Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આત્મ પરિવર્તન માટે જોઈએ મૌન અને પ્રેમ :પૂ.પારસમુનિ

રાજકોટ,તા.૧૫: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા. નાં શિષ્યરત્ન સદ્દરૂદેવ પૂજય શ્રી પારસમુનિ મ.સા. તા. ૧૪ નાં સંસ્કૃતિનગરી વડોદરા શ્રી સ્થા. જૈન સંઘ નિઝામપુરાનાં આંગણે પધારતા સકલ સંઘમાં ઉમંગ-આનંદમાં વધારો થયો. પ્રવચન બાદ ગૌતમપ્રસાદનું આયોજન કરવામાં આવેલ.

સદગુરૂદેવે જણાવેલ કે ૧૪ ફેબ્રુઆરી એટલે  ''વેલેન્ટાઈન ડે'' વેલેન્ટાઈન ડેએ પશ્યિમની સંસ્કૃતિ છે. વેલેન્ટાઈન ડે પ્રેમની પ્રતિકૃતિરૂપે મનાવાય છે. આપણી પૂર્વિય સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિમાં પ્રેમ માટે કોઈ એક દિવસની નહીં, પરંતુ હર ક્ષણ, હર પળ, હર સમય સર્વ જીવ પ્રત્યે પ્રેમભાવ, વાત્સલ્ય ભાવ, કરૂણાભાવ રાખવાની વાત છે. આજે પરમાત્મા, સદગુરૂ અને માતા-પિતા પ્રત્યે વિશેષ પ્રેમભાવ પ્રગટાવવાનો અવસર છે.

પરમાત્મા ને રિઝવવા છે, મેળવવા છે, ''રીઝવવો એક સાંઈ'' મીરાબાઈ ને કો'કે પુછેલું : તુ આવડી નાનકડી દીકરી તને પ્રભુ કઈ રીતે મળ્યા ? મીરાબાઈએ કહેલુ ''અંસુઅન સીંચ સીંચ પ્રેમબલિ બોઈ'' ઘડે ઘડા આંસુના ઠાલવ્યા છે, ત્યારે પ્રભુ ને મળ્યા છે.

ફરી કોઈએ પુછયુ કેટલા ઘડા આંસુથી પ્રભુ રીઝે ? મીરાબાઈએ સરસ ઉતર આપ્યો જેટલા બુંદ આંસુથી તમારૂ ''હું'', ''અહં'' ભૂંસાઈ જાય, એટલા બુંદ આંસુની જરૂરિયાત છે. એથી વધુ એક અશ્રુબિન્દુ પણ ન જોઈએ.

સાધ્વી રાબિયા ને કોઈએ પુછેલ કે પરમાત્મા કેમ મળે ? રાબિયા એ કહયુ : તમે કોઈનાં નહિ, તો પ્રભુ તમારા. કેટલી અદભૂત વાત !!!

એક મહાપુરૂષે કહેલ કે પરમાત્મા સિધ્ધક્ષેત્ર પર છે, અને મહાવિદેહમાં છે. પણ પરમાત્માનો આજ્ઞાદેહ અહીં છે. આજ્ઞાદેહની ભકિત કરવી એટલે પરમાત્માની ભકિત થઈ?. તેના બે પ્રકારનાં જવાબ થાય. એક થયો ભકતનાં સંદર્ભમાં, બીજો થયો સાધકનાં સંદર્ભમાં.

ભકતનાં સંદર્ભે પહેલો જવાબ છે, પ્રભુ પ્રિયતમ બન્યા. પ્રભુ જ ગમે, એ સિવાય બીજુ કોઈ નહિ. તમે પ્રભુનાં બની ગયા , પ્રભુ તમારા બની ગયા.

બીજો જવાબ સાધકનાં સંદર્ભમાં થયો. પ્રભુનાં આજ્ઞાદેહની ભકિત તે પ્રભુની ભકિત અને આજ્ઞા દેહની ભકિત એટલે રાગ-દેષ-અહંકારની શિથિલતા.

પરમાત્માની પ્રીતિનાં રંગથી જ જયારે બધુ રંગાયેલુ છે ત્યારે દુઃખ દુુ:ખરૂપે નથી રહેતું અહીં તો આનંદ જ આનંદ !!!

આત્મ પરિવર્તન માટે જોઈએ મૌન અને પ્રેમ.

જે ચૂપ નથી રહી શકતો તે જીવનને કયારેય બદલી શકતો નથી.

મનના સ્તર પર મૌન અને હૃદયના સ્તર પર પ્રેમ જરૂરી છે.

મન ચૂપ થઈ જાય, શૂન્ય થઈ જાય, હૃદયપ્રેમ થી પૂર્ણ ભરાઈ જાય તો આત્મ પૂર્ણ સ્વરૂપને પામી જાય.

એક ડર જીવનમાં કામ કરે છે જેથી હૃદયમાં પ્રેમ વિકસિત થતો નથી. એક ભૂલ આત્મા કરી રહયો છે તે છે સતત ર્ંબીજા પાસે પ્રેમ માંગવાની ભૂલ. તેના કારણે હૃદયમાં પ્રેમનાં દ્વાર ખુલતા નથી. પ્રેમ માંગવાથી નહીં, પ્રેમ આપવાથી વિકસીત થાય છે. પ્રેમની ઉપલ્બધિ મેળવવી છે, તો મસ્તકની સમસ્ત ચેતના હૃદય તરફ પ્રવાહિત થવી જોઈએ. પ્રેમ ધ્યાનની પરિણતિ છે. આજનો માનવ ધ્યાન વગર જ પ્રેમ તરફ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જઈ શકતો નથી. હું તે પ્રેમની વાત કરૂ છું જેમાં પરિગ્રહ ભાવ - મમત્વ નથી ઉઠતો. મારા - તારા જેવા શબ્દ ની પ્રગટતા. ત્યાં તો સર્વસ્વ પરમાત્માનું છે.

કયારેય પણ તમે જેને પ્રેમ કરો તેના પર આધિપત્ય ન કરો. જેને પ્રેમ કરો તેની આજુબાજુ ઈર્ષ્યાના, અપેક્ષાનાં ભાવ ન આવવા દો.  કંઈક આપી શકો તો આપજો. માંગશો નહી. પ્રેમ એક માત્ર એ તત્વ છે, જેનાથી મૃત્યુ પણ હારી જાય છે.

(3:18 pm IST)