Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મુંબઇના નબીર પાસેથી રાજકોટનો મિલન ઉર્ફ એમ.કે.ડ્રગ્સ લાવતો'તો

રાજકોટના કોલેજીયનને નશાના રવાડે ચડાવવાના કારસ્તાનનો એસઓજીએ કર્યો પર્દાફાશઃ માદક દ્રવ્યોની હેરાફેરીનું રેકેટ તોડવા કવાયતઃ મિલન ખખ્ખર ઉર્ફ એમ. કે. તથા તેના મિત્રો વિક્રમસિંહ જાડેજા અને પાવન મકવાણાને હેડકોન્સ. આર. કે. જાડેજા, મનરૂપગીરી અને ક્રિપાલસિંહની બાતમી પરથી પકડાયાઃ બી-ડિવીઝન પોલીસે કબ્જો સંભાળ્યોઃ મિલન અને વિક્રમસિંહ પહેલા પોતે નશો કરતાં: બાદમાં 'પડીકી'નો ધંધો ચાલુ કર્યોઃ ત્રણ વખત મુંબઇથી ખેપ માર્યાનું રટણઃ પૈસાદાર થવાની લ્હાયમાં બીબીએનો છાત્ર મિલન નારકોટિકસના ગંભીર ગુનાનો આરોપી બન્યો!: કોકેઇન અને એમફેટેમાઇન ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સ ૧૦ દિવસના રિમાન્ડ પરઃ તપાસનો દોર મુંબઇ સુધી લંબાવાશે

પીઆઇ એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ સિસોદીયા, પીએસઆઇ રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા તથા એસઓજીની ટીમ અને ઝડપાયેલા ત્રણેય શખ્સો તથા કબ્જે થયેલુ ડ્રગ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૫: શહેરના યુવાધનને ખાસ કરીને કોલેજીયન છાત્રોને ડ્રગ્સના બંધાણી બનાવવાના કારસ્તાનનો શહેર એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હેડકોન્સ. આર. કે. જાડેજા, મનરૂપગીરી ગોસ્વામી અને કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમાની બાતમી પરથી ત્રણ શખ્સોને કોકેઇન અને એમફેટેમાઇન નામના રૂા. ૫,૫૨,૯૦૦ના ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ત્રણેય શખ્સનો કબ્જો બી-ડિવીઝન પોલીસને સોંપાયો છે. ત્રણ પૈકીનો એક શખ્સ કે જે 'એમ. કે.'ના નામે ઓળખાય છે તે આ ડ્રગ્સ મુંબઇના મડગાંવ વિસ્તારના નબીર નામના શખ્સ પાસેથી લાવતો હોવાનું ખુલ્યું છે. ત્રણેયના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થતાં તપાસનો દોર મુંબઇ સુધી લંબાશે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મિલન સંજયકુમાર ખખ્ખર (ઉ.૨૨-રહે. મહાવીર પાર્ક એલ-૭, નિર્મલા રોડ), તેના મિત્રો વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.૨૨-રહે. નહેરૂનગર-૫, માલધારી ચોક, શ્રી કૃષ્ણકુંજ મકાન) તથા પાવન નટુભાઇ મકવાણા (ઉ.૨૧-રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૧, મવડી)ને કુવાડવા રોડ જુના પોલીસ સ્ટશેનની સામે આવેલા પુલની સામેની બાજુ લાલપરી તરફના છેડા પાસેથી ઝડપી લેવાયા હતાં. આ શખ્સો પાસેથી ૩૮.૫૪૦ ગ્રામ કોકેન અને ૧૬.૭૫૦ ગ્રામ એમફેટેમાઇન નામના માદક પદાર્થ મળ્યા હમતાં. જેથી આંતરરાષ્ટ્રીય કિમત રૂા. ૧ લાખ લેખે કુલ ૫૫.૨૯ ગ્રામ પદાર્થ રૂા. ૫,૫૨,૯૦૦નો કબ્જે લઇ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે બી-ડિવીઝન પોલીસ મથકમાં  પીએસઆઇ ઓ.પી. સિસોદીયાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સ સામે એનડીપીએસ એકટની કલમ ૨ (૧૫), ૨૧ (બી), ૨૨(બી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ માટે ત્રણેયનો કબ્જો બી-ડિવીઝન પોલીસે સંભાળ્યો હતો. પી.આઇ. આર. એસ. ઠાકર સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી ત્રણેયની પુછતાછ કરતાં આ ડ્રગ્સ મહેશ ખખ્ખર ઉર્ફ એમ.કે. મુંબઇના મડગાંવ વિસ્તારના નબીર નામના શખ્સ પાસેથી લાવતો હોવાનું ખુલતાં તપાસનો દોર ત્યાં સુધી લંબાશે. કામગીરમાં પી.આઇ. એસ.એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. વિજયભાઇ શુકલ, ધર્મેન્દ્રસિંહ રાણા, રાજેશભાઇ ગીડા, કૃષ્ણસિંહ જાડેજા, કોન્સ. બ્રિજરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, રણછોડભાઇ, ગિરીરાજસિંહ ઝાલા અને જાડેજા, જીતુભા ઝાલા, ફિરોઝભાઇ, મેહુલભાઇ, હિતેષભાઇ, હરદેવસિંહ, વિજયસિંહ સહિતના જોડાયા હતાં.

