Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કાર અથડાતાં ડખ્ખોઃ ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શીયાણી પર પોલીસમેન સહિત બે જણાનો હુમલો

રાજકોટમાં ઉતરાયણની સાંજે જલજીત હોલ પાસે ધમાલઃ કોન્સ. રામભાઇ વાંક અને અજય રાયધન બોરીચા સામે ભકિતનગરમાં ગુનો દાખલઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટ્રસ્ટી-ખજાનચી ચિરાગભાઇ ૮ વર્ષની દિકરીને લઇ ફુગ્ગા લેવા નીકળ્યા ત્યારે બનાવ બન્યોઃ મારને કારણે નાકમાંથી લોહી નીકળી ગયાઃ દિકરી કારમાં બેઠા-બેઠા ખુબ ગભરાઇ ગઇ અને રડવા માંડી

રાજકોટ તા. ૧૫: ઉતરાયણની સાંજે  આનંદનગર નજીક જલજીત હોલ પાસે કાર પાર્ક કરીને ઉભેલા ખોડલધામના ટ્રસ્ટી, ખજાનચી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આનંદનગર પાછળ ગીતાંજલી પાર્ક-૭માં રહેતાં પટેલ ચિરાગભાઇ ખોડીદાસભાઇ શિયાણી (ઉ.૪૦)ની ઉભેલી કાર પાછળ પોલીસમેનની કાર અથડાતાં ચિરાગભાઇએ ધ્યાન રાખીને ચલાવવાનું કહેતાં કારમાંથી ઉતરેલા પોલીસમેને ઝઘડો કરી બાદમાં બીજા એક શખ્સ સાથે મળી મારામારી અને ગાળાગાળી કરતાં દેકારો મચી ગયો હતો અને લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. આ મામલો પોલીસ સુધી પહોંચતા ભકિતનગર પોલીસે માલવીયાનગરના કોન્સ. રામભાઇ વાંક અને અજય રાયધનભાઇ બોરીચા સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે આ અંગે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૨૭૯, ૪૨૭, ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. ચિરાગભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને રેસકોર્ષ પ્લાઝામાં ઓફિસ આરપીસી કંપનીમાં બેસી વ્યવસાય કરુ છું. સંક્રાંતની સાંજે પાંચેક વાગ્યે હું મારી ૮ વર્ષની દિકરી બીરવાને લઇને મારી મર્સીડીઝ કાર જીજે૩કેએચ-૯૫૫૦ લઇને જલજીત હોલ ચોકમાં રજવાડી પાન પાસે દિકરી માટે ફુગ્ગા લેવા ગયો હતો. કાર રજવાડી પાન પાસે ઉભી રાખી હું નીચે ઉતરીને થોડે દુર ગયો ત્યારે અચાનક ધડાકો થતાં મેં પાછળ વળીને જોતાં સફેદ કલરની નંબર વગરની કાળા કાચવાળી આઇ ટેન કાર મારી કાર પાછળ અથડાયેલી જોવા મળી હતી.

હું દોડીને મારી કાર પાસે ગયો ત્યારે અંદરથી એક માણસ નીકળ્યો હતો. મેં તેને ધ્યાન રાખીને હંકારવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને મને ગાળો દેવા માંડ્યો હતો. મારી કારના પાછળના ભાગમાં નુકસાન થયું હોઇ તે બાબતે શું કરવાનું? તેમ પુછતાં તેણે વધુ ગાળો દીધી હતી અને ધમકી આપી હતી. બાદમાં પોતાનું નામ રામભાઇ વાંક હોવાનું અને પોતે પોલીસવાળા હોવાનું કહી રોફ જમાવ્યો હતો. તેણે કોઇને ફોન કરતાં બીજી એક આઇ ટ્વેન્ટી કાર આવી હતી અને તેમાંથી બીજો એક શખ્સો ઉતર્યો હતો. તેણે પણ ગાળો ભાંડી હતી અને બાદમાં બંનેએ મળી ઢીકા-પાટુનો આડેધડ માર માર્યો હતો. બીજા શખ્સનું નામ અજય રાયધન બોરીચા હોવાનું જણાયું હતું. એ શખ્સે જ પોતાનું નામ આપ્યું હતું અને મારા ફોનનો ઘા કરી દીધો હતો. મને એટલી મારકુટ કરી હતી કે નાકમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. મારી કિદરી આ બનાવથી ખુબ ડરી જતાં રડવા માંડી હતી. ઘટના બાદ હું કાર લઇ નીકળી ગયો હતો અને સગા-સંબંધીને જાણ કરી  પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.  પોલીસમેને મારી કાર પાછળ તેની કાર અથડાવતાં મારી કારમાં એક લાખનું નુકસાન પણ થયું છે.

એસીપી પૂર્વ પ્રદિપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસમેન સાથેનો શખ્સ અજય બોરીચા અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.  હવે પોલીસમેન સાથે મળી ખોડલધામના ટ્રસ્ટી, ખજાનચી અને ચાર્ટર્ડ એકાઉન્ટને ધોલધપાટ કરતાં ચકચાર જાગી છે. પોલીસમેન રામભાઇ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં હતાં ત્યારે પણ સોની વેપારીને મારકુટ થયાનો વિવાદ થતાં તેની બદલી માલવીયાનગરમાં કરવામાં આવી હતી. (૧૪.૧૭)

પોલીસમેન કહે છે-પતંગ લૂંટતા છોકરાને બચાવવાના પ્રયાસમાં અકસ્માત સર્જાતા બોલાચાલી થઇઃ અજયને મેં બોલાવ્યો નહોતો, એ ત્યાંથી નીકળતાં ઉભો રહ્યો'તો

.આ બનાવ અંગે માલવીયાનગરના કોન્સ. રામભાઇ વાંકનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે હું મારી કાર લઇને નીકળ્યો ત્યારે અચાનક પતંગ લૂંટતો એક છોકરો રોડ પર દોડીને નીકળતાં તેને બચાવવાના પ્રયાસમાં મેં જોરદાર બ્રેક લગાવતાં સ્ટીયરીંગ પરનું બેલેન્સ ગુમાવ્યું હતું અને ઉભેલી કાર પાછળ મારી કાર અથડાઇ ગઇ હતી. એ કારના ચાલક નજીક આવ્યા હતાં અને બોલાચાલી થઇ હતી. એ વખતે અજય રાયધન બોરીચા ત્યાંથી નીકળતાં તે મને ઓળખતો હોઇ ઉભો રહી ગયો હતો. મેં તેને ફોન કરીને બોલાવ્યો નહોતો. (૧૪.૧૭)

 

(11:30 am IST)