Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સર્વાનુમતે સંપન્ન થયેલ લોહાણા મહાજનની ચૂંટણી જ્ઞાતિહિતનું શ્રેષ્‍ઠ ઉદાહરણઃ કાશ્‍મીરાબેન

બંધારણ પ્રમાણે કાયદાની મર્યાદામાં રહીને કરાયેલ ઐતિહાસિક ચૂંટણીમાં લોકશાહીના સિધ્‍ધાંતો, જ્ઞાતિએકતા તથા ત્‍યાગની ભાવનાના દર્શન થયા

રાજકોટ, તા., ૧૩: સમગ્ર વિશ્વમાં લોહાણા જ્ઞાતિની સૌથી વધુ વસ્‍તી ધરાવતા રાજકોટમાં લોહાણા મહાજન સમીતીની ચૂંટણી સર્વમાન્‍ય રીતે તથા સર્વાનુમતે વિવાદ વગર બિનહરીફ સંપન્ન થઇ તે બાબત જ્ઞાતિ હિતનું શ્રેષ્‍ઠ ઉદાહરણ હોવાનું લોહાણા મહાજન રાજકોટના કાર્યવાહક પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીએ આજ રોજ જણાવ્‍યું હતું. બંધારણની પ્રક્રિયાનું અક્ષરસઃ પાલન કરીને અને કાયદાની મર્યાદામાં રહીને કરાયેલ આ ઐતિહાસિક ચૂંટણીમાં લોકશાહીના સિધ્‍ધાંતો , જ્ઞાતિએકતા તથા ત્‍યાગની ભાવનાના તાદ્‌શ્‍ય દર્શન થયાનું પણ કાશ્‍મીરાબેને જણાવ્‍યું હતું.

લોહાણા સમાજ માટે તથા જ્ઞાતિ ઉત્‍કર્ષના કોઇપણ કાર્ય માટે પોતે સદાય તત્‍પર હોવાનો કોલ આપતા વધુમાં તેઓએ જણાવ્‍યું હતું કે વાદ-વિવાદ હોય તો કોઇ પણ સમાજની પ્રગતી થઇ શકતી નથી. સર્વ સ્‍વીકાર્ય, સર્વાનુમત, સર્વમાન્‍ય અને સમરસ, આ ચારેય સમાજની પ્રગતીના મુખ્‍ય પાયા છે.

જ્ઞાતિ અગ્રણીઓ તથા જ્ઞાતિ શ્રેષ્‍ઠીઓની વિનંતી માન્‍ય રાખીને સૌરાષ્‍ટ્રના લોકપ્રિય સાંધ્‍ય દૈનિક ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લોહાણા મહાજન સમીતીની ચુંટણીમાં મધ્‍યસ્‍થી કરી તે બાબતે પણ કાશ્‍મીરાબેન નથવાણીએ માનનીય શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સમગ્ર સમાજવતી હ્યદયપુર્વક આભાર માન્‍યો હતો.

ઉપરાંત આ ચુંટણી કાર્યવાહીનું સફળતાપુર્વક નિષ્‍પક્ષ સંચાલન કરવા બદલ આરસીસી બેન્‍ક રાજકોટના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપળીયાનો પણ આભાર વ્‍યકત કર્યો હતો.

લોહાણા મહાજન સમીતીમાં મહિલાઓને પ્રાધાન્‍ય અપાયા સહીત વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓનો સમાવેશ થયો હોવાથી જ્ઞાતિ હિત અને જ્ઞાતિઉત્‍કર્ષના કાર્યોની ગાડી ચોક્કસપણે પુરપાટ ઝડપે દોડશે તેવો પણ વિશ્વાસ અંતમાં વ્‍યકત કર્યો હતો

(3:46 pm IST)