Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

કિન્‍નર ગુરૂ-ચેલા વચ્‍ચેની લડાઇ રોડ પર પહોંચીઃ પોલીસ સ્‍ટેશન સામે નિર્વષા થઇ છાજીયા લીધાઃ ચક્કાજામ કર્યા

ગંજીવાડાના કિન્‍નર નિકિતાદેએ પોતાના જ ગુરૂ મીરાદે કંચનદે અને મક્‍સુદ રિક્ષાવાળા સહિતની સામે પોલીસ કમિશનરને અરજી કરતાં : તેની સામે આક્રોશ સાથે રજૂઆત કરવા ગુરૂ મીરાદે સહિતના કિન્‍નરો એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા અને ભારે ધમાલ મચાવી : નિકિતાદેની અરજીમાં ગુરૂ મીરાદે અને રિક્ષાવાળા સહિતના વિરૂધ્‍ધ ચોંકાવનારા આક્ષેપોઃ સામે ગુરૂ મીરાદેએ કહ્યું-નિકીતામાસી અને તેના મળતીયા નશા કરે છે, અમે માંગવા નીકળીએ તો છરી ચાકા લઇ મારવા દોડે છેઃ ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યોઃ પોલીસે બોટલો ઝુંટવી લીધી : નિકિતાદેએ પોતાની અરજીમાં લખ્‍યું હતું કે-મીરાદે સહિતના પોલીસ સામે નગ્ન થઇ જવાની ધમકી દે છેઃ તેની અરજી મુજબનું જ થયું!

કિન્‍નરોનો નગ્ન થઇ આક્રોશઃ કિન્‍નર ચેલા અને ગુરૂ વચ્‍ચે ચાલી રહેલા વિવાદમાં સામ-સામે અરજીઓ થયા બાદ ઝઘડો રોડ પર પહોંચતાં એક તરફ ચેલા એવા નિકિતાદેએ પોલીસ કમિશનર કચેરીએ જઇ લેખિત અરજી ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ગુરૂ એવા મીરાદે કંચનદે સહિતના પચાસથી વધુ કિન્‍નરોએ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી ચેલા નિકિતાદે અને તેના મળતીયાઓ વિરૂધ્‍ધ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ પોતાની અરજીમાં કાર્યવાહી ન થયાનો રોષ ઠાલવી રોડ પર નિર્વષા થઇ છાજીયા લેતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરના ગંજીવાડામાં રહેતાં કિન્‍નર નિકિતાદે મીરાદે (મુળ નામ મહમદહુશેન સિરાજભાઇ ચોૈહાણ)એ પોતાના જ ગુરૂ મીરાદે ઉર્ફ ફટાકડી અને તેની સાથેના રિક્ષાચાલક મક્‍સુદ તથા અન્‍ય ત્રણ વિરૂધ્‍ધ પોલીસ કમિશનરને અરજી આપી પોતાના ગુરૂ સહિતના પોતાને હેરાન કરી રહ્યા હોવાની ફરિયાદ કરતાં તમામને પોલીસ કમિશનર કચેરીએથી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને લઇ જવાયા હતાં. બીજી તરફ નિકિતાદેના ગુરૂ મીરાદે ઉર્ફ ફટાકડી સહિતના પચાસથી વધુ કિન્‍નરો પોતાને ઘણા સમયથી નિકિતાદે અને તેની સાથેના મળતીયાઓ હેરાન પરેશાન કરતાં હોવાની અને આ મામલે ત્રણ દિવસ પહેલા અરજી કરી હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ ન હોવાના રોષ સાથે એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી જતાં અને અહિ નિર્વષા થઇ, છાતી કુટી છાજીયા લઇ નિકીતાદેને સજા કરો, હાજર કરો એવા નારા લગાવી ચક્કાજામ કરતાં દેકારો મચી ગયો હતો. ફિનાઇલ પીવાનો પણ કિન્‍નરોએ પ્રયાસ કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગંજીાવાડમાં રહેતાં નિકિતાદે મીરાદે નામના કિન્‍નરે આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મીરાદે ઉર્ફ ફટાકડી (કિન્‍નર) તથા તેની સાથેના રિક્ષાચાલક મક્‍સુદ, બે અજાણ્‍યા કિન્‍નર અને એક અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ લેખિત અરજી આપી હતી. આ બધાને પ્ર.નગર પીઆઇ એમ. બી. ઝણકાત, પીએસઆઇ બી.વી.ચુડાસમા સહિતે કમિશન કચેરીએથી પોલીસ સ્‍ટેશને લઇ જઇ નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

