Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કૃષિ ઇનપુટઃ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ કલેકટર તંત્રને રાજકોટ જિલ્લા માટે ૧૭૭ કરોડ ફાળવાયા

મગફળી ખરીદીમાં ૩૧ જાન્યુઆરી છેલ્લો દિવસઃ પડધરીમાં ખરીદી પુરી : કૃષિ ઇનપુટ માટે ટીડીઓ સહિત કુલ ૪ ટીમઃ પાણી અંગે તુર્તમાં બેઠકઃ જેતપુરમાં ઝડપી કામગીરી ચાલુ

રાજકોટ તા.૧૫: રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે કૃષિ ઇનપુટમાં ખેડૂતોને સહાય અર્થે ખેડૂતોને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજ સુધીમાં જિલ્લાના ર લાખ ૬૦ હજારમાંથી ૧ લાખ૬૦ હજાર જેટલા ફોર્મ ભરાયા છે. અને ૩૧ જાન્યુઆરી સુધીમાં ખેડૂતોના ખાતામાં સરકારે નક્કી કરેલી પોલીસી મુજબ સહાય જમા થઇ જશે.

કલેકટર ઉમેર્યું હતું કે આ માટેનો ખાસ એકશન પ્લાન અમલમાં છે, ટીડીઓ સહિત કુલ ૪ ટીમો દ્વારા હાલ ચકાસણી પણ થઇ રહી છે, સરકારે ખેડૂતોને ચુકવવા અર્થે કુલ ૧૭૭ કરોડની ગ્રાંટ ફાળવી પણ દિધી છે.

મગફળી ખરીદી અંગે કલેકટરે ઉમેર્યું હતું કે ૩૧ જાન્યુઆરી સુધીમાં સંભવત ખરીદી પુરી થઇ શકે છે, વચ્ચે બે દિવસ રજા આવી એટલે ખરીદી એકાદ અઠવાડિયું લંબાઇ શકે, પરંતુ મોટાભાગે ખરીદી પુરી થઇ છે, પડધરીમાં ૧૦૦ ટકા કામગીરી કરી લેવાઇ છે, જિલ્લામાં ૪૦ હજાર ખેડૂતોએ લાભ લીધો છે.

પાણી અંગે તેમણે ઉમેર્યું હતું કે, હાલ જિલ્લામાં એવી કોઇ ખાસ મુશ્કેલી નથી, પાણી અંગે ટુંકમાં બેઠક બોલાવાશે, જેતપુરમાં જે કામગીરી થઇ રહી છે, તે ઉનાળા સુધીમાં પુરી કરી લેવાશે.

(3:46 pm IST)