Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

સુસવાટા મારતા પવનો વચ્ચે રાજકોટ ઠંડુગાર : ૧૧ ડિગ્રી

શહેરમાં સૌપ્રથમ વખત સિઝનનું તાપમાન પટકાયું : બે દિવસમાં ૫ ડિગ્રી ગગડ્યુઃ હજુ બે દિવસ ઠંડીનું મોજું જળવાઈ રહેશેઃ ગરમ વસ્ત્રોમાં જ જોવા મળતા નગરજનો

રાજકોટ, તા. ૧૪ : પહાડી પ્રદેશોમાં થયેલ હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં બે દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો રાજકોટ શહેરમાં આજે ઠંડીનો પારો ૧૧ ડિગ્રીએ પહોંચી ગયો છે. લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે.

 

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસમાં પાંચ ડિગ્રી તાપમાન ગગડ્યું છે. ગઈકાલે ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. નોર્મલથી ત્રણ ડિગ્રી પારો નીચે ગયો છે.

આજે સવારે સુસવાટા મારતા પવન વચ્ચે અસહ્ય ઠંડીનો અનુભવ થયો હતો. ખાસ કરીને શાળાએ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકોથી માંડીને મોટેરાઓ ગરમ વસ્ત્રોમાં જ જોવા મળતા હતા. તો ચાની લારીઓમાં ભીડ જોવા મળતી હતી.

હવામાન વિભાગે કહ્યું છે કે હજુ બે દિવસ ઠંડીનો માહોલ જળવાઈ રહેશે. બે દિવસ બાદ એકાદ - બે ડિગ્રી ઠંડીનો ઘટાડો થશે.(૩૭.૫)

 

(11:53 am IST)