Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સ્વાઇન ફલૂએ વધુ એક ભોગ લીધોઃ બામણબોરના મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોતઃ મૃત્યુઆંક ૬

ઉતરાણની સાંજે દમ તોડ્યોઃ સિવિલ અને ખાનગીમાં ૨૪ દર્દી સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: સ્વાઇન ફલૂએ ઉતરાયણની સાંજે વધુ એકનો ભોગ લીધો છે. બામણબોરના મેવાસા પંથકના ૪૮ વર્ષના મહિલાનું મોત નિપજ્યું છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે આ વર્ષનો મૃત્યુઆંક ૬ થયો છે.  ગયા વર્ષે તા. ૧-૯-૧૮ થી વર્ષના છેલ્લા મહિના સુધીમાં શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફલૂથી કુલ ૪૫ મૃત્યુ થયા હતાં. નવા વર્ષમાં છઠ્ઠો ભોગ લેવાયો છે.

જાણવા મળ્યા મુજબ મેવાસાના મહિલાને થોડા દિવસ પહેલા તાવ-શરદી-ઉધરસ થતાં સ્થાનિક દવા કરાવી હતી. પરંતુ ફરક ન પડતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઉતરાયણની સાંજે ચાર વાગ્યે તેમણે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

આરોગ્ય ખાતાના સુત્રોના કહેવા મુજબ આ વર્ષે કુલ ૩૬ સ્વાઇન ફલૂના કેસ સામે આવ્યા છે. જેમાં છ મોત થયા છે. હવે સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં ૨૪ દર્દી સારવાર હેઠળ છે. જેમાં રાજકોટ, ગોંડલ, પોરબંદર, મોરબી, જુનાગઢ, કચ્છ, મોરબી, અમરેલીના દર્દીઓનો સમાવેશ થાય છે. (૧૪.૧૪)

 

(11:30 am IST)