Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

અમરેલી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કાઠી સમાજને ખોટા ટાર્ગેટ કરાય છેઃ આવેદન

રજાના દિવસે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને રજૂઆત

આજે કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવ્યુ હતું

રાજકોટ, તા. ૧૪ :. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાજકોટ એકમે આજે રજાના દિવસે કલેકટરને આવેદન પાઠવી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાઠી સમાજને ખોટા ટાર્ગેટ કરી ખોટા કેસોમાં સંડોવી દેવા બાબતે રજૂઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ પૂર્વગ્રહ સાથે સમસ્ત સમાજને ટાર્ગેટ કરી ખોટા કેસો કરી કાર્યવાહી કરે છે તે યોગ્ય નથી. માણાવાવ તાલુકો ચલાલા મુકામે અમારા સમાજના માલઢોર (ઘોડા) બળજબરીપૂર્વક લઈ ગયેલ છે તથા અમારા રહેણાંકના મકાનોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી બળજબરીપૂર્વક અમારી બહેનો-દિકરીઓ ઉપર ત્રાસ ગુજારેલ છે.

તેમજ માત્રને માત્ર કાઠી ક્ષત્રિય સમાજને જ ટાર્ગેટ કરી ખોટા કેસોમાં ફીટ કરેલ છે. અન્ય કોઈ સમાજને પાસા કે તડીપાર કરેલ નથી.

અમારા સમાજના આગેવાનો આ બાબતે એસ.પી. પાસે રજૂઆત કરવા જાય છે, તો તેમને પણ ધમકી આપવામાં આવે છે કે તમોને પણ ખોટા કેસોમાં ફીટ કરી પાસા કરી દઈશ જેથી કોઈ આગેવાનો પણ રજૂઆત કરવા જઈ શકતા નથી. તેમજ અમારા સમાજના વ્યકિત પર રાજદ્રોહ જેવા ગંભીર ગુના ગેરકાયદેસર રીતે દાખલ કરવામાં આવેલ છે.

કલેકટરશ્રી રાજકોટની રજૂઆતને ગુજરાત સરકારમાં યોગ્ય રીતે રજૂઆત થાય તેમજ આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની અપીલ છે તથા યોગ્ય કાર્યવાહી કરી ન્યાય આપવા વિનંતી છે.

(2:51 pm IST)