Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કોર્પોરેશનમાં ''ચારા કૌભાંડ''ની ગંધઃ ઘાસ ખરીદી માટે વધુ ૧ કરોડનાં ટેન્ડર

છેલ્લા બે વર્ષમાં ૩.૭૦ કરોડનું ઘાસ પશુઓ ખાઇ ગ્યા!? : દર મહિને ૧૦૦૦ ઢોર માટે ચારો ખરીદાય છે પરંતુ ઢોર ડબ્બામાં હવે માત્ર ૭૦૦ પશુ છેઃ ચોમાસામાં ઢોરની સંખ્યા વધે એટલે વધુ ઘાસ ખરીદવામાં આવ્યાનો તંત્રનો બચાવ

રાજકોટ તા. ૧પઃ બિહારનાં પુર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ કરોડોનાં ચારા કૌભાંડમાં ફસાયા છે ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં પણ લાલુત્વની ગંધ ફેલાઇ રહી છે કેમ કે છેલ્લા ર વર્ષમાં કોર્પોરેશનનાં ઢોર ડબ્બાનાં પશુઓ માટે ૩.૭૦ કરોડનો ઘાસચારો ખરીદાયો છે અને હવે વધુ ઘાસચારો ખરીદવા માટે રૂ. ૧ કરોડનાં ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે.

મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં રાજમાર્ગો ઉપર રખડતાં ઢોરને પકડો અને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. અને તેમાં તેનો નિભાવ જયાં સુધી ઢોર માલિક તેનું ઢોર છોડાવી ન જાય ત્યાં સુધી ઢોર ડબ્બામાં થાય છે આથી આ ઢોરને ઘાસચારો તંત્ર દ્વારા આપવામાં આવે છે.

આ ઘાસચારો ખરીદવા માટેનો કોન્ટ્રાકટ આપવા રૂ. ૧ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે. જેમાં પ્રતિ માસ ૧૦૦૦ ઢોર માટે ઘાસ પુરૃં પાડવા માટે કોન્ટ્રાકટ અપાશે. પરંતુ હકીકતે હાલમાં ઢોર ડબ્બામાં માત્ર ૭૦૦ ઢોર છે. આમ સીધુંજ ૩૦૦ ઢોરનું ગાબડું આ ટેન્ડર પ્રક્રિયામાં દર્શાઇ રહ્યું છે.

જો કે માત્ર ૭૦૦ ઢોર રહેવા છતાં ૩૦૦ ઢોરની વધુ ગણતરી કરીને દર મહીને ૧૦૦૦ ઢોર માટે ઘાસ ખરીદીનો કોન્ટ્રાકટ આપવા પાછળ તંત્ર વાહકો એવો બચાવ કરી રહ્યા છે કે ''ચોમાસામાં ઢોર ડબ્બામાં પશુઓની સંખ્યા ૧ હજારથી પણ વધુની થઇ જાય છે. આથી વધારે ઘાસ ખરીદવા કોન્ટ્રાકટ આપવાનું આયોજન છે.

પરંતુ હકીકત એ છે કે ઢોર ડબ્બામાં માલીકીનાં ઢોર છોડાવવા જનાર પાસે નિભાવ ખર્ચ ઉપરાંત તમામે દંડ વસુલાય છે એટલુંજ નહિં જે ઢોરને કોઇ છોડાવી ન જાય એટલે કે નધણિયાતા ઢોર હોય તેનાં છાપરીયાળી સહીતની પાંજરાપોળમાં મોકલી અપાય છે. જેનાં ટ્રક ભાડાનો ખર્ચ પણ કોર્પોરેશન ભોગવે છે.

આમ ઢોર ડબ્બામાં ૧૦૦૦ ઢોરની સંખ્યા સતત ૧ વર્ષ સુધી કયારેય રહી ન શકે. ચોમાસામાં બે-ત્રણ મહિનામાં ઢોરનો આંકડો ૧૦૦૦ જેટલો થાય છે.

આમ છતાં છેલ્લા બે વર્ષમાં ઢોર ડબ્બામાં ઘાસચારા પાછળ રૂ. ૭૦ કરોડ ખર્ચી નાંખ્યા છે. અને હજુ વધુ ૧ કરોડનાં ટેન્ડરો ઘાસચારો ખરીદવાની પ્રસિધ્ધ કર્યા છે ત્યારે ઢોર ડબ્બામાં છેલ્લા ર વર્ષથી પશુઓની સંખ્યા અને ઘાસ ખરીદીની વિગતો તપાસવામાં આવે તો જબરૂ ''ચારા કૌભાંડ'' ખુલવાની ગંધ આવી રહ્યાની લોક ચર્ચા જાગી છે.

(4:13 pm IST)