Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જૂગારમાં મોટી રકમ હારી જતાં દિલાવર ઉર્ફ દિલો લીંગડીયા ગાંજો વેંચવા માંડ્યોઃ એસઓજીએ દબોચ્યો

હરિહર ચોકમાં રહેતાં ઘાંચી શખ્સે પણ કહ્યું કે-ગાંજો સુરતથી લાવ્યો'તો!

રાજકોટ તા. ૧૫: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ ગાંજા સાથે એક શખ્સને દબોચ્યો છે. સદર બજાર હરિહર ચોક દાતારના તકીયા પાસે તાર ઓફિસ પાછળ રહેતાં રિક્ષાચાલક દિલાવર ઉર્ફ દિલો સતારભાઇ લીંગડીયા (ઉ.૪૮)ને તેના ઘરમાંથી રૂ. ૧૦,૩૮૦ના ૧.૭૩૦ કિ.ગ્રા ગાંજા સાથે પકડી લઇ એ-ડિવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવાયો છે. દિલાએ રટણ કર્યુ હતું કે પોતે જૂગારમાં મોટી રકમ હારી ગયો હોઇ ખેંચ દુર કરવા ગાંજો વેંચવા માંડ્યો હતો!...અગાઉની જેમ જ તેણે પણ આ ગાંજો સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાંથી લાવ્યાનો કક્કો ઘૂંટ્યો છે.

એસઓજી પીઆઇ આર.વાય. રાવલ અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી અને નિખીલભાઇ પીરોજીયાને મળેલી ચોક્કસ બાતમી પરથી દરોડો પાડી દિલાવર ઉર્ફ દિલાને ગાંજા સાથે પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જો. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના મુજબ પીઆઇ આર.વાય. રાવલ, એએસઆઇ વિજયભાઇ શુકલા, મનરૂપગીરી, ભાનુભાઇ મિંયાત્રા, નરેન્દ્રભાઇ, નિખીલભાઇ, અનિલસિંહ ગોહિલ, હરદેવસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

દિલાવર ઉર્ફ દિલો અગાઉ જૂગારના કેસોમાં પકડાઇ ચુકયો છે. તે રિક્ષા હંકારે છે. અગાઉ મોટી રકમ જૂગારમાં હારી જતાં સુરતથી ગાંજો લાવીને વેંચવાનું શરૂ કર્યાનું    રટણ કર્યુ હતું. વિશેષ પુછતાછ માટે દિલાના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(12:59 pm IST)