Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટમાં કોરોના સર્વે માટે કીટ ઉપલબ્ધ બનાવાશે : જયંતિ રવીની ગાયત્રીબાને ખાત્રી

શહેરમાં કોરોના કાબુમાં લેવા અંગે કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખની આરોગ્ય સચિવને રજૂઆત

રાજકોટ તા. ૧૪ : શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધ્યા છે ત્યારે શહેરની સ્થિતિ અંગે રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતી રવી રાજકોટની મુલાકાતે દોડી આવ્યા છે. આ તકે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આરોગ્ય સચિવને આવેદનપત્ર પાઠવી અને શહેરમાં કોરોના ટેસ્ટ વધારવા માંગ કરી હતી. જે સંદર્ભે આરોગ્ય સચિવશ્રીએ રાજકોટમાં સર્વે માટે કિટ ફાળવવાની ખાત્રી આપી હતી.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, તેઓ આરોગ્ય સચિવ જયંતી રવીને રૂબરૂ મળ્યા હતા અને રાજકોટમાં કોરોના કેસ શોધવા સર્વેની કામગીરી નબળી હોવાનું જણાવી અહીં કોરોના બાબતે સર્વે કેમ થતો નથી? તેવા અણિયારા સવાલો ઉઠાવ્યા હતા.

ગાયત્રીબાની આ રજૂઆતનાં પ્રત્યુત્તરમાં આરોગ્ય સચિવશ્રીએ એવી ખાત્રી આપી હતી કે ટુંક સમયમાં જ રાજકોટના આરોગ્ય તંત્રને કોરોના અંગે ૧૫૦૦ જેટલા વ્યકિતઓના સર્વે એક સાથે થઇ શકે તેવી કીટ ટુંક સમયમાં જ આપવામાં આવશે. જેથી કોરોનાના દર્દીઓને શોધી સંક્રમણ વધતુ અટકાવી શકાય.

આમ, આરોગ્ય સચિવશ્રીની આ ખાત્રી બાદ કોરોના સર્વે અંગે ગાયત્રીબાની રજૂઆત સફળ રહી હતી.

(4:15 pm IST)