Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગાયકવાડીમાં ૭૨ વર્ષના ચમનભાઇ અને ૧૫ વર્ષના પોૈત્ર વિશાલ પર છરી-ધોકાથી હુમલો

વૃધ્ધના પુત્રવધુ રસ્તા પર ડુંગળી સાફ કરતાં હોઇ પડોશી સંદિપ અને મયુરે ગાળો ભાંડીઃ વૃધ્ધ સમજાવવા જતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૫: ગાયકવાડીમાં વિકલાંગ દેવીપૂજક વૃધ્ધે પોતાના પુત્રવધૂ સાથે ઝઘડો કરી રહેલા બે શખ્સને સમજાવતાં તેના પર છરી-ધોકાથી હુમલો કરી ઇજા કરવામાં આવી હતી. તેમનો પોૈત્ર વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને સારવાર લેવી પડી હતી. વૃધ્ધના પુત્રવધુ રસ્તામાં ડુંગળી સાફ કરતાં હોઇ તેને આઘા ખસવાનું કહી પડોશીઓએ ગાળો ભાંડી આ ડખ્ખો કર્યો હતો.

પ્ર.નગર પોલીસે આ બનાવમાં જંકશન પ્લોટ ગાયકવાડી-૩ના છેડે રહેતાં અને નિવૃત જીવન ગાળતાં ચમનભાઇ જેમાભાઇ હળવદીયા (દેવીપૂજક) (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી ગાયકવાડીના જ સંદિપ સુધીરભાઇ હળવદીયા અને મયુર પરબતભાઇ હળવદીયા સામે ગુનો નોંધ્યો છે.

ચમનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને અગાઉ અકસ્માતમાં ઇજા થઇ હોઇ બંને પગ ભાંગી જતાં ચાલી શકતાં નથી. હાલમાં વ્હીલચેરનો ઉપયોગ કરે છે. પોતે  ઘર બહાર વ્હીલચેરમાં બેઠા હતાં અને તેનો દિકરો કૈલાસ ડુંગળી બટેટા વેચીને ઘરે આવ્યો હતો. આ વખતે પડોશી સંદિપ અને મયુરે આવી ચમનભાઇના પુત્રવધૂ જ્યોત્સના અને કૈલાસ સાથે ઝઘડો કરી રસ્તામાંથી આઘા ખસો તેમ કહી માથાકુટ કરતાં ચમનભાઇ વ્હીલચેરમાંથી ઉભા થઇ ઘોડીને સહારે આ બંનેને ઝઘડો નહિ કરવા સમજાવવા જતાં સંદિપે છરી કાઢી હુમલો કરતાં કપાળે ચેકો પડી ગયો હતો. તેમને બચાવવા પોૈત્ર વિશાલ કૈલાસભાઇ (ઉ.૧૫) આવતાં તેને પણ સંદિપે આંગળીમાં છરી ઝીંકી દીધી હતી.

એ પછી મયુરે ધોકાથી હુમલો કરી વિશાલને હાથમાં ઇજા કરી હતી. દેકારો થતાં બંને ભાગી ગયા હતાં. ચમનભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ઝઘડાનું કારણ એવુ છે કે ચમનભાઇના પુત્રવધુ જ્યોત્સના ઘરની શેરીમાં ડુંગળી સાફ કરતાં હતાં ત્યારે સંદિપ અને મયુર પસાર થતાં હોઇ તેણે રસ્તામાંથી દૂર ખસો તેમ કહી ગાળાગાળી કરતાં તેને ઝઘડો નહિ કરવા સમજાવતાં હુમલો કર્યો હતો.

(1:01 pm IST)