Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ગુજરાતી ફિલ્મ 'વાંઢા વિલાસ' પેટ પકડીને હસાવશે

'છેલ્લો દિવસ'ના નિર્માતા બેલવેડર ફિલ્મ્સની ત્રીજી ફિલ્મ ૧૮મીએ રિલીઝ : લોકોને જેવી ફિલ્મો ગમે તેવી જ બનાવવી જોઈએ : મોટાભાગનું શૂટીંગ અમદાવાદમાં થયુ

રાજકોટ, તા. ૧૪ : વધુ એક ગુજરાતી મૂવી આવી રહી છે. છેલ્લો દિવસ અને કરસનદાસ પે એન્ડ યુઝના નિર્માતા બેલવેડર ફિલ્મ્સની ત્રીજી ફિલ્મ ''વાંઢા વિલાસ'' આગામી ૧૮મીના શુક્રવારે રીલીઝ થઈ રહી છે. અલગ - અલગ વિષયો લઈ રજૂ કરવામાં માસ્ટરી ધરાવતા ડિરેકટર ચિન્મય પરમારની આ કોમેડી ફિલ્મ છે.

આ ફિલ્મના કલાકારોએ કહ્યું કે ફિલ્મનું શૂટીંગ મોટાભાગે અમદાવાદમાં જ થયુ છે. કલાકારોએ ખૂબ જ મહનત કરી છે. તેઓએ જણાવેલ કે દર્શકોને ગમે તેવી જ ફિલ્મ બનાવવી જોઈએ.

ગુજરાતી ફિલ્મ ''વાંઢા વિલાસ''ની કથા કંઈક આવી છે. એક શ્રાપિત કુટુંબ છે જેને કુટુંબના જ કોઈ પૂર્વજે શ્રાપ આપ્યો છે કે જાવ આ કુટુંબના દરેકના બે - બે વાર લગ્ન થશે. આ શ્રાપને કારણે એક સમય એવો આવે છે કે એક જ ઘરમાં પિતા - પુત્ર અને પૌત્ર ત્રણેય વાંઢા જોવા મળે છે. એમાં સ્ત્રીપાત્રનો પ્રવેશ થાય છે. આ પાત્રને મેળવવા કોણ સફળ થાય છે? પિતા - પુત્ર કે પૌત્ર? આવા મજેદાર વિષય વસ્તુ ધરાવતી ફિલ્મ પડદે જોવી રહી.

''વાંઢા વિલાસ''ના નિર્માતા આયુષ મહેતા અને વૈશલ શાહ છે. પટકથા - સંવાદ કૃષ્ણદેવ યાજ્ઞિકના છે. ઈશા કંસારા, રાહુલ રાવલ, પ્રાપ્તિ અજવાળીયા, વૈશાખ રતનબેન, સ્વાતિ દવે અને હરેશ ડાઘીયા જેવા કલાકારોને ડિરેકશન ચિન્મય પરમારનું મળ્યુ છે. ફિલ્મમાં એક ગીતને બોલીવૂડના ગાયક નકાશ અજીજનો સ્વર મળ્યો છે. સંગીત ભાર્ગવ - કેદારનું છે. કોરીયોગ્રાફી કૃણાલ સોની જયારે છબીકલા સાઉથના જાણીતા કેમેરામેન બીભુદાસની છે.

તસ્વીરમાં ફિલ્મના લીડ એકટર રાહુલ રાવલ, વૈશાખ રતનબેન, ઈષા કંસારા, પ્રાપ્તિ અજવાળીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:29 pm IST)