Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રેલનગર-પોપટપરામાં પાણીની મોંકાણઃ ટેન્કરો મોકલોઃ કોંગી કોર્પોરેટરોની ઉગ્ર માંગ

વોર્ડ નં. ૩ માં પોપટપરા રઘુનંદન -કૃષ્ણનગરમાં અઠવાડીયાથી પાણી નથી મળ્યું: અધિકારીઓ-પદાધિકારીઓ વેકેશન માણી રહયા છે અને પ્રજા પાણી વગર ટળવળે છેઃ મહીલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાના આક્ષેપોઃ રેલનગર-મિયાણાવાસ સહીતનાં વિસ્તારોમાં ગંદુ-ઓછુ પાણી મળે છેઃ સમસ્યા દુર ન થાય તો આંદોલન દિલીપ આસવાણી-અતુલ રાજાણીની ચિમકી

પોપટપરા-મિયાણાવાસ-રઘુનંદન સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણીની સમસ્યા દર્શાવતી તસ્વીરોમાં ખાલી ડોલ અને ખાલી પાણીના ટાંકા તથા છેલ્લા અઠવાડીયાથી પાણી નહિ મળ્યાની ફરીયાદ કરી રહેલા લતાવાસીઓ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૪: શહેરમાં ઉનાળાનો આકરો તાપ પડી રહયો છે. ત્યારે પાણીની જરૂરીયાત વધે છે. આ સંજોગોમાં વોર્ડ નં. ૩ના રેલનગર , પોપટપરા, કૃષ્ણનગર, મિયાણાવાસ સહીતનાં વિસ્તારોમાં પાણીની મોકાણ છેલ્લા ૮ દિવસથી સર્જાઇ છે. ત્યારે આ વોર્ડના જાગૃત કોંગી કોર્પોરેટર અને પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આ તમામ વિસ્તારોમાં તાત્કાલીક ધોરણે પીવાના પાણીના ટેન્કરો મોકલવા ઉગ્ર માંગ ઉઠાવી છે.

 આ અંગે ગાયત્રીબાએ એક નિવેદનમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ''સોૈની યોજનાથી ડેમમાં પાણી ઠાલવી આજી, ન્યારી પાણી પાણી કરી દેવાની વાતો વચ્ચે શહેરના વોર્ડ નં.૩ ના જયુબેલી ઝોન વિસ્તારમાં નર્મદાનું પાણી પર્યાપ્ત માત્રામાં ન મળવાને કારણે માથાદીઠ પુરતા ફોર્સથી ૨૦ મીનીટ પાણી આપવાની વાતનો છેદ ઉડી ગયો છે, અને અત્યારે જયારે આગ લાગે ત્યારે કુવો ખોદવા નિકળ્યા હોય તેમ લાખો રૂપિયાનો તગડો પગાર ખાતા એન્જિનીયરો એ.સી. ઓફીસમાં બેસી ટેકનીકલ ક્ષતિઓને શોધી રહ્યા છે. આઠ - આઠ દિવસનો સમય વિતવા છતાં આ વિસ્તારનાં લોકોને પુરતાં ફોર્ષથી અને પુરતું બે બાલટી પણ પાણી મળતું નથી. લોકો ત્રાહીમામ છે. ત્યારે આગોતરા આયોજનના અભાવે આ ખામી સર્જાણી છે.

દરમિયાન જયુબેલી ઝોન હેઠળ ચાલતી વિતરણ વ્યવસ્થા હવે રેલનગર ઝોન નીચે આવરી લેવા માટેની કાર્યવાહી ચાલુ કરેલ હોય જેનાં કારણે હાલની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ છે. તેવો જવાબ અધિકારીઓ અને વોર્ડ ઇજનેર દ્વારા આપવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં હાલ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતું સદ્ગુરૂ મંદિર આવેલું હોય જયાં પણ આજે ધાર્મિક ઉત્સવ  છે. તેમજ પવિત્ર રમઝાન માસનાં દિવસો ચાલતાં હોય ત્યારે  આ વિસ્તારનાં લોકોને તાત્કાલીક ધોરણે જો ક્ષતિ દૂર ન થાય તો ટેન્કરો મારફત પણ પાણીની વ્યવસ્થા કરવા માટે વિસ્તારનાં જાગૃત કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, દ્વારા રજૂઆત કરાઇ છે. અને આજે સવારના ૧૦ વાગ્યાથી લઇ સતત ૧ વાગ્યા સુધી આ વિસ્તારોમાં ફરીને લતાવાસીઓની પાણીની મુશ્કેલી જાણી હતી.

પાણી ન મળે તો આંદોલનઃ રાજાણી

દરમ્યાન કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી ત્થા કોર્પોરેટર અતુલ રાજાણી વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારાએ આ વિસ્તારની મુલાકાત લેતા પોપટપરા રઘુનંદન, કૃષ્ણનગર, મિયાણાવાસ, રેલનગર વિગેરે વિસ્તારોમાં પુરતા ફોર્સની પાણી મળતું ન હોય છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં પાણીના પ્રશ્ને પ્રજા હેરાન-પરેશાન હોવાની ફરીયાદો છે. આવા સખત ગરમીના વાતાવરણમાં પાણીની ખુબજ જરૂરીયાત રહેતી હોય એવા સમયે ર૦ મીનીટની જગ્યાએ ૧૭ મિનીટ પાણી આપવામાં આવે છે.

ઘણા ખરા વિસ્તારમાં નળના પાણીમાં ભુગર્ભ પાણી ભળી જતુ હોય ગંદા પાણીની ફરીયાદો રહે છે. આથી આ બાબતે કમિશ્નરશ્રીને આવેદન પત્ર આપી વિસ્તારની સમસ્યા વિષે અવગત કરેલ અને આ પ્રજાકિય પ્રશ્નનું  નિવારણ ત્વરીત નહી આવે તો આવનારા દિવસોમાં પ્રજા સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગી કોર્પોરેટરોએ ઉચ્ચારી છે.

(3:43 pm IST)