Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

વેલેન્ટાઈન ડે ની સાહિત્યમય ઉજવણી

 દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા પ્રેરીત સાહિત્યીક પ્રવૃતિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા વેલેન્ટાઈન ડે નિમિતે શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર-૯૩માં સમાજમાં વાંચનનું પ્રમાણ વધે, લોકો વાંચતા થાય, પુસ્તકાલયો ધમધમતા થાય તેવા શુભ આશયથી સરસ મજાના સાહિત્યીક વાતાવરણમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જાણીતા લેખક-વકતા ડો. ભદ્રાયુભાઈ વછરાજાની, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાની, શિક્ષણકાર ડો. મુનાફભાઈ નાગાણી, યુવા ઉદ્યોગપતિ રાકેશભાઈ ભાલાળા, મોઢવણિક સમાજના અગ્રણી બિલ્ડર હરેનભાઈ મહેતા વગેરેની ઉપસ્થિતિમાં એક હજારથી વધુ પુસ્તકોનું પ્રદર્શન, ભગવદ ગો મંડળ, રામચરિત માનસ, સત્યના પ્રયોગો, ભગવદ ગીતા, કુરાન, બાઈબલ સહિતના ગ્રંથોનું પૂજન, શિયાળાના મીઠા તડકામાં બેસીને ૩૦૦થી વધુ છાત્રોએ વાંચન શિબિરમાં પુસ્તકોનું વાંચન કર્યુ. કવિયત્રીઓ હંસાબેન ભટ્ટ અને વનિતાબેન રાઠોડનું ડો. ભદ્રાયુભાઈ વછરાજાની અને દર્શિતભાઈ જાની દ્વારા કુમકુમ તિલક, ખેસ પહેરાવી, શ્રીફળ, સાકરનો પડો તેમજ પુસ્તક આપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. કાવ્યોનું પઠન, સર્જકો-લેખકોનો પરિચય કાર્યક્રમ યોજવામાં આવેલ. સમારંભના અતિથિનું કુમકુમ તિલક કરી પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવેલ. પ્રકાશ હાથીએ પ્રાર્થના ગીતનું ગાન કરેલ. શાળાના રમણીકભાઈ પાટણવાડીયાએ સ્વાગત પ્રવચન કરેલ. અંતમાં આભારવિધિ જનાર્દન આચાર્યએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અનુપમભાઈએ કરેલ. સાહિત્ય સેતુના અનુપમ દોશી, વનિતાબેન રાઠોડ, દિનેશભાઈ ગોવાણી, જનાર્દન આચાર્ય, પ્રકાશ હાથી, પરિમલભાઈ જોષી, હસુભાઈ સાટોડીયા, દિલીપ પંડયા તેમજ શાળા પરિવાર કાર્યક્રમની સફળતા માટે કાર્યરત રહેલ.

(4:20 pm IST)