Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

વિજયભાઇ વ્હારે આવો... અવધ રોડની મૂખ્યમંત્રી ગૃહ યોજનાનાં રહેવાસીઓ ૧૫ દિ'થી પાણી વગરઃ ચકકાજામ

રૂડાના અધિકારીઓ જવાબ દેતા નથીઃ પાણીનાં ટેન્કર મોકલવાના ઠાલા વચનોથી હજારો લોકો ત્રાહીમામ પોકારે છેઃ કાલાવડ રોડ હાઇ-વે પર સવારે ચક્કાજામ કરી નિંભર તંત્ર વાહકોને જગાડવાનો પ્રયાસ

રાજકોટ : શહેરની ભાગોળે કાલાવડ રોડને લાગુ અવધ રોડ પર રાજયની સૌ પ્રથમ મુખ્યમંત્રી ગૃહ યોજનાનું 'રૂડા' દ્વારા નિર્માણ થયું છે... પરંતુ અહીં વસતા હજારો રહેવાસીઓને પાણી જેવી અત્યંત જરૂરી એવી પ્રાથમિક સુવિધા આપવામાં રૂડાના તંત્ર વાહકો સદંતર નિષ્ફળ રહેતા. આજે આ વિસ્તારના પ૦૦થી વધુ ભાઇ-બહેનોના ટોળાએ કાલાવડ હાઇ-વેનો ચક્કા જામ કરતા બંન્ને બાજુએ ટ્રક-મોટર જેવા ભારે વાહનોના થપ્પા રોડ ઉપર લાગી ગયા હતા. પાણીની સમસ્યાથી અત્યંત ત્રાહીમામ પોકારી ઉઠેલા મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસી ભાઇ-બહેનોએ રોડની વચ્ચો-વચ્ચ બેસીને 'પાણી આપો'ના ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતા. આ દરમિયાન સ્થળ ઉપર પોલીસ તથા રૂડાના અધિકારીશ્રી વિકાસ દોડી ગયા હતાં અન હાલ તુરંત પાણીના ટેન્કરો મોકલવા ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. દરમિયાન મળતી વિગતો મુજબ વીરસાવરકર નગર મુખ્યમંત્રી યોજનામાં ૧૦ર૦ જેટલા મકાનો આવેલા છે અને પ૦૦૦ આવાસીઓ છે. આ તમામ સતત ૮ દિવસથી પાણી બંધ હોય દેકારો બોલી ગયો છે. લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. ૧-કુવો અને બે બોર ડૂંકી ગયા છે. પરિણામે આજે લોકો વિફર્યા હતાં અને કાલાવાડ રોડ ઉપર ચક્કાજામ સર્જી દઇ-ટ્રાફીક જામ કરી દીધો હતો. લોકોએ હલ્લાબોલ કરી નાંખ્યું હતું.  ઘટનાની જાણ થતાં રૂડાના સીઇઓ ચેતન ગણાત્રાએ ટેકનીકલ ટુકડી દોડાવી હતી. લોકોએ પાણી પ્રશ્ને પહેલા ખાત્રી માંગી હતી, વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.  આ પ હજાર લોકો માટે દર ઉનાળે સ્થિતિ વિકટ બની જાય છે, રૂડા દ્વારા એસો. બનાવવા જણાવ્યું, પણ કોઇ એસો. બનાવતું નથી અને રૂડા કાયમી સંચાલન કરે નહીં તેવું સીઇઓ જણાવી દીધુ હતું.  આ વીર સાવરકર આવાસ યોજનામાં પાણીના ટેન્કર દોડાવવાની સતા તાલુકા પાણી કમીટીને છે આ બાબતે હવે નિર્ણય કરાશે, હાલ તો આ સોસાયટીના હજારો લોકો પાણી અંગે રામ ભરોસે છે. આ તકે આ ગૃહ યોજનાના ફલેટમાં રહેતા રહેવાસીઓએ જણાવેલ કે, 'વીર સાવરકરનગર મુખ્યમંત્રી ગૃહ યોજનામાં કુવા-પાણીના બોર છે, પરંતુ તેમાં પાણી ડુકી જાય છે. ૪ વર્ષથી ઉનાળામાં પાણીની વિકટ સ્થિતિ સર્જાય છે. આ બાબતે અનેક વખત રજુઆતો કરી છે છતાં રૂડાના અધિકારીઓ એકજ વાત કહે છે.' હવે આ વસાહતનો વહીવટ સ્થાનિક રહેવાસીઓ સંભાળી લ્યે.' પરંતુ સૌ પ્રથમ પાણી જેવી પ્રાથમિક સુવિધાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે ત્યાર પછી રહેવાસીઓનું એસો. વહીવટ સંભાળી લેવા તૈયાર છે. છેલ્લા ૧પ દિવસથી પાણીનું ટેન્કર પણ નથી આવ્યું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂ. ર૦૦ થી ૩૦૦ના ભાવે વેચાતુ પાણી લેવુ પડે છે. એટલુ જ નહીં લીફટ પણ તૂટેલી છે જેનું રીપેરીંગ નહીં થતાં વૃદ્ધો-બાળકોને પગથીયા ચડીને ૭-૭ માળ સુધી જવું પડે છે. બગીચો ઉજળ બની ગયો છે. લાઇટો બંધ છે આવી ૧૦ જેટલી સમસ્યા ઉકેલવા રૂડાના અધિકારીઓને લેખીત રજૂઆતો કરી છે છતાં સમસ્યાઓ યથાવત છે ત્યારે હવે વીર સાવરકર નગરના રહેવાસીઓની વ્હારે ખુદ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવે અને પાણી સહિતની સમસ્યાઓ ઉકેલે તેવી આશા વિસ્તારવાસીઓ વ્યકત કરી રહ્યા છે. તસ્વીરમાં તૂટેલી તુટેલી લીફટ તથા પાણી વેચાતુ લેવાની ફરજ પડે તે અને કાલાવડ રોડ પર હજારો રહવાસીઓએ ચક્કાજામ કરતા મોટરકારો તથા વાહનોના થપ્પા લાગી ગયા હતાં તે તમામ ઘટનાઓ નજરે પડે છે. આ રજુઆતમાં ડી.કે. પરમાર, ભાવિન પરમાર, ચાવડાભાઇ, મહેન્દ્રસિંહ મકવાણા, દવેભાઇ, નિકુંજભાઇ, જીજ્ઞેશભાઇ સહિતના રહેવાસીઓ જોડાયા હતાં. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:54 pm IST)