Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ત્રણ જણા 'ડમડમ' થઇ લગ્નમાં ભોજન માટે નીકળ્યા, પણ પહોંચ્યા પોલીસ મથકે

નાના મવા રોડ ગાંધી સ્કૂલ પાસે તાલુકા પોલીસે કાર અટકાવી ધરપકડ કરી

રાજકોટ તા. ૧૫: શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન અવાર-નવાર નશો કરી વાહન હંકારતા શખ્સો પોલીસની ઝપટે ચડી જાય છે. ગત રાત્રે નાના મવા રોડ પર ૪૦ ફુટ રોડ ગાંધી સ્કૂલ પાસે તાલુકા પોલીસે કારમાં દારૂ પીને નીકળેલા ત્રણ જણાને પકડી લીધા હતાં. આ ત્રણેય ડમ-ડમ થઇને લગ્નના ભોજન સમારંભમાં જવા નીકળ્યા હતાં પણ પોલીસ મથકે પહોંચવાની વેળા આવી હતી.

તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઇ હોઇ ગાંધી સ્કૂલ પાસે એક કાર જીજે૩સીઆર-૬૪૨૫ શંકાસ્પદ જણાતાં તેને અટકાવી તલાશી લેતાં ચાલક સહિત ત્રણ જણા નશો કરેલા હોઇ કલમ ૬૬ (૧) બી, ૮૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કાર ચાલક હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચોૈહાણ (ઉ.૩૩-ધંધો મજુરી, રહે. બાલાજી હોલ પાછળ પ્રજાપતિ સોસાયટી-૬), તેની સાથેના અમિત ધીરજભાઇ જાગાણી (ઉ.૩૨-ધંધો મજૂરી-રહે. ઓમનગર સર્કલ પાસે) તથા રૂડા ધનાભાઇ જેઠવા (ઉ.૪૨-ધંધો રિક્ષા ડ્રાઇવીંગ-રહે. લક્ષ્મીનગર-૧)ની ધરપકડ કરી કાર પણ કબ્જે કરી હતી.

પીએસઆઇ એન. ડી. ડામોર, નગીનભાઇ ડાંગર, વી.એમ. જાડેજા, હિરેનભાઇ સોલંકી, જેન્તીભાઇ, કોૈશિકભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી.

(3:49 pm IST)