Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

લોન કન્સલ્ટન્ટ સુધીર કોઠારીની ઝેર પી આત્મહત્યા

૮ થી ૧૦ પાનાની સ્યુસાઇડ નોટમાં રાજેષ પટેલ, બીપીન, ચંદારાણા નામના શખ્સો સાથેના નાણાકીય વ્યવહારોનો ઉલ્લેખ કર્યો છેઃ આર્થિક સંકડામણના કારણે અંતિમ પગલું ભર્યુ : એક માસ પહેલા પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો'તોઃ રૈયા રોડ પરની હનુમાન મઢી નજીક તિરૂપતીનગરમાં બનાવ

પારસ હોલ નજીક સંવન રેસીડેન્સીમાં રહેતા લોન કન્સલ્ટન્ટ સુધીર દુર્લભજી કોઠારીએ આર્થીક સંકડામણને કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. તસ્વીરમાં સુધીરભાઇ કોઠારીનું રહેણાંક દર્શાય છે. તેમનો મૃતદેહ અને ફાઇલ ફોટો પણ નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૪: નિર્મલા કોન્વેન્ટ રોડ પર, પારસ હોલ નજીક તિરૂપતીનગર-ર માં આવેલા સવન રેસીડેન્સીમાં રહેતા અને લોન કન્સ્લ્ટન્ટ તરીકે કામ કરતા સુધીરભાઇ કોઠારીએ આજે પોતાના ઘેર ઝેર પી આપઘાત કરી લીધો હતો. પૈસાના ચક્કરમાં ફસાયેલા આ પ્રૌઢે ૮ પાનાની સ્યુસાઇડ નોટમાં પોતાની લેતી-દેતીના વ્યવહારોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં બીપીન,  રાજેશ પટેલ (આર કે) અને ચંદારાણા અટકધારી  વ્યકિત સાથેના વ્યવહારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વણીક પ્રોઢે નાણાકીય સંકડામણમાં અંતિમ પગલુ ભરી લીધું હતું.

મળતી વિગત મુજબ નીર્મળા રોડ પર આવેલ પારસ હોલ પાસે તીરૂપતીનગર-ર માં સવન રેસીડેન્સી બ્લોક નં. બી-૧૦૪ માં  રહેતા અને બેંક લોન અપાવવાનું કામ કરતા સુધીરભાઇ દુર્લભભાઇ કોઠારી (ઉ.પ૩) (વાણીયા), એ સવારે પોતાના ઘરે રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. સવારે તેનો પુત્ર સિધ્ધાર્થને ખબર પડતા તેણે  તેના સસરા મીતેષભાઇ મહેતાને જાણ કરી હતી. મીતેષભાઇએ તાકીદે જાણ કરતા ૧૦૮ ના ઇએમટી ભાર્ગવભાઇ પટેલ અને પાઇલોટ અરવિંદસિંહ ચૌહાણે સ્થળ પર પહોંચી જોઇ તપાસી સુધીરભાઇનું મોત નિપજયુ હોવાનું જણાતા તેણે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સુધીરભાઇ કોઠારી બેંક લોન અપાવવાનું કામ કરતા હતાં. તેની એક પુત્રી છે. જે મુંબઇ સાસરે છે. અને એક પુત્ર સિધ્ધાર્થ છે. જે પ્રાઇવેટ નોકરી કરે છે.

પુત્રીની ખબર કાઢવા માટે પત્ની હીનાબેન મુંબઇ ગયા હતાં. અને સુધીરભાઇ તથા પુત્ર સિધ્ધાર્થ ઘરે રહ્યા હતાં. સુધીરભાઇ પાંચ બહેનોના એકના એક ભાઇ હતાં. પોલીસે તપાસ કરતા બેડ રૂમમાંથી આઠ પાનાની સ્યુ સાઇટ નોટ મળી આવી હતી. જેમાં પોતે મંડળી અથવા પેઢીમાંથી લોન અપાવવાનું કામ કરતા હતાં. અને જૂદા જુદા વ્યકિતઓને ૧૯ લાખ, ૧૪ લાખ, અને ૯ લાખ લોન અપાવી હતી. જે લોન ભરપાઇ ન થતા લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી. અને એક માસ પહેલા આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. અને રાજેશભાઇ પટેલ નામનો વ્યકિત પૈસાની ઉઘરાણી કરી માનસીક ત્રાસ આપે છે. બેંકની લોનો બાકી છે. જે ભરી શકુ તેમ નથી તેવો ઉલ્લેખ કર્યો છે.

અગાઉ ઇન્દીરા સર્કલ પાસે રહેતા વણીક રહીશ રમણીકભાઇ સંઘવીએ આત્મહત્યા કરી લેનાર સુધીરભાઇ કોઠારી વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ કરી હતી. જેમાં ગુલમહોર રેસીડન્સીમાં આવેલ ફલેટ જે પત્ની જશુમતીબેનના નામે ખરીદ કરેલ હતો તે પત્નીના અવસાન બાદ  પૌત્ર પીનાકના નામે હતો. બાદમાં બેંક લોનના હપ્તા તથા ઘર ખર્ચ માટે પૌત્ર પીનાકે અમુક લોકો પાસેથી ૧૧.પ૦ લાખ લીધા હતા. તે પેટે ર લાખનો ચેક અને ૪ લાખ રોકડા આપ્યા હતા છતાં પાંચ લાખની માંગણી થઇ રહી છે. પૌત્ર પીનાક વ્યાજની ચુકવણી કરી શકે તેમ ન હોય તેની પાસેથી બળજબરીથી મામુલી રકમમાં ઓફીસનું સાટાખત કરાવી લઇ વધુ પૈસાની માંગણી થતી હોવાની ફરીયાદ પણ થઇ હતી. આ બાબતે સમાધાન થયાનુ કહેવાય છે.

ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા,  ગાંધીગ્રામ પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ રવીરાજસિંહ જાડેજા સહિતના  કાફલાએ આ ઘટનાની ઉંડી તપાસ હાથ ધરી છ.

(3:34 pm IST)