એસઓજીએ ત્રણેયની પુછતાછ કરતાં એવું ખુલ્યું હતું કે મિલન સુત્રધાર મિલને બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે, તેના પિતા જમીન-મકાન લે-વેંચનું કામ કરે છે. જ્યારે વિક્રમસિંહ અખબારનો એજન્ટ છે અને પાવન ઇલેકટ્રીક કામની મજૂરી કરે છે. મિલન અને વિક્રમસિંહ પહેલા પોતે આ ડ્રગ્સનો નશો કરતાં હતાં. બાદમાં બંનેને ખબર પડી હતી કે જો આ ડ્રગ્સ કયાંકથી મેળવીને વેંચવામાં આવે તો ખુબ પૈસા મળે. એ પછી મિલને લાઇન શોધી હતી અને મુંબઇના નબીર સુધી પહોંચ્યો હતો. પ્રારંભે બે-ત્રણ પડીકી લાવ્યો હતો અને વેંચીને નફો મેળવ્યો હતો. એ પછી બીજી ખેપ કરી હતી. ત્રીજી ખેપમાં તે અને તેના સાગ્રીતો ઝડપાઇ ગયા હતાં. કોકેઇન કાગળ કે એલ્યુમિનીયમ ફોઇલની ભુંગળી બનાવી તેનાથી પીવાય છે અને એમફેટેમાઇન પાન-મસાલા સાથે ભેળવીને નશો કરાય છે. કોકેઇનની ૧ ગ્રામની પડીકી ૩ હજારમાં અને એમફેટેમાઇનની એક પડીકી રૂા. ૨૫૦૦ લેખે વેંચવામાં આવતી હતી.

એમ.કે. આ ડ્રગ્સ લાવતો હતો અને વિક્રમસિંહ તથા પાવન ગ્રાહકો-છાત્રોને શોધતા હતાં. ત્રણ-ચાર મહિનાથી આ ગોરખધંધો ચાલતો હતો. કેટલા છાત્રોને આ ડ્રગ્સના બંધાણી બનાવી દીધા? તેની તપાસ પણ થશે. ત્રણેય શખ્સને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં. અદાલતે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. માદક દ્રવ્યોની હેરાફેરીનું રેકેટ તોડવા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.   

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને એસીપી શ્રી ેટંડેલની રાહબરી હેઠળ પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એમ. ઝાલા, પીએસઆઇ આર. એસ. સાકળીયા, હેડકોન્સ. સી. જે. ઝાલા, વિજયગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, કોન્સ. હરપાલસિંહ વાઘેલા, એભલભાઇ બરાલીયા, હંસરાજભાઇ ઝાપડીયા, કુલદીપસિંહ ચુડાસમા, અશ્વિનભાઇ રાઠોડ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૧૨)

(11:35 am IST)