Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

મંગળવારે રાજકોટમાં હજારો કર્મચારીઓની જંગી રેલી : કલેકટરને આવેદન

ઉત્સવો - મેળામાં રૂપાણી સરકાર બેફામ ખર્ચા કરે છે : પણ કર્મચારીઓને નાણાકીય લાભ આપતી નથી : બેઠકમાં આક્ષેપોઃ ૧૯મીએ બપોરે ૨ વાગ્યે પંચાયત ચોકથી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન : વયમર્યાદા નિવૃત્તિ સહિત બે ડઝન પ્રશ્નો અંગે એલાને જંગ

રાજકોટ તા. ૧૩ : કર્મચારીઓના હિતોને ટલ્લે ચઢાવી રહેલી ગુજરાત સરકાર સામે હવે ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિએ આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે. રાજય સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓના સંગઠનની એકતા મંચ જેવી કર્મચારી સંકલન સમિતિએ આ આંદોલનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર ઝોનની રેલીનું આયોજન કર્યું છે.

મેળા અને ઉત્સવોમાં બેફામ ખર્ચ કરતી ગુજરાત સરકાર જયારે, કર્મચારીઓના નાણાકીય હિતની વાત આવે ત્યારે ગલ્લાંતલ્લાં કરે છે. પોતાના ધારાસભ્યોને પગાર વધારવા હોય ત્યારે, બધા એક થઇને વધારો લઇ છે. તો કર્મચારીઓને તેના હક્કના પૈસા આપવામાં આવતા નથી. રાજય સરકારની કરોડરજ્જુ સમાન કર્મચારીઓ સરકારી ફરજ દિનરાત પૂરી ઇમાનદારીથી બજાવે છે. છતાં, તેના હક્કના નાણાં આપવામાં રાજય સરકાર પાછી પાની કરી રહી છે. ત્યારે, તેની સામે હવે ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિએ આંદોલન કરવાનો નિર્ધાર કરી લીધો છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ જોઇએ તો કેન્દ્ર સરકારના ધોરણે રાજય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી લાભો જેવા કે, ઘર ભાડા ભથ્થુ, વાહન ભથ્થુ, રૂ. દસ લાખની મર્યાદામાં મેડીકલેમ પોલીસી, સીએલએ, વય નિવૃત્તિ મર્યાદા ૫૮થી વધારીને ૬૦ વર્ષ કરવી. ફિકસ પગારના કર્મચારીઓને ભરતીની તારીખથી અને વર્ષ ૨૦૦૬માં પહેલાના કર્મચારીઓને પૂરા પગાર સહિતના લાભો આપવા. અનુદાનિત શાળાઓના શિક્ષકોની નોકરી સળંગ ગણવી અને ફાજલની નવી કાયમી નીતિ અપનાવવી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સિવાયના અન્ય રાજયોની જેમ ૧૦-૨૦-૩૦ પગાર મર્યાદા સિવાય ઉચ્ચત્ત્।ર પગારનો લાભ તમામને આપવો. કર્મચારીઓને ૫૦ વર્ષ વય બાદ તમામ ખાતાકીય, પૂર્વ સેવા, સીસીસીની પરીક્ષામાંથી મુકિત આપવી. જરૂર જણાય તો તાલીમ જ આપવી, આવા કર્મચારીઓના કોઇ પણ લાભો અટકાવવા નહીં વિગેરે છે.

આ ઉપરાંત, પંચાયત, બોર્ડ નિગમ, વર્કચાર્જ, રોજમદાર તથા બાકી તમામ કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતના લાભો આપવા અને તેમને રાજય સરકારના કર્મચારી ગણવા. આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરવી. વર્ગ ૩ અને ૪માં ભરતી ચાલું કરવી. કરાર આધારિત કર્મચારીઓને ત્રણ વર્ષ બાદ નિયમિત નિમણૂંક આપવી. ફરજ દરમિયાન અવસાન પામતા કર્મચારીના વારસદારને ત્રણ માસમાં જ પૂરા પગારમાં નોકરી આપવી વિગેરે ઉકત માગણી સાથે સંકલન સમિતિ દ્વારા તા. ૧૯ ને મંગળવારે બપોરે દોઢ વાગ્યે જિલ્લા પંચાયતથી કલેકટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિની રાજકોટ ખાતે મળેલી બેઠકમાં ઉકત રેલીનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહામંડળના ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ, આર. એચ. પટેલ, સંજય પટેલ, વિવિધ યુનિયનોના પ્રતિનિધીઓ સર્વ ડી. આર. દેવમુરારી, પ્રદ્યુમ્નસિંહ, વિશાલભાઇ, ડઢાણિયા, બહાદૂરસિંહ ઝાલા, બાબુલાલ ખાંડેખા, યોગેશભાઇ ભટ્ટી, કે. સી. સરતેજા, શ્રી સૂર્યકાંત રાઠોડ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૨)

 

(11:22 am IST)