Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

જીલ્લા ગાર્ડનમાં ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકભવન નહિ પરંતુ તીર્થધામ બન્યુ

કોર્પોરેશન દ્વારા જીલ્લા ગાર્ડન ખાતે નિર્માણ પામેલ ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન લાઈબ્રેરીને ખુલ્લુઃ મુકતા ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડિયા

રાજકોટ, તા.૧૪: મ્યુ.કોર્પોરેશન દ્વારા ડો. બાબાસાહેબના સ્મારકભવન તથા લાઇબ્રેરીનું લોકાર્પણ ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડિયાના હસ્તે કરવામાં આવે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

ડો. બાબાસાહેબના સ્મારકભવનના લોકાર્પણ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવેલ કે, આ સ્મારક સમગ્ર સમાજ, રાષ્ટ્ર અને લોકકલ્યાણ માટેનું સ્મારક બની રહેશે.

આ પ્રસંગે ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ જણાવેલ કે, બાબાસાહેબ જે જગ્યા પર આવેલ એ જગ્યા પર આજે મને ઉભા રહેવાનો મોકો મળ્યો છે. જેથી, હૂ ધન્યતા અનુભવું છું. દેશ આઝાદ થયો ત્યારે બે વ્યકિતઓએ ભગીરથ કાર્ય કરેલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડા ભેગા કરીને દેશને એક તાંતણે બાંધેલ અને ડો. બાબા સાહેબે દેશનું બંધારણ ઘડી, દેશને કાયદાકીય તાંતણે બાંધેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાબાસાહેબના જીવનને કંડારી સ્મારક ભવન તથા લાઇબ્રેરી બનાવેલ છે તે માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, દેશ સ્વતંત્ર થયા બાદ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બાબાસાહેબના વડપણ હેઠળ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત જ રાજકોટ શહેર ખાતે ડો. બાબા સાહેબના જીવનને આવરી લઇ, આ સ્મારક ભવન બનાવવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા અને વર્ષાબેન રાણપરા દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરેલ.

આ પ્રસંગે બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ શાબ્દિક સ્વાગત કરી, પ્રવચનમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવન નહિ, પરંતુ, બાબા સાહેબનું તીર્થધામ બની ગયેલ છે. બાબા સાહેબે દરેક સમાજમાં ગરીબ, કચડાયેલા લોકો માટે પોતાની આખી જીંદગી સંઘર્ષ કરી સમર્પણ કરેલ છે. 

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અનુ. જાતિ મોરચાના રાષ્ટ્રિય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, પૂર્વ દંડક રાજુભાઈ અદ્યેરા, અનુ, જાતિ મોરચા પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, વોર્ડ પ્રભારી નીલેશભાઈ જલુ, પ્રમુખ અનીશભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્ર કુબાવત, પવનભાઈ સુતરીયા, મહિલા મોરચાના નયનાબેન પેઢડિયા, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, અમરશીભાઈ મકવાણા, કરશનભાઈ વાદ્યેલા, જયશ્રીબેન પરમાર, દેવજીભાઈ ખીમસુરીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, ભાજપ અગ્રણી વિપુલભાઈ માખેલા, મુકેશભાઈ પરમાર તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૭)

ડો.આંબેડકરજીનાં સ્મારકભવન માટે પરમારભાઇનો સહયોગ

રાજકોટઃ જીલ્લા ગાર્ડનમાં નિર્માણ પામેલ ડો.આંબેડકર સ્મારક ભવનના નિર્માણમાં મહેસાણાનાં માહિતી ખાતાના કર્મચારી પરમારભાઇનો સહયોગ મળ્યાનું મેયર બીનાબેન આચાર્યને જણાવ્યુ હતુ. પરમારભાઇ પાસે ડો.આંબેડકરજી વિશેના પ૦૦ જેટલા પુસ્તકો દુર્લભ તસ્વીર, વગેરેનો ખજાનો છે. જે આ સ્મારક ભવનના નિર્માણમાં ઉપયોગી થયો હતો.

(4:03 pm IST)