નિકીતાદેએ લેખિત ફરિયાદ અરજીમાં આક્ષેપ સાથે જણાવ્‍યું છે કે મીરાદે અને મક્‍સુદ પ્રેમીપંખીડા છે, મીરાદે મારા ગુરૂ છે, કાયદેસર વિધી કરીને મને ચેલા તરીકે સ્‍વીકારેલ છે. કિન્‍નરની અમારી નાતમાં મીરાદે ઉર્ફ ફટાકડી મારા ગુરૂ થાય છે. તેને અને મક્‍સુદને પ્રેમસંબંધ થયો હોઇ તેઓ મને હેરાન પરેશાન કરે છે. હવે મને ચેલા તરીકે રાખવા માંગતા નથી. અમને આ લોકો મારકુટ પણ કરે છે, ધમકી આપે છે. રસ્‍તા પર ફોરવ્‍હીલ ચડાવી દેવાની ધમકી આપે છે. એટલુ જ નહિ અવાર નવાર અમને મુંઢ માર મારે છે. પીપળીયા ખાતે પણ મને રૂમમાં પુરીને બંનેએ મારકુટ કરી હતી. એક અજાણ્‍યો પણ મારકુટમાં સામેલ હતો.

નિકિતાદેએ ફરિયાદમાં આગળ જણાવ્‍યું છે કે આરોપીઓ મને ધમકી આપે છે કે તારો હવે બીજો ગુરૂ બનાવવો છે અને તને વેંચી મારવી છે. તારા પાંચ લાખ રૂપિયા લઇને તને વેંચી નાખવી છે...આવા વિડીયો બનાવીને પણ ઓનલાઇન કિન્‍નરોના ગ્રુપમાં મુકાય છે. તેમજ અમારા વિરૂધ્‍ધ ચોરીની ખોટી ફરિયાદો કરી ફીટ કરી દેવાની ધમકી આપે છે. મક્‍સુદ કહે છે તને બંદૂકથી મારી નાખવી છે, તારાથી જ પહેલી બોણી કરવી છે. આ લોકો છરી, ધોકા જેવા ઘાતક હથીયારો લઇને ફરે છે. રાજકોટમાં ભેગી થઇશ તો ટકો કરી નાખશું, બધા કિન્‍નર ભેગા થઇ તને મારી નાખશું તેવી ધમકી આપે છે. અમારી પાસે પરાણે ભિક્ષાવૃતિ કરાવે છે અને અમારા પૈસા પડાવી લે છે. નિકિતાદેએ લેખિત અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આ લોકો પુરૂષોને પણ કિન્‍નર બનાવીને માધાપર ચોકડીએ ઉભા રાખી ભિક્ષાવૃતિ કરાવે છે.

આ લોકો ખુબ ઝનુની સ્‍વભાવના છે અને અમને સતત ધમકીઓ આપે છે. મારા જીવ પર સતત જોખમ છે. હું ઝઘડા કરવા ઇચ્‍છતી નથી. પણ હું એકલી ભિક્ષાવૃતિ કરીને ગુજરાન ચલાવું તેમાં તે લોકો અવરોધ ઉભો કરે છે. આ લોકો એવું પણ કહે છે કે જો તું અમારા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ કરીશ તો પોલીસ અમારું કઇ નહિ કરી લ્‍યે, અમે અમારા ઘાઘરા ઉતારી નાખશું, નગ્ન થઇ જશું તો પોલીસ પણ ભાગી જશે. આવી ધમકી આપે છે. અગાઉ માલવીાયનગર પોલીસ સ્‍ટેશનમાં આવુ કૃત્‍ય કરાયું હતું. જેના યુ ટયુબ પર પણ વિડીયો છે. આ લોકોની સામે બીજા કિન્‍નરો પણ કંઇ બોલી શકતાં નથી. તેમ વધુમાં નિકિતાદેએ પોતાની લેખિત ફરિયાદ અરજીમાં જણાવ્‍યું હતું. તેને પોલીસ કમિશનર કચેરીએથી પ્ર.નગર પોલીસ મથકે લઇ જવાઇ હતી. ત્‍યાંથી તેમને ફરિયાદ કરવા માટે થોરાળા પોલીસ સ્‍ટેશને પહોંચાડવામાં આવ્‍યા હતાં.

