Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

'ભૂલો ભલે બીજુ બધુ, માં-બાપને ભૂલશો નહિં' : માતા-પિતાનંુ પૂજન

વિરાણી હાઈસ્કુલમાં ૨૫૦ વિદ્યાર્થીઓએ માવતરની પૂજા કરી વેલેન્ટાઈન-ડેની શોભા વધારી : ૪૦૦ કિલો ચુરમાના લાડુ ગાય માતાને ખવડાવ્યા તો ૧૦૦૦ રોટલી શ્વાનને ખવડાવી

રાજકોટ : શહેરની દાયકા જૂની શ્રી શા.વે. વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં આજે વેલેન્ટાઈન-ડેની અનોખી ઉજવણી કરવામાં આવી. ધો.૯ના ૨૫૦થી વધુ બાળકોએ મા-બાપની પૂજા કરી વેલેન્ટાઈન -ડેની અનોખી ઉજવણી કરી અને ૪૦૦ કિલો ચુરમાના લાડુ ગાય માતાને અને ૧૦૦૦ રોટલી શ્વાનને ખવડાવી પુણ્યનું ભાથુ બાંધ્યુ છે. વિરાણી હાઈસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરૂજનો માટે સન્માન વધે, ભાવી પેઢીમાં માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી તા.૧૪ના વેલેન્ટાઈન-ડેના દિવસે પ્રાર્થના ખંડમાં ''માતૃ-પિતૃ પૂજન''ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત જય માતાજી અબોલજીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ક્રિએટીવના નરેશભાઈ પટેલના સહયોગથી બાળકો ગાયોને ૪૦૦ કિલો લાડવા ખવડાવવાનું અને શ્વાસનને ૧૦૦૦ રોટલી ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પૂણ્યના ભાગીદાર બન્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ''હું મારા માતા-પિતાને ચાહુ છું કારણ કે...'' વિષય પર પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી, તેમની પ્રદક્ષિણા ફરી અને આર્શીવાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકોનંુ પણ માતા-પિતા તરીકે પૂજન કર્યુ હતું. ઉપરાંત વાલીઓ દ્વારા પણ લાગણીસભર શાળા - પરિવારજનો આભાર વ્યકત કરી શાળાની આ પ્રવૃતિને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાય, અબોલજીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના દોલતસિંહ ચૌહાણ, સી. જે. ગ્રુપના પ્રમુખ ચિરાગભાઈ ધામેચા, સુપરવાઈઝર એસ.એલ. કાસુન્દ્રા તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન શ્રી હિરપરાએ કર્યુ હતું. આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયાના નેતૃત્વમાં યોજાયો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૬)

 

(4:03 pm IST)