Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

બાલભવનમાં બાળ ખેલૈયાઓ રાસ-ગરબામાં તરબોળ

રાજકોટઃ દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જયાં ફકત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં ઝગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્ક્રીન ઇફેકટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. પરંતુ આ વર્ષે સરકારની ગાઇડલાઇન મુજબ માત્ર ચારસો વ્યકિતની જ છૂટ મેલ હોવાથી નવરાત્રીનું દર વર્ષ જેવું આયોજન અશકય હતું. પરંતુ બાળકોની લાગણીવશ બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી શ્રી ડો.અલ્પાબેન ત્રીવેદી (હેલીબેન) દ્વારા નવરાત્રીનું ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૧ થી ૧૬ વર્ષ (ગ્રૃપ-બી)નાં ભુલકાઓએ ઇન્ડોર હોલમાં ગરબા-ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે ધર્મેન્દ્ર પંડયાના સંગીત સંકલન હેઠળ સને ડો.ભાઇભાઇ, અને ટીટોડાના તાલમાં પણ ઝુમ્યા તથા માં દુર્ગાની સાથે માં ભારતની પણ આરાધના બાલભવનની પરંપરા બની હોય તેવી ખાસ કૃતિ વંદે માતરમ વગર તો બાળકોને જાણે નવરાત્રી જ અધુરી લાગે. બીજા નોરતે બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેલ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખનાં અગ્રણીઓ સુરભીબેન આચાર્ય, નિલમબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, શોભનાબેન પંડયા, ધાત્રીબેન ભટ્ટ, તેમજ ભારતીબેન નથવાણી, ઉન્નતીબેન ચાવડા, રાજવીર અને ગાયત્રીબા વાઘેલા સહીતનાઓએ જગદંબાની આરતી થી કાર્યક્રમની શરૂઆત કરી. ૧૦૬ જેટલા ખેલૈયાઓમાંથી રાસ ગરબા કસોટીમાં ટોપ ૨૦ પારખવામાં નિર્ણાયકશ્રીઓ નીપાબેન દવે અને પૂજાબેન ગઢીયાની જહેમતને ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કીરીટભાઇ વ્યાસે ખાસ બિરદાવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનો - વાલીઓેએ બાલભવનમાં ભુલકાઓની પ્રસન્નતા માટેનાં સતત પ્રયાસને ખૂબ જ વખાણ્યો. કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ દ્વારા કરાયું હતું. પ્રસ્તુત તસ્વીરમાં રાસોત્સવની ઝલક.

(3:18 pm IST)