Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

પત્નિને માસિક પાંચ હજારનું ભરણ પોષણ ચુકવવા પતિને કોર્ટનો હુકમ

રાજકોટ તા.૧૫: ઓશીયાળું જીવન જીવતી પત્નિને માસિક રૂ.૫૦૦૦ ભરણ પોષણ તરીકે ચુકવવાનો હુકમ ફેમીલી કોર્ટે કરેલ હતો.

રાજકોટ શહેરમાં ૬-સહકાર સોસાયટીમાં માવતરે રહીને ઓશીયાળું જીવન ગુજારતી શ્રીમતી વર્ષાબેન મનોજભાઇ તેરૈયાએ તેણીના પતિ પડધરી રહેતા અને પડધરી રેલ્વે સ્ટેશન સામે શિવશકિત કોલ્ડ્રીકસના નામથી વેપાર-ધંધો કરતા મનોજભાઇ હસમુખભાઇ તેરૈયાની સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ તા.૦૮/૦૨/૨૦૧૧ના રોજ લગ્ન થયેલા. લગ્ન બાદ અરજદાર વર્ષાબેનને સાસરીયે સંયુકત કુટુંબમાં શરૂઆતમાં સારી રીતે રાખતા. પરંતુ થોડા સમય બાદ દહેજની લાલચે તથા માવતરેથઈ વધુ રકમ તથા ચીજવસ્તુઓ મંગાવવા સબબ મેણાટોણા મારી માનસિક અને શારિરીક ત્રાસ આપી, અપમાનીત કરી, ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી કાઢી મુકેલ. જેથી રાજકોટની ફેમીલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા માટે સનેઃ૨૦૧૬ માં અરજી દાખલ કરેલ હતી.

રાજકોટના ફેમીલી કોર્ટના જજ જે.સી.બુધ્ધભટ્ટી મેડમે અરજી અંશતઃ મંજુર કરી, અરજદાર વર્ષાબેનને અરજી દાખલ તારીખથી દરમાસે નિયમીત રૂ.૫,૦૦૦ ચુકવવા અંગેનો હુકમ ફરમાવેલ છે તેમજ અરજી ખર્ચની રકમ અલગથી ચુકવવા હુકમ ફરમાવેલ છે. આમ ઓશીયાળું જીવન જીવતી પત્નિને આંશિક રાહત અનુભવેલ છે. આમઅરજદાર વર્ષાબેનને છેલ્લા ૩૨ માસના રૂ.૧,૬૦,૦૦૦ જેવી માતબર રકમ મળશે.

આ કામમાં અરજદાર વર્ષાબેન મનોજભાઇ તેરૈયા વતી રાજકોટના પ્રસિધ્ધ સીનીયર યુવા ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ.માણેક, હિતેષભાઇ પુરોહીત, સોનલબેન બી.ગોંડલીયા, નેહલબેન ડી.ત્રિવેદી રોકાયેલા છે.

(4:13 pm IST)