Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ટ્રીપલ અકસ્માતમાં મામી બાદ ૧૦ વર્ષની ભાણેજ બંસીનું પણ મોત : પ્રજાપતિ પરિવારમાં કલ્પાંત

ભાઇબીજને દિવસે માધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઇક અને રિક્ષા ચડી ગયા'તા : અગાઉ કોઠારીયા સોલવન્ટના મંજુબેન ફટાણીયાનું મોત થયા બાદ આજે પરશુરામ પાર્કમાં રહેતી ભાણેજ બંસીએ દમ તોડ્યોઃ મંજુબેનના પતિ જયેશભાઇ ફટાણીયાને પણ ઇજા થઇ હતી

રાજકોટ તા.૧૪: જામનગર રોડ પર નાગેશ્વર મંદિર નજીક ભાઇબીજના દિવસે કારે બાઇક અને રિક્ષાને ટક્કર મારતાં કોઠારીયા સોલવન્ટના સોરઠીયા પ્રજાપતિ મહિલા મંજુબેન ફટાણીયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ જયેશભાઇ ફટાણીયા અને ભાણેજ બંસી પ્રવિણભાઇ ધોકીયા (ઉ.૧૦-રહે. પરશુરામ પાર્ક-૧, નાગેશ્વર પાસે)ને ઇજાઓ થઇ હતી. આ ઉપરાંત રિક્ષાના ત્રણ મુસાફરો પણ ઘવાયા હતાં. મામી મંજુબેન બાદ આજે ભાણેજ બંસી ધોકીયાએ પણ ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં પ્રજાપતિ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

બનાવની વધુ માહિતી મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતાં અને ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતાં જયેશભાઇ ડાયાભાઇ ફટાણીયા જામનગર રોડ પર પરશુરામ પાર્કમાં બહેનના ઘરે ભાઇ બીજ જમવા ગયા હતાં. બપોર બાદ ત્યાંથી પરત પત્નિ મંજુબેન સાથે કોઠારીયા સોલવન્ટ જવા પોતાના બાઇક પર નીકળ્યા હતાં. ત્યારે ભાણેજ બંસી ધોકીયા પણ સાથે જોડાઇ હતી. આ બાઇક નાગેશ્વર મંદિર નજીક કાર નં. એમએચ૪૮એ-૪૨૦૧ની ઠોકરે ચડી જતાં ત્રણેય ફંગોળાયા હતાં. જેમાં મંજુબેનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જ્યારે બંસીને ખાનગી હોસ્પિટલમાં અને જયેશભાઇને સિવિલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન આજે બંસીનું પણ મોત નિપજ્યું છે. તેણી બે બહેનમાં નાની હતી અને ધોરણ-૫માં ક્રિસ્ટલ સ્કૂલમાં ભણતી હતી. તેના પિતા ફર્નિચર કામની મજૂરી કરી છે. બનાવથી પ્રજાપતિ પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે. ગાંધીગ્રામના પીએસઆઇ એમ. ડી. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:39 pm IST)