Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઘંટેશ્વર પાસે હોટલ ગ્રીન લીફમાં ૪પ લાખની ચોરી

ઘંટેશ્વર વોટર પાર્ક અને ગ્રીન લીફ હોટલના શનિ-રવિના વકરાના ૪પ લાખ ખાનામાં રાખ્યા'તા : મેનેજર મંજુનાથ પૂજારી સવારે કાઉન્ટરના ખાનામાં જોયું તો રોકડ ગાયબ હતીઃ હોટલના કર્મચારી વિરાજ નેપાળી સહિત બે સાગ્રીતોએ હાથ માર્યાની શંકા

રાજકોટ તા. ૧૪ :.  જામનગર રોડ પર ઘંટેશ્વર ગામની પાછળ આવેલ ઘંટેશ્વર ગ્રીન લીફ હોટલના કાઉન્ટરમાંથી રૂ. ૪પ લાખ રોકડની ચોરી થઇ હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હોટલમાં કામ કરતા નેપાળી શખ્સ અને તેના બે સાગરીતો ગાયબ હોવાથી ત્રણેય શખ્સો પર શંકા દર્શાવાય રહી છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ  ઘંટેશ્વર પાછળ આવેલ ''ગ્રીન લીફ'' હોટલમાં કાઉન્ટરના ખાનામાંથી રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો રૂ. ૪૫ લાખ રોકડા ચોરી જતા હોટલના સીઈઓ અને જનરલ મેનેજર મંજુનાથ પુુટ્ટાસ્વામી પુજારી (રહે. બજરંગવાળી અવંતિકા પાર્ક શેરી નં. ૨) એ હોટલ માલિક ક્ષત્રિય અગ્રણી ખોડુભા જાડેજાને તેમજ પોલીસને જાણ કરતા જ હોટલ માલિક સહિતના લોકો હોટલે દોડી આવ્યા હતા. આ દરમિયાન મેનેજર મંજુનાથે જણાવ્યુ હતુ કે, શનિવાર અને રવિવારની રજા હોવાથી ઘંટેશ્વર વોટર પાર્ક અને હોટલ ગ્રીન લીફ હોટલનો વકરો થયો હતો. તે વકરાના ૪૫ લાખ ગઈકાલે સાંજે ખાનામાં રાખી લોક મારી ઘરે જતા રહ્યા હતા. આજે સવારે મેનેજર મંજુનાથ હોટલે આવ્યા ત્યારે કાઉન્ટરના ખાનામાં જોતા જ ૪૫ લાખની રોકડ રકમ ગાયબ હતી અને તેણે ટેબલની આજુબાજુ તપાસ કરતા કંઈ જોવા ન મળતા ચોરી થઈ હોવાની ખબર પડી હતી. આ બનાવની જાણ કરતા એસીપી હર્ષદ મહેતા તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ ચંદ્રવાડીયા, રાઈટર ગીરીરાજસિંહ, શૈલેષપરી, પીએસઆઈ ગોહિલ, પીએસઆઈ ગડછા, અમીનભાઈ, રવિરાજસિંહ, હરેશભાઈ સહિત સ્ટાફ સાથે બનાવ સ્થળે પહોંચી તપાસ આદરી હતી અને હોટલમાં કામ કરતા તમામ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન હોટલમાં કામ કરતો બાજી લોહાર ઉર્ફે વિરાજ ભટ્ટ (નેપાળી) અને તેની સાથે રહેતા તેના બે સાગરીતો જોવા ન મળતા તેની તપાસ કરતા ત્રણેય હોટલમાથી ભાગી ગયા હોવાનુ જાણવા મળ્યુ હતું. વિરાજ નેપાળી અગાઉ આ હોટલમાં કામ કરતો હતો અને દોઢ વર્ષ સુધી છુટો થઈ ગયો હતો અને તે છેલ્લા ૧૫ દિવસથી હોટલે નોકરીએ આવતો હતો અને તેની સાથે બીજા બે કર્મચારી રહેતા હતા. તેથી વિરાજ નેપાળી તેની સાથેના રુઘનાથ અને બાજી સોનાર નામના ત્રણેય કર્મચારીઓ ગાયબ હોવાથી પોલીસે ત્રણેય પર શંકા વ્યકત કરી  શોધખોળ આદરી છે.

બાજી લોહાર ઉર્ફે વિરાજ ભટ્ટ રાત્રે બે સાગરીતોને હોટલમાં કામે રખાવવા માટે લાવ્યો'તો

રાજકોટઃ ગ્રીન લીફ હોટલના જનરલ મેનેજર મંજુનાથ પુજારીએ જણાવ્યુ હતુ કે, નેપાળનો બાજી લોહાર ઉર્ફે વિરાજ ભટ્ટ અગાઉ હોટલમાં અઢી વર્ષ પહેલા કામ કરતો હતો. ત્યાર બાદ તે પોતાના વતન નેપાળ ગયો ત્યારે એક વર્ષ સુધી આવ્યો ન હતો અને ૧૫ દિવસ પહેલા જ તે હોટલે પરત આવતા તેને કામે રાખ્યો હતો. વિરાજ ભટ્ટ તેના બે સાગરીતોને હોટલમાં નોકરીએ રખાવવા માટે ગઈ રાત્રે મેનેજર મંજુનાથ પુજારી સાથે મુલાકાત કરાવી હતી. સવારે ચોરી થયાની જાણ થતા ત્રણેય ગાયબ હતા.

(4:32 pm IST)