મારી દીધી હતી. એ પછી આયુષને પાટુ મારતાં તે પડી ગયો હતો. આ વખતે કેવલે છરી કાઢેલ અને હું આયુષને ઉભો કરતો હતો ત્યારે કેવલે મને છરીના ઘા ડાબા હાથ પર મારી દીધો હતો. પ્રશાંત વાઘેલા અને આદિત્ય ગોરી તથા ડેવિલ અને શેરીમાંથી આવેલા અજાણ્યા છોકરાએ મળી અમને બંનેને આડેધડ ઢીકાપાટાનો માર માર્યો હતો.

આ વખતે કેવલે છરી કાઢી આયુષને ઘા માર્યા હતાં. માણસો ભેગા થઇ જતાં હું તથા આયુષ ભાગ્યા હતાં. હું થોરાળા રોડ પરથી ભાગ્યો હતો. રસ્તામાંથી આયુષને ફોન કરી કયાં છો? પુછતાં તેણે કહેલ કે મને લોહી નીકળે છે...એટલુ બોલેલો અને ફોન કપાઇ ગયો હતો. એ પછી હું ટ્રેકટર ચોકથી આગળ રિક્ષામાં બેસી રામનાથપરામાં ઉતરી ગયો હતો. આયુષના સગા સાહિલને ફોનમાં વાત કરેલી અને કલીનીકમાંથી પાટો લઇ મેં જાતે મારા હાથે  બાંધી લીધો હતો. તેમજ મારા કાકા એક હોસ્પિટલમાં કામ કરે છે તેને મેં વાત કરી હતી. હું ઘરે ગયો નહોતો.

એ પછી મારા કાકાએ વાત કરેલી કે આયુષને ગંભીર ઇજા થઇ છે અને દવાખાને લઇ ગયા છે. આથી હું હોસ્પિટલે આવતાં આયુષ મૃત્યુ પામ્યાની ખબર પડી હતી. આયુષ થોરાળામાં જ્યાં હુમલો થયો ત્યાંથી ભાગતો ભાગતો છેક ચુનારાવાડ ટ્રેકટર ચોક સુધી આવ્યો હતો અને અહિ પડી ગયો હતો. અહિ બધા લોકો ભેગા થયા હતાં. આયુષે અગાઉ ડેવિલ સોલંકી પાસેથી રૂ. ૧૦૦ ઉછીના લીધા હતાં. તે રૂપિયા ડેવિલે પાછા માંગતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બે દિવસ પહેલાની આ માથાકુટનું સમાધાન કરવા હું અને આયુષ ગયા હતાં ત્યારે મારામારી થઇ હતી અને હુમલો થયો હતો. તેમ વધુમાં નિતીને જણાવ્યું હતું.

પ્રકાશભાઇની ઉપરોકત કેફીયત પરથી થોરાળા પીઆઇ બી. એમ. કાતરીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, અજીતભાઇ ડાભી સહિતે હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી કેવલ અને ડેવિલને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.  સો રૂપરડી માટે હત્યાની આ ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

(12:31 pm IST)
  • દિલ્હી કોમી તોફાનોના મામલામાં દિલ્હી કોર્ટે ઉમર ખાલિદને જામીન આપ્યા : જેલમાંથી છૂટયા બાદ તેને આરોગ્ય સેતુ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાનો કોર્ટે નિર્દેશ કર્યો : ખાલિદનું 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ચાંદ બાગ પુલિયા નજીક મુખ્ય કારવાલ નગર રોડ પર થયેલી હિંસા સંદર્ભે નોંધાયેલી એફઆઈઆરમાં નામ આપવામાં આવ્યું હતું. access_time 7:40 pm IST

  • કેન્દ્ર સરકારની ઘોષણા : ઓક્સિજન સિલિન્ડરની ઘટને પહોંચી વળવા, દેશની 100 નવી હોસ્પિટલોને પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા PM Cares ફંડમાંથી ફંડ ફાળવવામાં આવશે access_time 11:18 pm IST

  • કાર્તિક આર્યનની ફિલ્મ OTT પર વેચાનારી સૌથી મોંઘી ફિલ્મ : વરૂણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી access_time 12:42 pm IST