Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ : પરીક્ષાર્થીઓનું ઉત્‍સાહપૂર્ણ સ્‍વાગત

હમ હોંગે કામયાબ... હમ હોંગે કામયાબ... મન મેં હૈ વિશ્વાસ પુરા હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ... : ધો. ૧૦ના ૯૫૬૭૫૩, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૧૦૩૮૨, ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહના ૫૬૫૫૨૮ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્‍સાહ... સફળતાનો આત્‍મ વિશ્વાસ : પરીક્ષા કેન્‍દ્રો ઉપર વાલીઓ ઉમટયા : પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજવા હજારો કર્મચારીઓ ફરજ ઉપર

રાજકોટ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજ સવારથી જ ઉત્‍સાહ - ઉમંગ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્‍દ્રો ઉપર પહોંચ્‍યા હતા. વિદ્યાર્થીઓ તનાવ મુક્‍ત પરીક્ષા આપે તે માટે પરીક્ષા કેન્‍દ્રો ઉપર ઉત્‍સાહભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત તસ્‍વીરમાં ન્‍યુ એરા સ્‍કુલ ખાતે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા પરીક્ષાર્થીઓનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કર્યું હતું. બીજી તસ્‍વીરમાં મેયર પ્રદિપ ડવ દ્વારા મીઠું મોં કરાવી શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. બાજુમાં પ્રિન્‍સીપાલ તુષાર પંડયા નજરે પડે છે. ત્રીજી તસ્‍વીરમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્‍દ્રમાં આવકારતા નજરે પડે છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલા વિદ્યાર્થીઓને આવકારતા નજરે પડે છે. અન્‍ય તસ્‍વીરમાં પરીક્ષા કેન્‍દ્રો ઉપર પરીક્ષાર્થીઓ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૪ : આજ સવારથી જ ઉત્‍સાહ - ઉમંગ અને અડિખમ આત્‍મવિશ્વાસ સાથે ગુજરાત રાજ્‍યના ૧૬ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્‍વની કસોટી આપવા પરીક્ષા કેન્‍દ્રો ઉપર પહોંચ્‍યા છે. આજથી સમગ્ર ગુજરાત રાજ્‍યમાં પરીક્ષાનો ફિવર છવાયો છે. ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો ન્‍યાયીક માહોલમાં કડક પ્રબંધો વચ્‍ચે પ્રારંભ થયો છે.

આજ સવારથી જ વાલીઓ તેમના સંતાનોને પરીક્ષા કેન્‍દ્રો ઉપર મુકવા આવ્‍યા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઇ તનાવ કે ભય ન અનુભવે તે માટે પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક - મીઠુ મોં - પુષ્‍પગુચ્‍છ દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરીને પરીક્ષા કેન્‍દ્રોમાં પ્રવેશ આપ્‍યો છે.

પરીક્ષાના પ્રથમ દિવસે જાણે ઉત્‍સવનો માહોલ હોય તેવી રીતે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ રાજમાર્ગો પર નજરે પડતા હતા. પરીક્ષા કેન્‍દ્રો આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ કરવામાં આવી હતી. વાલીઓએ પરીક્ષા શરૂ થાય તે પૂર્વે પરીક્ષા કેન્‍દ્રોથી દુર ચાલ્‍યા ગયા હતા. પોલીસે પરીક્ષા કેન્‍દ્રો આસપાસ બંદોબસ્‍ત જાળવ્‍યો છે.

ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ તેમજ જિલ્લા કલેકટર કક્ષાએથી ફલાઇંગ સ્‍કવોડની રચના કરવામાં આવી છે. જે સંવેદનશીલ કેન્‍દ્રો ઉપર સતત નિરીક્ષણ રાખી રહ્યા છે. પરીક્ષામાં દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે તો કેટલાક વિદ્યાર્થીઓ માટે રાઇટરની સુવિધા પણ કરવામાં આવી છે.

તા. ૧૪ના મંગળવારે ધો. ૧૦માં ગુજરાતી, ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં નામાના મૂળ તત્‍વો અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૬ લાખ અને ૫૦ હજાર  વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે. પ્રત્‍યેક પરીક્ષાર્થી ગેરરીતિમુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાનું સંચાલન માટે એકશન પ્‍લાન ૨૦૨૩ તૈયાર કરવામાં આવ્‍યો છે. હાલના સમયમાં શિક્ષણનો વ્‍યાપમાં વધારો થતાં માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાએ નિયમીત રૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થયો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦માં કુલ ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જયારે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૨૬,૮૯૬ વિદ્યાર્થી નોંધાયા છે. ધો.૧૦-૧૨ની પરીક્ષા તા.૧૪ માર્ચ થી ૨૯ માર્ચ સુધી ચાલનારી છે. જીલ્લા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર પોતાનું આગવુ આયોજન માટે સફળ સંચાલન માટેનો જીલ્લા કક્ષાનો એકશન પ્‍લાન તૈયાર કર્યો છે. તમામ કેન્‍દ્રો ઉપર ગેરરીતિ વગર શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવુ આયોજન કરવામાં આવ્‍યુ છે. વિદ્યાર્થીઓની મુશ્‍કેલીના તાત્‍કાલીક નિરાકરણ માટે તનાવમુકત રીતે પરીક્ષા આપી શકે તે માટે કાઉન્‍સીલીંગ અને હેલ્‍પલાઈન અંગેનું જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્‍યુ હતું.

જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પરીક્ષા પૂર્વે સવારે ૭ થી રાત્રીના ૮ કલાક સુધી શરૂ થયો છે. જીલ્લા કક્ષાએ પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લા કલેકટર શ્રી, જીલ્લા પોલીસ વડા, શહેર પોલીસ કમિશ્નર, માન્‍ય સંઘોના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા આચાર્યો - શિક્ષકો તેમજ જીલ્લા શિક્ષણાધિકારીની વરણી કરવામાં આવી છે.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં ન્‍યાયિક માહોલમાં યોજવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. પરીક્ષા કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરા, સીસીટીવીનું લાઈવ રેકોર્ડીંગ નિહાળવુ, સીસીટીવી રેકોર્ડીંગના ડીવીડી મોકલવા સહિતની અનેક સુચનાઓ આપવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં તમામ જીલ્લાઓમાં સંવેનશીલ કેન્‍દ્રો ઉપર શિક્ષણ બોર્ડ, કલેકટર સહિતની ફલાઈંગ સ્‍કવોડ નિરીક્ષણ કરશે.

(12:33 pm IST)