Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ગ્રાહકના સ્વાંગમાં ૫૦ ચોરીઓ કરીઃ બે જામનગરી ઝડપાયા

એકલા રાજકોટમાં જ ૨૧ મળી ૩૨ ગુનાની કબૂલાતઃ લીંબડી, ભાવનગર, ગોંડલ, જેતપુર, ચોટીલા, સાયલા, બાવળા, ચિલોડા, દહેગામ, નડિયાદ, ખેડા, વડોદરામાં પણ ચોરીઓ કરી'તી : મોટે ભાગે એક જ વેપારી હોય તેવી દૂકાન પસંદ કરી જથ્થાબંધ માલ માંગતાઃ વેપારી માલ લેવા જાય ત્યાં ગલ્લામાંથી ચોરી કરી ભાગી જતાં: મોરબી રોડ પર દૂકાનમાંથી ૨II લાખની, કોઠારીયા રોડ પરથી બે લાખની તથા અન્ય દૂકાનોમાંથી હજ્જારોનો હાથફેરો કર્યો હતો :ક્રાઇમ બ્રાંચે રિઝવાન ઉર્ફ બાઝીગર ઉર્ફ રિયાઝ અને રિઝવાન ઉર્ફ દાણીને કાર સાથે દબોચ્યા : હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ.યોગીરાજસિંહ જાડેજાની સફળ બાતમી પરથી પીએસઆઇ : એમ.બી. જાડેજા અને ટીમની કામગીરી : બંનેને જૂગાર રમવાની ટેવઃ મોજશોખ માટે ચોરીઓ કરતાં: બે સાગ્રીત કાદર અને આફ્રીદીના નામ ખુલ્યા

ઝડપાયેલા બંને ગઠીયા, કબ્જે થયેલી રોકડ અને કાર તથા પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને ટીમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૫: રાજકોટ શહેર તેમજ રાજ્યભરમાં જુદા-જુદા વેપારીઓની દૂકાનમાં ગ્રાહકના સ્વાંગમાં જઇ વેપારી પાસેથી જથ્થાબંધ માલ માંગી તેની નજર ચુકવી રોકડની ચોરી કરનારા બે જામનગરી શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. એકલા રાજકોટના જ ૨૧ મળી ૩૨ ગુનાનો ભેદ ખુલ્યો છે. આ સિવાયના શહેરો-ગામોના મળી ૫૦થી વધુ ચોરીના ગુના આ બંનેએ આચર્યા હોવાનું બહાર આવ્યું છે. જૂગાર રમવાની ટેવ ધરાવતાં આ બંને મોજશોખ માટે ચોરીઓ કરતાં હતાં.

 રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતાં બે શખ્સો કારમાં આવ-જા કરતાં હોવાના આઇ-વે પ્રોજેકટના સીસીટીવી ફૂટેજને આધારે જાણવા મળતાં આ બંનેને શોધી કાઢવા સુચના અપાઇ હોઇ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે ફૂટેજમાં દેખાયેલી શંકાસ્પદ કાર સાથે બે શખ્સો જામનગર તરફથી રાજકોટ આવી રહ્યા છે. તેના આધારે જામનગર રોડ નવા ૧૫૦ રીંગ રોડની ચોકડીએ વોચ રાખી જીજે૧૦બીજી-૦૨૫૪ નંબરની સફેદ રંગની અલ્ટો કાર અટકાવી અંદર બેઠેલા બે શખ્સની પુછતાછ કરતાં પોતાના નામ રિઝવાન ઉર્ફ બાઝીગર ઉર્ફ રિયાઝ અયુબભાઇ વહેવાળીયા (ડોચકી) (મેમણ) (ઉ.૩૧-રહે. ખોજા ચકલો, નુરફળી ઘાંચી જમાતખાના, શીફા મંજીલ જામનગર) તથા રિઝવાન ઉર્ફ દાણી મહમદભાઇ કોરેજા (સિપાહી) (ઉ.૨૮-રહે. સેતાવાડ, જીવા સેતાના ડેલા પાસે જામનગર) જણાવ્યા હતાં.

આ બંનેએ પહેલા તો પુછતાછમાં ગલ્લા તલ્લા કર્યા હતાં પણ ક્રાઇમ બ્રાંચની ટીમે આકરી પુછતાછ શરૂ કરતાં જ બંનેએ કારનો ઉપયોગ કરી રાજકોટ સહિત રાજ્યભરમાં જુદી-જુદી દૂકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઇ લાખોનો ચોરીઓ કરી હોવાની કબુલાત આપતાં બંનેની ધરપકડ કરી રૂ. ૨ લાખની કાર તથા રૂ. ૧II લાખ રોકડા કબ્જે કર્યા હતાં.

ઝડપાયેલા આ બંને રિઝવાને પોતાના બીજા બે મિત્રો કાદર મજીદભાઇ બાજરીયા (રહે. ભાવસાર ચકલો જામનગર) તથા આફ્રિદી કાદરભાઇ માડકીયા (રહે. ચાકીવાડનો ઢાળીયો જામનગર) સાથે મળી ચોરીઓ કરી હોવાની કબુલાત આપી હતી.  જ્યાં જ્યાં ચોરીઓ કરી તેની વિગત નીચે મુજબ છે.

