Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સરકારી તંત્રો ઉપર ભાજપના મોટા નેતાઓનું બેડ અંગે ભારે દબાણઃ ફોનનો સતત મારો

એક ખાનગી હોસ્પીટલમાં પ૦ બેડમાંથી ૧૪ ભરેલા છતા હાઉસફુલ હોવાનું કહેવાતા તંત્ર ચોંકયું: બેડ અંગે સતત ફોન ચાલુ હોય કર્મચારીઓમાં રોષ

રાજકોટ, તા., ૧૫: રાજકોટના વિવિધ સરકારી તંત્રો અને તેના હાઇલેવલ અધિકારીઓ ઉપર છેલ્લા ૪૮ કલાકથી રાજકોટ ભાજપના અમુક મોટા ગજાના નેતાઓનું આને બેડ આપી દો, બે બેડની વ્યવસ્થા કરો, જલ્દી કરો જેવા સતત ફોનનો મારો ચાલુ થતા અધિકારીઓ ગીન્નાયા છે અને કર્મચારીઓમાં તો દેકારો મચી ગયો છે. ભારે રોષ ફાટી નીકળ્યો છે.

અધિકારીઓ પણ અકળાઇ ઉઠયા છે. આજે જ એક તંત્રને ૩ થી ૪ ભાજપી નેતાઓએ ફોન કરતા આ અધીકારી સમસમી ઉઠયા છે.  દરમિયાન રાજકોટની એક ખાનગી હોસ્પીટલ કે જે કોરોના કોવીડ-૧૯ તરીકે ચાલુ થઇ, પ૦ બેડ ઉપલબ્ધ કરાયા. પરંતુ આ હોસ્પીટલમાં હજુ માત્ર ૧૪ જ બેડ ભરેલા છે. ૩૬ ખાલી પડયા છે. છતા હાઉસફુલ છે એવુ કહેવાતા અને આવી ફરીયાદો તંત્ર પાસે પહોંચતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ બાબતે તપાસ થવી જરૂરી છે. તો ભાજપના નેતાઓના સતત ફોન-દબાણ અંગે ગાંધીનગર સી.એમ.કાર્યાલયમાં અધિકારીઓ વાત પહોંચાડી રહયાનું જાણવા મળે છે.

(3:45 pm IST)