Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મહિલા કોલેજ અંડર બ્રિજ નીચે છ લૂંટ કરનાર 'ત્રિપૂટી'ને ક્રાઇમ બ્રાંચે પકડી

વૈશાલીનગરના હિતેષ, વિવેક અને જંકશનના આકાશને પકડી લેવાયાઃ એક વર્ષમાં પરપ્રાંતિયોને જ નિશાન બનાવ્યા

રાજકોટ તા. ૧૪: છેલ્લા એક વર્ષ દરમિયાન મહિલા કોલેજ અન્ડર બ્રિજ નીચે  છ પરપ્રાંતિય લોકોને લૂંટી લેનાર ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે. આ ત્રણેય શખ્સો મોટે ભાગી રાત્રીના સમયે અન્ડર બ્રિજ નીચે ઉભા રહી જતાં હતાં અને કામેથી ઘરે જતાં કે અન્ય કામ માટે નીકળતાં પરપ્રાંતિયોને અટકાવી છરી બતાવી રોકડ, મોબાઇલ ફોન પડાવી લેતાં હતાં.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ બલરામ મીના, ડીસીપી ઝોન-૨ કરણરાજ વાઘેલા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, કૃપાલસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ, જયસુખભાઇ હુંબલ, સંતોષભાઇ મોરી, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જગમાલભાઇ, મયુરભાઇ અને કૃપાલસિંહને મળેલી બાતમી પરથી આમ્રપાલી ફાટક નજીકથી ત્રણ શખ્સો હિતેષ લાલજીભાઇ મારૂ (ઉ.૨૦-રહે. વૈશાલીનગર-૧૦), વિવેક સંજયભાઇ ગોરી (ઉ.૧૯-રહે. વૈશાલીનગર-૧૦) તથા આકાશ ધનજીભાઇ ગોહેલ (ઉ.૨૨-રહે. પરસાણાનગર-૧)ને પકડી લેવાયા હતાં.

આ ત્રણેયે છ લૂંટ કબુલી છે. છ માસ પહેલા અંડર બ્રિજ નીચે બે ભૈયાને આંતરી એકને છરી ઝીંકી બે મોબાઇલ ફોન, રૂ. ૧૦૦૦ રોકડા લૂંટ્યા હતાં. આ ગુનો માલવીયાનગરમાં નોંધાયો હતો. એ પછી આ જગ્યાએ જ એક યુવાનને આંતરી રૂ. ૫૦ તથા મોબાઇલ ફોન, આઠેક માસ પહેલા એક પરપ્રાંતિય પાસેથી રૂ. ૧૦૦ તથા સેમસંગ મોબાઇલ, છ માસ પહેલા અન્ય એક યુવાનને આંતરી નોકીયા મોબાઇલ અને રૂ. ૧૫૦ રોકડા, તથા દસ માસ પહેલા એક સાઇકલસ્વાર પરપ્રાંતિય યુવાનને આંતરી સાઇકલની લૂંટ કરી હતી.

હિતેષ તથા વિવેક અગાઉ વાહનોનો ચોરના ગુનામાં બે વખત પકડાઇ ચુકયા છે. તમામ લૂંટો મહિલા કોલેજ અંડર બ્રિજ નીચે જ કરી છે.

 

(4:45 pm IST)