Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

લાઇફ કેરના શ્યામ રાજાણી સામે MBBSનું ખોટુ સર્ટી બનાવવાનો ત્રીજો ગુનો નોંધાયો

અગાઉ અપહરણ-ધોલધપાટ અને દવા ચોરવાના ગુનાઓમાં રિમાન્ડ-જેલહવાલે થયા બાદ વધુ એક એફઆઇઆર : કોર્પોરેશનના ડો. ચુનારાએ ફરિયાદ નોંધાવીઃ હોસ્પિટલમાંથી ડોકટરના રબ્બર સ્ટેમ્પ, પાંચ ફ્રેમમાં મઢેલા જુદા-જુદા સર્ટીફિકેટ તેમજ લેટરપેડ, ડીવીઆર, પેનડ્રાઇવ, લેપટોપ કબ્જેઃ જેલમાંથી ફરી કબ્જો મેળવવાની કાર્યવાહી

રાજકોટ તા. ૧૫: કુવાડવા રોડ પરની લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના  સંચાલક શ્યામ રાજાણીનો દવા ચોરવાના બીજા ગુનામાં જેલમાંથી કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. આ ગુનામાં  ફરીથી જેલહવાલે થતાં હવે ત્રીજો ગુનો એમબીબીએસની બોગસ ડીગ્રી બનાવવાનો નોંધાતાં ફરીથી તેનો જેલમાંથી કબ્જો મેળવવામાં આવશે.

બીજા ગુનામાં બી-ડિવીઝન પોલીસે કબ્જો મેળવી વિશેષ પુછતાછ કરતાં શ્યામ રાજાણીએ સરકારી દવાઓ પૂર્વ પત્નિ આરોગ્ય કેન્દ્રમાંથી લઇ આવી હોવાનું રટણ કર્યુ હતું. શનિવારે શ્યામના બે દિવસના રિમાન્ડ પુરા થતાં ગઇકાલે પરત કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલ હવાલે કરાયો હતો. ત્યાં હવે ત્રીજો ગુનો મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર, ઇન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો. મનિષભાઇ બાબુલાલ ચુનારા (ઉ.૪૪-રહે. મારૂતિનગર પેડક રોડ)ની ફરિયાદ પરથી દાખલ કરાયો છે. આ મામલે શ્યામ રાજાણી અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૧૯, ૪૨૦, ૪૬૫,૪૬૮, ૪૭૧, ૪૭૩, ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ એમબીબીએસનું ખોટુ ડીગ્રી સર્ટીફિકેટ તથા ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી કે બનાવડાવી ડોકટરની ડીગ્રી ન હોવા છતાં લાઇફ કેર હોસ્પિટલમાં તબિબી પ્રેકટીસ કરી ગુનો આચર્યાનું નોંધાયું છે.

ડો. ચુનારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૬/૧/૧૯ના શ્યામ રાજાણી અને અન્ય વ્યકિતઓ દ્વારા એક યુવાનને માર મારવાનો વિડીયો વાયરલ થતાં તે અંગે લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં તપાસની જરૂરિયાત જણાતાં આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ મારફત સુચના મળતાં અને આ બાબતે બી-ડિવીઝનના પીઆઇ મારફત પણ ટેલિફોનીક જાણ થતાં હું લાઇફ કેર હોસ્પિટલની મુલાકાતે ગયો હતો. જ્યાં પોલીસ અધિકારી પણ હાજર હતાં. ઉપરના માળે દવાખાનાને લગતાં વોર્ડ, ઓપરેશન થિએટરની મુલાકાત લીધી હતી. ભોંય તળીયે તપાસ કરતાં ઓફિસમાંથી જુદા-જુદા ફ્રેમમાં મઢેલા સર્ટિફિકેટ તથા ફોટો કોપી હતાં તેની તપાસ કરી હતી.

ફ્રેમમાં શ્યામ રાજાણીના સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૨-૧૨-૦૯માં રાજકોટ ખાતે અપાયેલ એમબીબીએસની ડીગ્રીની નકલ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧૬ જુલાઇ-૨૦૦૮ના રોજ અમદાવાદ ખાતે અપાયેલી એમ.ડી.ની ડીગ્રીના સર્ટીફિકેટની નકલ, ત્રીજી ફ્રેમમાં ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એકટ અન્વયે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા થયેલી નોંધણીનું મલ્ટી કલરવાળુ નોંધણી નં. ૧૧૬૮નું ઓરિજીનલ સર્ટિફિકેટ તથા ચોથી ફ્રેમમાં મઢેલુ  ધ પીસી એન્ડ પીએનડીટી એકટ અંતર્ગત થયેલી નોંધણીનું ૧૪/૧૨/૨૦૧૦ થી ૧૪/૧૨/૨૦૧૫ સુધીની માન્યતા ધરાવતું જીલ્લા પંચાયત દ્વારા અપાયેલુ સર્ટી તથા અન્ય ફ્રેમમાં એડવાન્સ ઓફ ડાયાબિટીસ અંગેની સિમ્પોસીયામાં જાન્યુઆરી-૨૦૧૪માં ભાગ લીધાનું પ્રમાણપત્ર હતું.

આ ઉપરાંત જુદા-જુદા રબ્બર સ્ટેમ્પ મળ્યા હતાં. પોતે ડોકટર ન હોવા છતાં ડો. શ્યામ રાજાણી (એમડી મેડિસીન), ક્રિટીકલ કેર ફિઝીશીયન રજી. નંબર, હેલ્પલાઇન નંબર લખેલા હતાં તે સ્ટેમ્પ, તથા બીજા સ્ટેમ્પ મળતાં પોલીસે કબ્જે લીધા હતાં. આ ઉપરાંત શ્યામ રાજાણીનું લેટરપેડ કબ્જે કરાયું છે. જેમાં મેનેજીંગ ડિરેકટર ડો. શ્યામ રાજાણી-એમડી ક્રિટીકલ કેર ફિઝીશીયન લખેલુ છે તે પણ મળ્યું હતું.

તપાસ દરમિયાન એમબીબીએસના સર્ટીફિકેટની નકલ અને એમડીના સર્ટીફિકેટની નકલ શંકાસ્પદ જણાઇ હતી.  પોલીસે ડીવીઆર, લેપટોપ, પેનડ્રાઇવ સહિતની ચીજવસ્તુઓનું પણ પંચનામુ કરી કબ્જે કર્યુ હતું. સર્ટીફિકેટ્સની સંલગ્ન યુનિવર્સિટીમાં તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં ખરાઇ કરાવતાં ૮/૧/૧૯ના રોજ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રત્યુતર આપ્યો હતો કે શ્યામ રાજાણીની એમબીબીએસની ડીગ્રીનો યુનિવર્સિટીમાં કયાંય રેકોર્ડ નથી. અન્ય સર્ટીફિકેટ અંગેનો જવાબ સંલગ્ન કચેરીમાંથી હજુ આવવાનો બાકી છે. આમ શ્યામે ખોટુ સર્ટી બનાવી ડોકટર તરીકે પ્રેકટીસ કરી હોઇ તેની સામે ગુનો નોંધાવાયો છે. તેમ ફરિયાદના અંતે ડો. ચુનારાએ જણાવ્યું છે.

ડીસીપી રવિકુમાર સૈની અને  ટંડેલની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એફ. ડામોર, પીએસઆઇ એમ. એમ. ઝાલા, વી. કે.  ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, ધર્મરાજસિંહ ઝાલા, ખોડુભા જાડેજા, જગેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ ઝાલા, વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(3:30 pm IST)