Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પીધેલી હાલતમાં ડો. લક્કીરાજે અમુલ સર્કલ પાસે જીવલેણ અકસ્‍માત સર્જયોઃ આરએમસીના કર્મચારીનો જીવ ગયો

રૈયાના જયંતિભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) કન્‍ઝર્વન્‍સી ડેપોથી નોકરી પુરી કરી બાઇક લઇને ઘરે આવતા'તા ત્‍યારે પાછળથી બીએમડબલ્‍યુ કારની ઠોકરે ચડતાં ઘટના સ્‍થળે જ મોતઃ કારમાં ડો. લક્કીરાજ અકવાલીયાની સાથે બેઠેલા ધર્મેશ સોરઠીયાને ઇજાઃ ત્રીજાનો બચાવ : : માંડા ડુંગર પાસેના ફાર્મથી પરત આવતી વખતે બનાવઃ ડોક્‍ટરની ધરપકડ

જ્‍યાં અકસ્‍માત સર્જાયો તે આજીડેમ ચોકડી નજીક આવેલુ અમુલ સર્કલ, અકસ્‍માતગ્રસ્‍ત બાઇક, ઠોકરે ચડાવનારી બીએમડબલ્‍યુ કાર, ઘટના સ્‍થળે લોકોનું ટોળુ, કાર સર્કલમાં અથડાતાં તેમાં પણ નુકસાન થયું હતું તે અને આરએમસી કર્મચારી જયંતિભાઇ રાઠોડનો નિષ્‍પ્રાણ દેહ તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: આજીડેમ ચોકડી નજીક અમુલ સર્કલ પાસે નશો કરેલી હાલતમાં કાર હંકારી રહેલા ડોક્‍ટરે અકસ્‍માત સર્જી બાઇકને ઠોકરે ચડાવતાં બાઇકચાલક રૈયા ગામ વણકરવાસમાં રહેતાં અને આરએમસી કન્‍ઝર્વન્‍સીમાં નોકરી કરતાં જયંતિભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.૪૫)નું ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. પોલીસે કારચાલક મવડી પ્‍લોટ સ્‍વાશ્રય સોસાયટી-૪માં રહેતાં અને આનંદ બંગલા ચોકમાં દવાખાનુ ધરાવતાં ડો. લક્કીરાજ ભગવાનજીભાઇ અકવાલીયા (ઉ.વ.૨૮) સામે જીવલેણ અકસ્‍માત સર્જવાનો અને નશો કરી કાર હંકારવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર કબ્‍જે કરી છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયા ગામમાં રહેતાં અને આજીડેમ પાસે આર.એમ.સી.ના કન્‍ઝર્વન્‍સી ડેપોમાં ફરજ બજાવતાં જયંતિભાઇ પુંજાભાઇ રાઠોડ રાતે પોતાની નોકરી પુરી કરી બાઇક નં. જીજે૦૩એલકે-૩૭૧૯ હંકારી ઘર તરફ જવા નીકળ્‍યા ત્‍યારે અમુલ સર્કલ પાસે પહોંચતા જ પાછળથી જીજે૧૨એકે-૭૭૮૫ નંબરની બીએમડબલ્‍યુ કારની જોરદાર ટક્કર લાગતાં ફંગોળાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.

કાર પણ બાદમાં અમુલ સર્કલ સાથે અથડાતાં સર્કલમાં અને કારમાં ભારે નુકસાન થયું હતું. બનાવ રાત્રીના દસેક વાગ્‍યે બન્‍યો હતો. બનાવને પગલે જોતજોતામાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કારમાં બેઠેલા ત્રણ પૈકીના ધર્મેશ કેશુભાઇ સોરઠીયા (ઉ.વ.૩૨-રહે. મવડી પ્‍લોટ ગાંધી સોસાયટી)ને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અકસ્‍માતની જાણ થતાં જ થોરાળાના પીએસઆઇ એચ. બી. વડાવીયા, કે. કે. પરમાર, કેલ્‍વીન સાગર સહિતના પહોંચી ગયા હતાં. કાર ચાલકને તપાસતાં તેણે નશો કરેલો હોઇ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

કારચાલકે પોતાનું નામ ડો. લક્કીરાજ ભગવાનજીભાઇ અકવાલીયા (રહે. મવડી પ્‍લોટ સ્‍વાશ્રય સોસાયટી) જણાવ્‍યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ડો. લક્કીરાજ અને મિત્રો માંડા ડુંગર પાસેના ફાર્મ ખાતે ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે નશો કરેલી હાલતમાં બમ્‍બાટ કાર હંકારી ડો. લક્કીરાજે જીવલેણ અકસ્‍માત સર્જયો હતો. નોંધનીય છે કે આ ડોક્‍ટર વિરૂધ્‍ધ અગાઉ પ્ર.નગર પોલીસ મથકમાં હત્‍યાની કોશિષનો ગુનો પણ નોંધાયો હતો. હવે તેણે નશો કરેલી હાલતમાં જીવલેણ અકસ્‍માત સર્જતા ચકચાર જાગી છે.

(11:30 am IST)
  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST