Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોરોનાના સામાન્ય લક્ષણો માટે હોમ આઇસોલેશનનો વિકલ્પ જરૂરી

કોવીડ હોસ્પીટલના તબીબો અને આઇ.એમ.એ.ના હોદ્દેદારો સાથેની બેઠકમાં આરોગ્ય સચિવ જયંતિ રવીનો નિર્દેશ : કોરોનાની સારવાર અંગે છણાવટ કરતા જાણીતા તબીબ ડો. તુષાર પટેલ અને ડો. અતુલ પટેલ

રાજકોટ, તા. ૧૪ : છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટની મુલાકાતે રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ અને જાણીતા ટોચના બે તબીબો રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ કોરોનાની સારવાર કરતા તબીબો સાથે બેઠક કરી અને હવે જરૂર પડ્યે કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશનની પ્રક્રિયા કરવા નિર્દેશ કર્યો હોવાનંુ જાણવા મળે છે.

આજે આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સાથે અમદાવાદથી આવેલા જાણીતા ઈન્ફેકશન ડીસીઝના નિષ્ણાંત ડો.અતુલ પટેલ અને પરમોનોલોજી ડો.તુષાર પટેલે રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલના તબીબો અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરી ક્રીનીકલ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ડો.અતુલ પટેલે સારવારની પદ્ધતિ અને તેમાં અપાતા ઇન્જેકશનોની અસર વિશે ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતું કે લોકોના મનમાં ખોટી ધારણા બંધાય છે કે ઈન્જેકશન મળે તો જ આપણી સારવાર થઈ શકશે. અને ઈન્જેકશન મળી જાય તો આપણે બચી જશે. આ ધારણામાંથી લોકોએ બહાર આવવુ જોઈએ. તેમાં તબીબોએ દર્દી અને તેના સગાઓને માર્ગદર્શન આપવુ જોઈએ.

બેઠકમાં કોરોનાની સારવાર અને તેનું ટેસ્ટીંગ તેમજ અન્ય પદ્ધતિઓ અંગે ઘનિષ્ઠ ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.જય ધીરવાણી, ફીઝીકલ એસોસીએશનના ડો.પારસ શાહ, ક્રિટીકલ કેર સોસાયટીના પ્રમુખ ડો. તુષાર પટેલ, ડો.તેજસ કરમટા, ડો.જયેશ ડોબરીયા, ડો.ચિરાગ માત્રાવડીયા, ડો.મયંક ઠક્કર, ડો.સંકલ્પ વણઝારા સહિત ૧૫થી વધુ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ડોકટરોએ અરસપરસ પ્રશ્નોત્તરી કરી સરકારનું માર્ગદર્શન મેળવેલ.

(4:15 pm IST)