Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

તંત્રને 'હેત' ઉભરાયું?!

મોબાઇલ ટાવરનાં વેરામાં અધધધ... ૩૦%નો ઘટાડો

અગાઉ સ્‍ટેન્‍ડીંગ કમિટીએ વેરા ઘટાડો ફગાવી દીધા બાદ સીધોજ જનરલ બોર્ડમાં ૧૫% ટકાનો ઘટાડો કરાયેલ અને હવે રાજય સરકારનાં મોૈખીક આદેશથી ૩૦%નો ઘટાડો થશેઃ ટૂંક સમયમાં જ દરખાસ્‍ત મંજુર થશે

રાજકોટ તા.૧૪: મ્‍યુ.કોર્પોરેશન દ્વારા ટેલીકોમ કંપનીઓનાં મોબાઇલ ટાવરનાં મિલ્‍કત વેરામાં ૩૦ ટકા જેટલો જબ્‍બર ઘટાડો કરવામાં આવનાર હોવાનું અને આગામી એક બે દિવસ માંજ આ અંગે દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગ કમિટી સમક્ષ આવનાર હોવાનું જાણવા મળ્‍યું છે.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનનાં સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં વિવિધ રસ્‍તાઓ-ચોક અને ખાનગી બિલ્‍ડીંગો તથા સરકારી કચેરી વગેરે સ્‍થળોએ મળીને અંદાજે ૩૦૦ જેટલાં મોબાઇલ ફોનનાં ટાવરો છે.

આ ટાવરો માટે જે-તે ટેલીકોમ કંપની બિલ્‍ડીંગ કે જગ્‍યાનાં કબ્‍જેદારને ભાડુ ચુકવે છે. આ ભાડાની આવક મુજબ જે-તે મકાન માલિક અથવાં ટેલીકોમ કંપની પાસેથી મોબાઇલ ટાવરનો મિલ્‍કત વેરો લેવામાં આવે છે.

દરમિયાન નવી કારપેટ વેરા આકારણી સબબ બનતાં મોબાઇલ ટાવરનાં વેરાનો ભારાંક રૂા. ૫૦ રાખવામાં આવ્‍યો હતો. આથી આ મુજબ વેરો અત્‍યંત વધુ આવતો હોઇ મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવા માંગ ઉઠી હતી જે અનુસંધાને થોડા મહીના અગાઉ મળેલી સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મોબાઇલ ટાવરનો વેરો ઘટાડવા દરખાસ્‍ત મુકાયેલ પરંતુ આ દરખાસ્‍તને નામંજુર કરી દેવાઇ હતી. કેમ કે વેરા ઘટાડાથી તંત્રની આવકમાં ફટકો પડે તેમ હતો. આમ સ્‍ટેન્‍ડીંગ કમિટીએ નામંજુર કરેલી વેરા ઘટાડાની આ દરખાસ્‍ત પછીથી જનરલ બોર્ડમાં બારોબાર મંજુર કરી દેવાઇ જેમાં મોબાઇલ ટાવરનાં વેરાનો ભારાંક રૂા. ૫૦ માંથી ઘટાડી રૂા. ૩૫ કરવાનું મંજુર કરી દેવાયું હતું.

દરમિયાન હવે રાજય સરકારને ટેલીકોમ કંપનીઓ ઉપર ‘હેત' ઉભરાયું હોય તેમ દરેક મહાનગર પાલિકાઓનાં શાસકોને મોબાઇલ ટાવરનાં વેરાનો ભારાંક એક સરખો રૂા. ૧૫ રાખવાની મોૈખીક સુચના અપાઇ છે.

આમ હવે રાજકોટમાં મોબાઇલ ટાવરનાં વેરાનાં દરમાં અધધધ ૩૦ ટકા જેટલો ઘટાડો થઇ જશે. પરંતુ તંત્રની તીજોરીને વેરાની આવકમાં ફટકો પડશે.

જો કે શાસકો એવો બચાવ કરી રહયા  છે કે હાલમાં કોઇ મોબાઇલ ટાવરનો વેરો ભરતુ નથી. પરંતુ વેરો ધટાડયા બાદ તમામ મોબાઇલ ટાવરનાં વેરા ભરાવા લાગશે તેથી તંત્રની આવક વધશે.

(4:05 pm IST)