ત્રણ વર્ષ પહેલા રૈયા રોડ હનુમાન મઢી પો પેન્ટની દૂકાનમાંથી ૧૨ હજારની ચોરી, દોઢ વર્ષ પહેલા ઇન્દિરા સર્કલ પાસે દૂધની ડેરીમાંથી ૫ હજારની ચોરી, માર્ચ ૨૦૧૭માં રૈયા ધાર પાસે કરિયાણાની દૂકાનમાંથી ૧૦ હજાર, એક વર્ષ પહેલા મોરબી રોડ પર સાઇકલની દૂકાનમાંથી ૨૦ હાજર, સંત કબીર રોડપરથી હોલસેલરની દૂકાનમાંથી ૮૦ હજાર, આઠ મહિના અગાઉ સરધારમાંથી સેલ્સ એજન્સીમાંથી ૯૦ હજાર, ગયા માર્ચ માસમાં રૈયા રોડ ચોકડીએ સેનેટરી વેર્સમાંથી ૨૦ હજાર, છ માસ અગાઉ સંત કબીર રોડ પર સેલ્સ એજન્સીમાંથી ૧૦ હજાર, ગયા વર્ષે ઓગષ્ટમાં મવડી રોડ શાક માર્કેટ પાસે પાન બીડીની દૂકાનમાંથી ૧,૨૦,૦૦૦ની,  સપ્ટેમ્બર-૧૮માં પુનિતનગર પાસે બિલ્ડીંગ મટીરીયલ્સની દૂકાનમાંથી ૭૫૦૦, સપ્ટેમ્બરમાં કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે દૂકાનમાંથી રૂ. ૨ લાખ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે દૂકાનમાંથી ૭૦ હજાર, ઓકટોબરમાં ભાવનગર રોડ ફાયર બ્રિગેડ પાસેની દૂકાનમાં ૧૩ હજાર, પાંચ મહિના પહેલા ઢેબર રોડ પર ફર્નિચર દૂકાનમાંથી ૫૦ હજાર, કુવાડવા રોડ પર પટેલ પરોઠા નજીક હેલ્મેટની દૂકાનમાંથી ૨૦ હજાર, મોરબી રોડ જકાતનાકા પાસે બિસ્કીટની દૂકાનમાંથી ૨,૫૦,૦૦૦, ત્રણ માસ અગાઉ આરટીઓ પાસે હાર્ડવેરની દૂકાનમાંથી ૭૦ હજાર, કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસે બે મહિના અગાઉ  સાઇકલની દૂકાનમાં ચોરીનો પ્રયાસ, દેવપરામાં તેલની દૂકાનમાં પણ વેપારીની ચાલાકીને કારણે સફળતા મળી નહોતી, સંક્રાંતના તહેવાર પહેલા કેસરે હિન્દ પૂલ પર ચીકીવાળાની દૂકાનમાંથી ૨૪ હજારની ચોરી કરી હતી.

આ ઉપરાંત ગયા માર્ચ માસમાં લીંબડી ગામે દૂકાનમાંથી ૭૫ હજારની ચોરી, છ દિવસ પહેલા તળાજા ખાતે ૫૯ હજારની, એક વર્ષ પહેલા ગોંડલમાં ૨૦ હજારન,ી જેતપુરમાં ૧૨ હાજર, દોઢ વર્ષ અગાઉ ચોટીલામાં ૧૫ હજારની, ૨૭ હજારની, સાયલામાં ૧૦ હજાર, બાવળામાં ૩૫ હાજર, ચીલોડામાં ૧૫ હજારની અને દેહગામમાં  ૧૮ હજારની ચોરી કરી હતી.

આ ઉપરાંત ભાવનગર, ગોંડલ, અમદાવાદ, ટંકારા, નડિયાદ, ખેડા, દેહગામ, વડોદરામાં પણ ગ્રાહકના સ્વાંગમાં ચોરીઓ કરી છે. આમ કુલ પચાસથી વધુ ચોરીઓ સામે આવી છે. હજુ વધુ ગુના ખુલવાની શકયતા છે. આ બંને જણા જુગારની ટેવ ધરાવે છે. મોજશોખ માટે ચોરીઓ કરે છે. બંને ખાસ કરીને જે દૂકાનમાં એક જ વેપારી હોય ત્યાં જતાં અને દૂકાનમાં જે મળતું હોઇ તે જથ્થાબંધ માંગતા. જેથી વેપારી આજુબાજુના ગોડાઉનમાં કે પછી માળીયા ઉપર વધારાનો માલ રાખ્યો હોઇ તે ઉતારવા કે લેવા માટે જાય ત્યાં સુધીમાં બંને કાઉન્ટરના ખાના ખોલી રોકડ ચોરી લેતાં હતાં અને સફેદ રંગની અલ્ટોમાં ભાગી જતાં હતાં.

રિઝવાન ઉર્ફ બાઝીગર અગાઉ અમદાવાદ, કચ્છ, ભચાઉ, ખંભાળીયા, ભાણવડ, રાણાવાવ, જામનગર ખાતે ચોરી લૂંટના ગુનામાં પકડાયો હતો. ધોરાજી અને પ્રાંતિજના ગુનામાં તેનું નામ ખુલ્યું હતું. જ્યારે રિઝવાન ઉર્ફ દાણી જામનગરમાં દારૂના અને મારામારી તેમજ વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી તથા ટીમના પી.એસ.આઇ. મહાવીરસ્િંહ બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા, સોકતખાન ખોરમ અને જીજ્ઞેશભાઇ મારૂની ટીમે આ કામગીરી કરી હતી.

(3:30 pm IST)