Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

આને કહેવાય પ૬ની છાતીઃ કોંગ્રેસ ''કોરોના વોરિયર્સ'' : તંત્ર સાથે સેવા કરશે

દરેક કાર્યકર 'સ્વયં સેવક' તરીકે કાર્ય કરશે : પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ કલેકટરને પત્ર પાઠવી કોઇપણ મદદ માટે અને તમામ જરૂરીયાત માટે બોલાવવા અનુરોધ કર્યો

રાજકોટ, તા.૧૪ :  શહેરમાં કોરોનાં કાબુ બહાર જતો જાય છે ત્યારે સરકારી તંત્ર પણ રાહત બચાવ કાર્યમાં પહોંચી નથી શકતુ કેમકે કલેકટર, મ્યુ. કોર્પોરેશન અને આરોગ્ય વગેરે વિભાગો કે જે. અત્યાર સુધી કોરોનાં સંક્રમણ રોકવા સતત ફરજ બજાવે છે તેના મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. આ સંજોગોમાં માત્ર સરકારી તંત્ર જ પહોંચી વળે તેમ નહીં તે  હકિકત છે ત્યારે વિપક્ષ કોંગ્રેસે ''કોરોના વોરિયર્સ'' તરીકે તંત્ર સાથે ખંભે ખંભા મિલાવી કોઇપણ કાર્ય માટે સેવા આપવા તૈયારી બતાવવાનું પ્રેરક કાર્ય કર્યુ છે.

આ અંગે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ જિલ્લા કલેકટર રેમ્પયા મોહનને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોનાની મહામારી વીકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે. છેલ્લા છ મહિનાથી સરકારી તંત્ર મહેનત કરી રહ્યું છે. છેલ્લા મહિનાથી કોરોનાથી દર્દીની સંખ્યા ખુબ જ વધી ગઇ છે ત્યારે આ પત્રથી કોંગ્રેસ પ્રસ્તાવીત કરે છે કે કલેકટરશ્રીને સ્વયંસેવકની જરૂરીયાત હોય તો કોંગ્રેસ પક્ષના કાર્યકરો તંત્રને મદદ કરવા તૈયાર છે.

આથી તંત્રની જરૂરીયાત અને આદેશ પ્રમાણે તમામ જગ્યાએ જરૂરી સંખ્યામાં સ્વયંસેવકો આપી મદદ માટે તૈયાર છે.

આમ આવા નાજુક સમયે રાજકોટની પ્રજાને બચાવવા સરકારી તંત્ર સાથે ખંભેખંભા મિલાવી અને કોંગ્રેસ પક્ષે મદદ અને સેવા માટે તૈયારી બતાવી છે જે અન્ય રાજકીય પક્ષો માટે પ્રેરણાદાયક કામગીરી છે.

ખાનગી કોવિડમાં દર્દીની તબીયત નાજુક થાય કે તુરત જ રજા આપી દેવાય છે : તંત્ર લાચાર

આઇ.સી.યુ.ની વ્યવસ્થાનો અભાવ : ૪૦% બેડમાં આઇસોલેશન જરૂરી : ડો. હેમાંગ વસાવડાના આક્ષેપો

રાજકોટ : શહેરમાં શહેરમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલમાં જે દર્દીની હાલત નાજુક થાય છે તેવા દર્દીને ગમે તે કારણોસર રજા આપી દેવાય છે. જેના કારણે આવા દર્દીઓને ફુટબોલની જેમ ફંગોળાવાની સ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ કર્યો છે.

આ અંગે ડો. વસાવડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાની મહામારી વીકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે. દર્દીઓની સંખ્યા નિર્ધારિત પથારીઓ કરતાં કયાંય વધી ચુકી છે. ઘણી હોસ્પિટલોની દાનત ખોટી દેખાય છે. માત્ર અધધ ફી લેવા જેમની તબીયત સારી હોય તેવા જ દર્દીને દાખલ કરવાની નીતિ ધારણ કરી છે. નાજુક તબીયતના દર્દીને એનકેન પ્રકારે વિદાય આપી દેવામાં આવી છે. તાત્કાલીક આઇ.સી.યુ.ની પથારીઓ વધારવાની જરૂર છે દરેક હોસ્પિટલમાં કુલ સંખ્યાની ૪૦% પથારીઓ આઇ.સી.યુ. કરવાની જરૂર છે.

આ ઉપરાંત દર્દીને સારવાર માટે દાખલ કરવા કલેકટરે વ્યવસ્થા કરી કેન્દ્રીય વ્યવસ્થા કરવાની જરૂર છે. એક થી બીજી અને બીજી ટી ત્રીજી હોસ્પિટલ ધક્કા ખાતા દર્દીઓની હાલત દયનીય છે જો કોવીડ કેન્દ્રીય રૂમ થી જ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવે અને ત્યાંથી જ જરૂરીયાત પ્રમાણે દર્દીને હોસ્પિટલનું નામ અને પ્રવેશ પત્ર આપવામાં આવે આથી હોસ્પિટલ ''ના'' પાડી શકે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. આ કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિ માટે તંત્ર પાસે સ્ટાફ ન હોય તો કોંગ્રેસ પક્ષ તેના કાર્યકરો ને સ્વયંસેવક તરીકે કલેકટરને સોંપી આ પ્રક્રિયામાં સેવા કરવા તૈયાર છે. એવું ડો. હેમાંગ વસાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

(3:44 pm IST)