Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

એક મહિના પહેલા સગીરાનું અપહરણ કરનાર ચુનારાવાડનો જયદિપ પકડાયો

થોરાળાના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા અને કોન્સ. નરસંગભાઇએ આરોપીને સગીરા સાથે પકડી લીધોઃ થાન પંથકમાં રૂ. ૩૦૦ના રોજથી મજૂરીએ રહી ગયો હતો

રાજકોટ તા. ૧૫: એક મહિના પહેલા થોરાળાના કુબલીયાપરા વિસ્તારમાંથી એક સગીરા ગાયબ થઇ હતી. તેને ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૯માં રહેતો કોળી શખ્સ જયદિપ ઉર્ફ જયલો કિશોરભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૦) ભગાડી ગયો હતો. આ યુવાનને ગત સાંજે થોરાળા પોલીસ મથકના ડી. સ્ટાફના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા અને કોન્સ. નરસંગભાઇ ગઢવીની બાતમી પરથી કુવાડવા રોડ પરથી પકડી લેવાયો છે.

જયદિપ ઉર્ફ જયલો અપહૃત સગીરાને બાઇકમાં બેસાડીને નીકળવાનો છે તેવી બાતમી પરથી વોચ રાખી તેને ઝડપી લેવાયો હતો અને સગીરાને તેના વાલીને સોંપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સગીરાને ભગાડીને જયદિપ થાન-ચોટીલા-સુરેન્દ્રનગરમાં ફરતો રહ્યો હતો. છેલ્લે એક સિરામીકમાં ૩૦૦ રૂપિયાના રોજથી કામે રહી ગયો હતો. સગીરા પણ આ કામમાં જોડાઇ હતી. ગઇકાલે તે કામ સબબ આવ્યો હતો અને પકડી લેવાયો હતો.

આ શખ્સ સામે ૦૪/૧૯ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો દાખલ થયો હતો. ભાગેડુ આરોપીઓને ઝડપી લેવાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પી. જે. જાડેજાએ સુચના આપી હોઇ પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ પીએસઆઇ પી.ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, અજીતભાઇ ડાભી, નરસંગભાઇ, કેલ્વીન સાગર, કનુભાઇ ઘેડ, જયદિપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, આશિષ દવે સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે આ કામગીરી થઇ હતી.

તબિબી તપાસ બાદ કલમ ૩૭૬ તથા પોકસોની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી શકયતા છે.

(3:48 pm IST)