આ વાતની જાણ થતાં જ તેના ગુરૂ એવા મીરાદે કંચનદે સહિતના સો જેટલા કિન્‍નરો એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં અને નિકિતાદે તથા તેના મળતીયાઓ વિરૂધ્‍ધ તત્‍કાળ કાર્યવાહી કરવા અને અગાઉ પોતાના તરફથી અપાયેલી અરજીમાં કાર્યવાહી ન થતાં નિકિતાદે ખોટી રજૂઆત કરવા પોલીસ કમિશન કચેરીએ પહોંચી ગયાનું કહી તેને તાત્‍કાલીક હાજર કરવા અને તેની સામે પગલા લેવાની માંગતી કરી પોલીસ સ્‍ટેશન માથે લીધુ હતું. બાદમાં આ કિન્‍નરોએ પોલીસ સ્‍ટેશન બહાર રોડ પર હાય હાયના નારા લગાવી છાતી કુટી છાજીયા લીધા હતાં અને નિર્વષા થઇ રસ્‍તા પર દોટ મુકી વાહન વ્‍યવહાર અટકાવી દીધો હતો.

જેના વિરૂધ્‍ધ ચેલા નિકિતાદેએ અરજી કરી છે તે ગુરૂ મીરાદે કંચનદે ગાદીપતિએ જણાવ્‍યું હતું કે-અમારી કાલની અરજી હોવા છતાં કંઇ કરવામાં આવ્‍યું નથી. અમારા સો માસીઓ ત્રણ દિવસથી ભુખ્‍યા છે. નિકીતા માસીને સજા આપો એ જ અમારી માંગણી છે. મીરાદેએ આગળ કહ્યું હતું કે નિકીતામાસી સહિતના બહુ હેરાન કરે છે, માદક પદાર્થના નશા કરે છે. અમે ત્રણ દિવસથી રામનાથપરાના દોઢસો માસી હેરાન થઇ રહ્યા છીએ. અમે માંગવા નીકળીએ તો ચારથી પાંચ જણા છરી ચાકા લઇને આડા ઉતરી જાય છે, આ બધાને નિકીતામાસી લઇને આવે છે. અમારી વિરૂધ્‍ધ આજે આવેદન દેવાયું છે પણ અમે તો અગાઉથી અરજી દીધી છે.

નિકીતામાસીને કડકમાં કડક સજા થાય, નિકીતામાસી હાજર નહિ થાય ત્‍યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમને અમારી અરજીમાં ન્‍યાય ન મળતાં અમારે રોડ પર ઉતરવું પડયું છે. અમને ન્‍યાય નહિ મળે તો ફિનાઇલ પીને મરી જશું, ભુખ હડતાલ કરીશું. તેમ કહીને ફિનાઇલની બોટલો પણ કિન્‍નરોએ કાઢતાં પોલીસે ઝપાઝપી કરી બોટલો ખુંચવી લીધી હતી. ફિનાઇલની બોટલો કિન્‍નરો પાસેથી ખુંચવી લેવા માટે પોલીસ કર્મચારીઓને ઝપાઝપી કરવી પડી હતી. ફિનાઇલ પોતાની માથે છાટીને કિન્‍નરોએ બૂમાબૂમ કરી મુકી હતી. એંકાદ કિન્‍નરના મોઢા પર ફિનાઇલ ઢોળાતાં ૧૦૮ બોલાવી સારવાર અપાવાઇ હતી. પીઆઇ આર. જી. બારોટ, ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે તમામને શાંત પાડવા મથામણ કરી હતી. અંતે મામલો શાંત પડયો હતો.

(3:21 pm IST)