Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આજીડેમ પાસે પરશુરામ સોસાયટીમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકીઃ લાખોનું નુકસાન

યામીનભાઇ ગાંજાની માલિકીના ડેલામાં પ્લાસ્ટીકનો ભંગાર હતોઃ વહેલી સવારે શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ : ડેલાના માલિક કહે છે-વિમો પણ નહોતો

રાજકોટ તા. ૧૪: આજીડેમ નજીક પરશુરામ સોસાયટીમાં આવેલા ગુજરાત પ્લાસ્ટીક નામના ભંગારના ડેલામાં વહેલી સવારે આગ ભભૂકતાં અને જોત જોતામાં ભિષણ સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયર બ્રિગેડને જાણ થતાં આઠ ફાયર ફાઇટરોએ પહોંચી ચારેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગથી લાખોનું નુકસાન થયું છે.

ડેલાના માલિક યામીનભાઇ મહમદભાઇ ગાંજા (રહે. હાથીખાના-૧૭)ના જણાવ્યા મુજબ ડેલામાં વહેલી સવારે સાડા ચારેક વાગ્યે આગ લાગી હતી. કદાચ બહારની સાઇડ આવેલા થાંભલામાં શોર્ટ સરકિટ થતાં તણખા પડવાથી આગ લાગ્યાનું તારણ છે. થ્રી ફેઇઝની અંદરની લાઇન અમે દરરોજ રાત્રે બંધ કરી દઇએ છીએ.  આગમાં પ્લાસ્ટીકના ભંગારનો મોટો જથ્થો, સમગ્ર શેડ તથા ઓફિસ ખાક થઇ જતાં અંદાજે સત્તરેક લાખનું નુકસાન થયું છે. 

યામીનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આ ડેલાનો અમે વિમો પણ ઉતરાવ્યો નહોતો. સવારના પહોરમાં આગની ઘટનાથી ફાયર બ્રિગેડના બંબાના સાયરનો ગુંજી ઉઠતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આગની જ્વાળાઓથી ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતાં હતાં. તસ્વીરમાં જ્યાં આગ ભભૂકી તે ડેલો અને આગની જ્વાળાઓ જોઇ શકાય છે.

(12:16 pm IST)