Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ઘંટેશ્વર રીંગ રોડ પર રત્નમ પ્રાઇડમાં કડીયા વૃધ્ધનું ઝેરથી મોતઃ જાતે પીધું કે કોઇએ પીવડાવી દીધું?

વૃધ્ધ ધનજીભાઇ કાસીયાણી (ઉ.૬૫)એ બે વર્ષ પહેલા મૈત્રીકરાર કર્યા હતાં: મહિલા અને બીજા ચાર જણાના ફોન પર વાતચીતમાં નામ કહ્યાં: પોલીસ તપાસનો ધમધમાટ : મૃત્યુ પહેલા પોતાના કાકા સાથે ફોનમાં વાત કરી કહ્યું-મને બ્લેકમેઇલ કરે છે ૨૫ થી ૩૦ લાખ પડાવી લીધા છેઃ વૃધ્ધ સાથે મૈત્રી કરાર કરનાર જીજ્ઞાશાબેન વસીયાણી વિરૂધ્ધ મૃતકના સ્વજનોના આક્ષેપોઃ જીજ્ઞાશાબેન પણ હોસ્પિટલે પહોંચ્યા, તેણે કહ્યું- મેં કંઇ પીવડાવ્યું નથી, મારા ઘરે આવીને કંઇ બોલ્યા નહિ, લોહીની ઉલ્ટી થતાં મેં તેમના દિકરાને ફોન કરીને બોલાવ્યાઃ બીજેથી ઝેરી દવા પીને આવ્યા હતાં : મૃતક વૃધ્ધની પોતાના કાકા સાથે છેલ્લી વાતચીતઃ મને ઝેર પાઇ દીધું છે : મૃતક મંદિરના બાંધકામના અચ્છા કારીગર હતાં: અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ મંદિરોનું બાંધકામ કર્યુ હતું

ભેદી રીતે મોતને ભેટેલા કડીયા વૃધ્ધ ધનજીભાઇ ધાસીયાણીનો નિષ્પ્રાણ, તેમનો પુત્ર બાલકૃષ્ણભાઇ અને મૃતકને જેની સાથે મૈત્રીકરાર હતાં તે જીજ્ઞાશાબેન (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: ધ્રોલના જાયવા ગામે રહેતાં અને બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા કડીયા વૃધ્ધ ધનજીભાઇ રામજીભાઇ કાસીયાણી (ઉ.વ.૬૫)નું રાજકોટમાં ભેદી મોત નિપજ્યું છે. ઝેરથી મોત થયાનું હાલ બહાર આવ્યું છે. પણ તેમણે કોઇના બ્લેકમેઇલને કારણે ઝેર જાતે પીધું કે કોઇએ પીવડાવી દીધું? તે અંગે તપાસ થઇ રહી છે. આ વૃધ્ધનું મોત રાજકોટ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક રત્નમ્ પ્રાઇડ નામની રેસિડેન્સીમાં ફલેટ નં. ૧૦૪માં તેના મહિલા મિત્ર જીજ્ઞાશાબેન વસીયાણીના ઘરેથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં અને તબિબે તેમને મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી છે. મૃત્યુ પહેલા આ વૃધ્ધે પોતાના કાકા સાથે ફોનમાં વાત કરી હતી જેમાં પોતાને ઝેર પાઇ દેવામાં આવ્યાનું કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ધનજીભાઇ કાસીયાણી આજે જાયવાથી રાજકોટ આવ્યા હતાં અને  બપોરે પોતાના કાકા સાથે ફોનમાં ત્રણ-ચાર વખત વાત કરી હતી. તેમજ પોતાને રાજકોટ ઘંટેશ્વર પાસે રત્નમ્ પ્રાઇડમાં રહેતી જીજ્ઞાશાબેન સાથે મૈત્રી કરાર હોવાની વાત કરી હતી. તેમજ ફોનમાં એવી વાત પણ કરી હતી કે અત્યાર સુધીમાં પોતાને બ્લેકમેઇલ કરીને ૨૫ થી ૩૦ લાખ પડાવી લેવામાં આવ્યા છે. બે આહિર અને બે પટેલ શખ્સો પણ ભેગા છે. વૃધ્ધે એવી વાત કરી હતી કે હું રાજકોટ આવ્યો છું...એની ઘરે જાવ છું. ત્યારે તેના કાકા તેને પોલીસ પાસે જવાની સલાહ આપે છે અને કાયદો ખુબ સારો છે, પોલીસ મદદ કરશે. જો ખોટુ થયું હોય તો પોલીસને જાણ કરવી જ જોઇએ...આ રીતે કાકા વૃધ્ધ ધનજીભાઇને સમજ આપી રહેલા ઓડિયો કલીપમાં સંભળાય છે. આવી કલીપો મૃતકના સ્વજનો પાસે છે.

છેલ્લે ધનજીભાઇ કાકાને ફોન કરીને કહે છે કે-મને દવા પાઇ દીધી છે...એ પછી ધનજીભાઇના દિકરા બાલકૃષ્ણભાઇને ફોન આવે છે અને તેઓ રાજકોટ આવી પહોંચે છે. ધનજીભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબિબે મૃત જાહેર કર્યા હતાં. તેઓ રત્નમ પ્રાઇડમાં જીજ્ઞાશાબેનના ફલેટમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં આવ્યાનું જણાવાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મૃતક ધનજીભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પુત્ર ખેતી કરે છે. પત્નિનું નામ હેમીબેન છે. ધનજીભાઇ મંદિરોના બાંધકામના સ્પેશિયાલિસ્ટ હતાં. તેમણે અત્યાર સુધીમાં હજારેક મંદિરોનું કામ કર્યુ હતું.

તેમના પુત્ર અને કાકા સહિતના સ્વજનોએ આક્ષેપ કર્યો છે ધનજીભાઇને ફસાવીને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા હતાં. તેમને કોઇએ ઝેરી દવા પાઇ દીધી હોય તેવું લાગે છે.

જો કે જીજ્ઞાશાબેન કે જેની સાથે બે વર્ષ પહેલા ધનજીભાઇએ જામનગરમાં મૈત્રી કરાર કર્યા હતાં તે પણ હોસ્પિટલે હાજર હતાં. તેમણે આક્ષેપો નકારી કાઢી કહ્યું હતું કે બપોરે તેઓ (ધનજીભાઇ) મારા ઘરે આવ્યા હતાં અને બોલ્યા હતાં કે મને ઘરેથી કાઢી મુકયો છે. એ પછી લોહીની ઉલ્ટી થવા માંડી હતી અને પડી ગયા હતાં....ત્યારબાદ મેં તેમના પુત્રને જાણ કરી હતી. મેં કંઇ પીવડાવ્યું નથી. તેઓ બહારથી કદાચ દવા પીને જ આવ્યા હોય તેવું લાગે છે.

યુનિવર્સિટી પોલીસે આક્ષેપો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:59 pm IST)