Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમીન માર્ગ પાયલ ચોકમાં બે બાઇકના અકસ્માત બાદ ટ્રાફિક પોલીસમેન સાથે ત્રણ શખ્સની ધમાલ

અકસ્માતમાં જેને પગમાં ફ્રેકચર થયું તે યુવાન એઝાઝ ડાકોરાએ ફોન કરતાં તેનો કોટુંબીક ભાઇ ઇશ્તિયાક સહિત ત્રણ જણા આવ્યાઃ સામેના બાઇકવાળાને મારકુટ કરી પોલીસમેનને પણ ધમકી દઇ ધક્કો માર્યો : કોન્સ્ટેબલે કન્ટ્રોલમાં ફોન કરતાં હુમલો કરનારા નંબર વગરની બ્રેઝા કાર મુકી ભાગી ગયા

રાજકોટ તા. ૧૪: અમીન માર્ગ પર પાયલ ડેરી ચોકમાં સાંજે બે બાઇક સામ-સામે અથડતાં એક બાઇકના ચાલક આરએમસી વોર્ડ -૧૬ની ઓફિસમાં કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતાં મુસ્લિમ યુવાનને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. બાદમાં આ યુવાને ફોન કરીને પોતાના કોૈટુંબીક ભાઇને બોલાવતાં તે તેના બે મિત્રો સાથે આવતાં સામેના હોન્ડા પર સવાર બે યુવાનને આ ત્રણેયે મારકુટ શરૂ કરી હતી. આ વખતે પોઇન્ટ પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે ઝઘડો નહિ કરવા સમજાવતાં આ ત્રણેયે 'તું જતો રહે નહિતર તને પણ મારવો પડશે' તેમ કહી કાંઠલો પકડી ધક્કો દઇ ફરજમાં રૂકાવટ કરતાં ફરિયાદ થઇ છે.

આ મામલે માલવીયાનગર પોલીસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં લોકરક્ષક કોન્સ. મહશેભાઇ રાયધનભાઇ કોઠીવારની ફરિયાદ પરથી સફેદ રંગની નંબર વગરની બ્રેઝા કારમાં આવેલા ઇશ્તિયાક, મોહસીન અને અદનાન સામે આઇપીસી ૧૮૬, ૩૩૨, ૧૮૯, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મહેશભાઇએ જણાવ્યુ હતું કે મંગળવારે તેની નોકરી સાંજે પાંચથી નવ સુધી અમીન માર્ગ પાયલ ડેરી ચોકમાં હતી. સાંજે સવા નવેક વાગ્યે પોતે ટ્રાફિક નિમયન કરાવતાં હતાં ત્યારે સાગર ટાવર પાસે રોડ પર અકસ્માત થતાં અને માણસો ભેગા થતાં એક બાઇક રોડ વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ પડ્યું હોઇ જેથી પોતે ત્યાં ગયા હતાં. ત્યાં જોતાં જીજે૧૧સીસી-૯૦૭૮ નંબરનું બાઇક તથા જીજે૩ઇએન-૭૮૬૫ નંબરનું બાઇક પડ્યું હતું. આ બંને બાઇક સાઇડમાં લીધા હતાં. ૭૮૬૫ના ચાલકને ઇજા થઇ હોઇ જેથી ૧૦૮ને જાણ કરી હતી.

આ દરમિયાન ઇજા પામનાર શખ્સે કોઇને ફોન કરતાં સફેદ રંગની નંબર વગરની બ્રૈઝા કાર આવી હતી. ઇજાગ્રસ્તે કારમાંથી ઉતરેલા ત્રણ શખ્સોને તેના નામ ઇશાક, મોહસીન અને અદનાન કહીને બોલાવ્યા હતાં. આ ત્રણેયને ૭૮૬૫ના ચાલકે સામેના બાઇકવાળા બે જણાએ અકસ્માત કર્યો છે તેમ કહેતાં ઇશ્તિયાક સહિતનાએ  ૯૦૭૮ નંબરના બાઇકના ચાલક યુવરાજ અનીલભાઇ સાબલપરા અને સાથેના મિહીર ઘનશ્યામભાઇને 'કેમ અકસ્માત કરો છો?' કહી ગાળો દઇ મારકુટ ચાલુ કરી હતી. આથી આ શખ્સોને ઝઘડો નહિ કરવા પોતે સમજાવવા જતાં ત્રણેય જણાએ 'તું અહિથી ભાગી જા નહિતર તને પણ મારવો પડશે' તેમ કહ્યું હતું અને એક શખ્સે કાંઠલો પકડી ધક્કો મારી ફરજમાં રૂકાવટ કરી હતી.

ડખ્ખો વધી જતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં પીસીઆર વેન આવતાં માથાકુટ કરનારા શખ્સો બ્રેઝા કાર મુકી ભાગી ગયા હતાં. જેને માર મારવામાં આવ્યો હતો તે બંનેને સાથે લઇ પોલીસ મથકે જઇ મહેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ૭૮૬૫ના ચાલકને ઇજા થઇ હોઇ તેને સારવારમાં ખસેડાયો હતો.

એઝાઝની પણ સામેના બાઇક ચાલક સામે ફરિયાદ

કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક પાસે નિલકમલ પાર્કમાં કિસ્મત નામના મકાનમાં રહેતાં અને આરએમસી વોર્ડ નં. ૧૬ની ઓફિસમાં કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતાં એઝાઝ હનીફભાઇ ડાકોરા (ઉ.૨૧)એ પણ અજાણ્યા બાઇક ચાલક સામે અકસ્માત સર્જી પોતાને જમણા પગના પોંચામાં ફ્રેકચર જેવી ઇજા પહોંચાડવા સબબ ફરિયાદ કરી છે.

એઝાઝે ફરિયાદમાં જણાવ્યું છે કે તે સાંજે પોતાનું બાઇક જીજે૩ઇએન-૮૬૫ હંકારી બીગ બઝાર જતો હતો ત્યારે અમીન માર્ગ પાયલ ડેરી ચોકમાં સામેથી ડબલસવારીવાળુ બાઇક અથડાતાં પોતાને ઇજા થઇ હતી. બાદમાં તેણે કોૈટુંબીક ભાઇ ઇશ્તિયાક રહેમાનભાઇ ડાકોરાને ફોન કરતાં તે તથા તેના બે મિત્રો મૈસીન બાપુ સૈયદ અને અદનાન ઓડીયા તેમજ પોતાનો મિત્ર હર્ષદ પટેલ આવી જતાં પોતાને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર બાઇકના નંબરની પોતાને ખબર નથી.

(2:51 pm IST)