Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ અને આઇઆઇટી ગુવાહાટી સાથે સેવા ક્ષેત્રે સમજૂતી કરાર

ડિજિટલ ટ્રાન્‍સફોર્મેશન અને માહિતી શેરીંગ ટેકનોલોજીમાં નવા યુગની શરૂઆત

રાજકોટ : શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ, અમદાવાદ દ્વારા આઈઆઈટી  ગુવાહાટી, આસામ સાથે તા. ૧૧ માર્ચ ૨૦૨૩ના રોજ ટેક્‍નોલોજી ક્ષેત્રે કરાર કરવામાં આવ્‍યો.  આ એમઓયુ માટે  સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશ શ્રી મુકેશ આર. શાહ, આસામ હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રી સંદીપ મેહતાએ ખાસ વર્ચુઅલ હાજરી આપી તેમને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 આ કરાર દ્વારા આઈઆઈટી , ગુવાહાટીના વિદ્યાર્થીઓને ટેક્‍નોલોજી દ્વારા સેવા ક્ષેત્રે યોગદાન આપવાની એક અનોખી તક મળશે.

IIT ગુવાહાટીના વિદ્યાર્થીઓ માત્ર આસામમાં જ નહીં પરંતુ નજીકના ભવિષ્‍યમાં તેને ભારતના વિવિધ ભાગોમાં લઈ જવા માટે માહિતી શેરિંગ ટેક્‍નોલોજીના મિશનને નોંધપાત્ર રીતે વિસ્‍તૃત કરવા માટે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આઈઆઈટીના વિદ્યાર્થીઓની કાર્યકુશળતાથી ‘દિલ વિધાઉટ બિલ'  એપ્‍લિકેશનથી હૃદયરોગના દર્દીઓની માહિતી ઓનલાઇન ભરી શકાશે. શરૂઆતમાં આ સેવા આસામ રાજયમાં હૃદય રોગ ના દર્દીઓ માટે કાર્યરત થશે. ત્‍યાર બાદ આ સેવા સમગ્ર ભારતમાં કાર્યરત કરવામાં આવશે. આ વર્ચ્‍યુઅલ મીટિંગ દરમિયાન IIT ગુવાહાટીના કાર્યકારી નિયામક પ્રો. પરમેશ્વર ઐયરે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આ MOU બંને સંસ્‍થાઓ વચ્‍ચેના સંબંધને મજબૂત બનાવશે

‘દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ અને અમદાવાદ ખાતે શ્રી મનોજભાઇ ભીમાણીના નેજા હેઠળ છેલ્લાં ૨૩ વર્ષ થી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે.

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા ૨૦૦૦૦થી પણ વધારે દર્દીઓના ઓપરેશન નિઃશુલ્‍ક કરવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ૨૦,૦૦૦થી વધારે હૃદયરોગના ઓપરેશનો નિઃશુલ્‍ક કરવામાં આવ્‍યા છે.

આ હોસ્‍પિટલ દ્વારા દેશના  અલગ રાજયો સાથે કરાર થયેલ છે. જેમાં ઓડિશા, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ઝારખંડ, આસામ  ગુજરાત અને બિહારના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્‍યે કરવામાં આવે છે.

ભારતનાᅠ૭ᅠરાજયો અને ૬૦%થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્‍ય સાંઈ હાર્ટ હોસ્‍પિટલે વિનામૂલ્‍યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે. શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદ કે  જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્‍પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્‍પિટલમાં ૩ થી ૫ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્‍યે કરે  છે.

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ-આઈસીસીયુ, અને કેથ લેબ ધરાવતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાશિન્‍દ્રા સેવા ક્ષેત્રે અનન્‍ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ - જાતિના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

તાજેતરમાં જ આ હોસ્‍પિટલની મુલાકાતે આવેલા અતિથિએ આ સ્‍થળને તીર્થ સ્‍થાન તરીકે ગણાવ્‍યું હતું

(4:03 pm IST)