Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

નાના મવા આંબેડકરનગરમાં ભૂપતભાઇના મકાનમાં આગ અકસ્માતે નહોતી લાગી, લગાડવામાં આવી'તી

સગાભાઇ-ભત્રીજા સહિત ત્રણ જણા સામે ગુનોઃ મકાન બાબતનું મનદુઃખ કારણભુત : ૮ અને ૧૨ વર્ષના બે પુત્રો સાથે ચંદ્રિકાબેન ઘરમાં સુતા હતાં અને ભડકા થયાઃ જીવ બચાવી માંડ બહાર નીકળ્યા

આગથી ભસ્મીભૂત થયેલી ઘરવખરીનું દ્રશ્ય

રાજકોટ તા. ૧૪: નાના મવા આંબેડકરનગરમાં રહેતાં વણકર યુવાનના ઘરમાં પરમ દિવસે મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ તેના જ સગા ભાઇ અને ભત્રીજા સહિતે લગાડી હોવાનું ખુલતાં ગુનો દાખલ થયો છે. મકાન મામલે ચાલતાં મનદુઃખને લીધે આગ લગાડવામાં આવ્યાનું જણાવાયું છે.

બનાવ અંગે તાલુકા પોલીસે કાલાવડ રોડ નાના મવા આંબેડકરનગર-૬ના ખુણે ચામુંડા પંચરની બાજુમાં રહેતાં ભૂપતભાઇ કાળાભાઇ ચંદ્રપાલ (વણકર) (ઉ.૩૭)ની ફરિયાદ પરથી તેના જ સગા ભાઇ વિનુભાઇ કાળાભાઇ ચંદ્રપાલ, ભત્રીજા સુનિલ વિનુભાઇ અને વિનુભાઇના બનેવી ભૂપતભાઇ લાખાભાઇ બગડા સામે આઇપીસી ૪૩૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ભૂપતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું કડીયા કામ કરી ગુજરાન ચલાવું છું અને પત્નિ ચંદ્રિકાબેન તથા બે પુત્ર સાથે રહુ છું. ૧૨મીએ સવારે આઠેક વાગ્યે હું સાધુ વાસવાણી રોડ પર કામે ગયો હતો. બાદમાં સાંજે પડધરી પૈસા લેવા જવા નીકળી ગયો હતો. અમારા ઘરની બાજુમાં ઇંંડાની દૂકાનવાળા ફારૂકભાઇનો ફોન આવ્યો હતો કે તમારા ઘરમાં બારીએથી ધૂમાડા નીકળે છે. જેથી મેં તરત જ ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો. તેમજ મારા માસીયાઇ ભાઇ દિપકભાઇ ધનજીભાઇ દાફડાએ ફાયર બ્રિગેડમાં ફોન કર્યો હતો. મારા પત્નિ ઘરે જ હતાં પણ તેનો ફોન તેના માતાના ઘરે ભુલી આવ્યા હોઇ જેથી તેની સાથે વાત થઇ શકી નહોતી.

હું પડધરીથી તુરત જ રાજકોટ આવવા નીકળી ગયો હતો. ઘરે આવી જોયું તો અમારા ઉપરના માળે નવુ બાંધકામ ચાલુ હોઇ ત્યાં ફ્રિઝ, કપડા, પેટીપલંગ વગેરે સળગેલુ હતું. મારા પત્નિને આ અંગે પુછતાં તેણે કહ્યું હતું કે તે બંને દિકરા સાથે નીચેના રૂમમાં સુતા હતાં. રાત્રે બારેક વાગ્યે ખબર પડી હતી કે ઉપર ભડકા થાય છે. ઉપર જઇ આગ જોયા બાદ બંને દિકરા દર્શન (ઉ.૧૨) અને વિશાલ (ઉ.૮)ને લઇને ઘરની બહાર નીકળી ગયેલ. મારા પત્નિ બહાર નીકળ્યા ત્યારે તેણે મારા મોટા ભાઇ વિનુભાઇ, તેના પુત્ર સુનિલ અને બનેવી ભૂપતભાઇને ભાગતા જોયા હતાં. આ લોકો સાથે મકાન બાબતે માથાકુટ ચાલતી હોઇ તેણે ખાર રાખી આગ લગાડતાં રૃા. પચાસેક હજારનું નુકસાન થયું હોઇ જેથી ફરિયાદ નોંધાવી છે. ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે પોતે બે પુત્રો સાથે નીચેના રૂમમાં સુતા હતાં અને ઉપર આગ લગાડી દેવાઇ હતી. સદ્દનસિબે તેઓ જીવ બચાવી બહાર નીકળી ગયા હતાં.

તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એસ.આર. તડવીએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)