Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સ્મશાન સેવાના ભેખધારી રાજીવ વછરાજાનીનો કાલે દૂરદર્શનમાં ઈન્ટરવ્યુ

કોઈપણ તહેવાર, કોઈપણ દિવસે, કોઈપણ સમયે મૃતકોના અગ્નિસંસ્કાર માટે હાજર, ૫ હજારથી વધુ સેવા

રાજકોટ તા.૯ બેસતાં વર્ષની સવાર હોય અને આપણા લેનલાઇન કે મોબાઇલ ફોનમાં કોઇનો ફોન આવે તો શું કહે? સાલ મુબારક. ધૂળેટીની સવારે કોઇ શું કહે? હેપ્પી હોલી....પણ કેટલાક નંબર એવા હોય છે જેના પર આવા સંદેશને બદલે એમની સેવા માટે સતત પોકાર આવતા હોય. રાજકોટમાં એક નંબર એવો છે જેના પર કોઇ પણ તહેવાર,કોઇ પણ દિવસ અને કોઇ પણ સમયે એવો ફોન આવે કે કોઇના પરિવારમાં કોઇનું અવસાન થયું છે તો એ વ્યકિત રાત-દિવસ,ટાઢ તડકો કંઇ પણ વિચાર કર્યા વગર સીધા ત્યાં પહોંચી જાય છે. અને ફોન ન આવે તો પણ એ પહોંચે. જેમના પરિવારમાં દુઃખદ બનાવ બન્યો હોય એમને ખબર પણ ન હોય એમ સ્મશાનયાત્રાની સમગ્ર વ્યવસ્થા થઇ જાય, શબવાહિની આવી જાય,પુષ્પમાળા પણ પહોંચી જાય અને તમામ તૈયારી થઇ જાય. જેનું નામ છે  રાજીવ વી. વછરાજાની સેવાની સાથે  લેખન,વકતૃત્વ,આયોજન,નાટક સહિતના ક્ષેત્રે એ સક્રિય રહ્યા છે. એમના જીવનની આ તમામ વાતો દુરદર્શન કેન્દ્ર રાજકોટના કાર્યક્રમ સૌથી અલગ, સૌમાં અલગના આગામી હપ્તામાં તા.૧૬ માર્ચ શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે ડીડી ગિરનાર અને સાંજે ૫ વાગ્યે રાજકોટ દુરદર્શન પર તેમજ રાત્રે ૨ વાગ્યે ફરી ડીડી ગિરનાર પર જોવા મળશે.

રાજીવ વછરાજાની રાજકોટના લોકો અને ખાસ તો નાગર જ્ઞાતિ માટે જરાય અજાણ્યું નામ નથી, અરે એમના નામે કયારેક જ્ઞાતિ ઓળખાય એવું એમનું કામ છે. જ્ઞાતિમાં કોઇનું અવસાન થાય એ દિવસ દીવાળી હોય બેસતું વર્ષ હોય કે ધૂળેટી મકર સંક્રાંતિ હોય રાજીવભાઇ એમના સાથીદારોને લઇને એ પરિવારમાં ત્વરિત પહોંચી ગયા હોય. અત્યાર સુધીમાં એમણે ૫૦૦૦થી વધારે મૃતકોના અગ્નિસંસ્કાર કર્યા હશે. આજે તો વિદ્યુત સ્મશાનની સુવિધા છે, શબવાહિની પણ છે. પણ જયારે સ્મશાનયાત્રામાં ચાલીને જવું પડતું, લાકડાંમાં અંતિમ સંસ્કાર થતા ત્યારે પણ એમની અ સેવા રહેતી. સમાજને અત્યંત ઉપયોગી એવી આ સેવા તરફ એ કેવી રીતે વળ્યા, મિત્રોનો કેવો સહયોગ મળ્યો અને છતાં ટીકાપાત્ર પણ કયારેક બનવું પડ્યું પણ સેવાનો માર્ગ મૂકયો નહીં એવી રસપ્રદ વિગતો એમની મુલાકાતમાં જોવા-જાણવા મળશે.

રાજીવ વછરાજાની પછી તો અમેરિકા સ્થાયી થયેલા પુત્રના દ્યરે જતા થયા તો ત્યાં પણ સેન્ટ્રલ લાયન્સ કલબ ઓફ ન્યુજર્સી, ટીવી એશિયા અને નાગર્સ ઓફ નોર્થ અમેરિકા જેવી સંસ્થા સાથે સંકળાયેલા છે એટલું જ નહીં આ સંસ્થાઓના કાર્યક્રમના સંચાલન પણ કરે છે. વર્ષોથી વિવિધ ક્ષેત્રે સંનિષ્ઠ સક્રિયતા દાખવનાર રાજીવ વછરાજાની જો કે પોતાના કામ વિશે આટલું બધું પ્રથમ વાર બોલ્યા છે. એમનું ઇમેલ આઇડી સેવાબાપૂ છે,શા માટે એ સેવાબાપૂ તરીકે ઓળખાય છે એનો જવાબ પણ આ ઇન્ટરવ્યૂમાં એમણે આપ્યો છે.(૩૦.૧૨)

(4:06 pm IST)