Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

આજી ડેમમાં ગાંઠિયા નાંખવા પર પ્રતિબંધ

ગત સપ્તાહે હજારો માછલીઓનાં મોત થતા તંત્ર નો નિર્ણયઃ જળાશયોને ગંદા-પ્રદુષિત કરનારા સામે તંત્ર આક્રમક થતું નથી, સેવા કરનારાને કોરડો

રાજકોટ,તા.૧૩ :. શહેરને પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમમાં કેટફીશ (મુછાળા માછલા) હજારોની સંખ્યામાં એકાએક મૃત્યુ પામ્યા હતા. જેના કારણે આજી ડેમમાં ગાંઠિયા નાંખવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે. ડેમમાં વિસ્તારમાં માછલીઓ માટે પાણીમાં લોટ સિવાય કશું જ નાખવું નહિં તેવા બોર્ડ મૂકવામાં આવ્યા છે.

આ અંગેની વિગતો મુજબ ગત શનિવારે સાંજથી આજી ડેમમાં મોટા મોટા કેટફીશ માછલાઓનાં મોત થયા હતા. કોર્પોરેશનના તંત્ર વાહકોમાં આ પ્રકારે ઓચિંતા હજારો માછલાઓના મોતની પાછળ પ્રાથમિક ધોરણે એવી શંકા વ્યકત કરી હતી કે, માછલાઓના મોત પાછળ આજી ડેમમાં નાખવામાં આવતા ગાંઠીયા સહિતનો ખોરાક જવાબદાર હોઈ શકે.

માછલાઓના મોટી સંખ્યામાં મોત પાછળનુ કારણ શોધવા માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલીક ધોરણે સૌ પ્રથમ મૃત કેટફીશને ગાંધીનગર ખાતે એફએસએલ ડીપાર્ટમેન્ટમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ તા.૧૫ ઓકટોમ્બરનાં આવનાર હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

આ ઉપરાંત ડેમમાંથી પાણીના સેમ્પલ લઈ અને રાજ્ય સરકારની પાણી પુરવઠા બોર્ડની તથા પબ્લિક હેલ્થ ડીપાર્ટમેન્ટની બન્ને લેબોરેટરીમાં આ પાણીમાં કોઈ ઝેરી કેમીકલ ભળી ગયુ છે કે કેમ ? તેની તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે પરંતુ પાણીનાં રીપોર્ટ ઓકે આવ્યા હતા.

દરમિયાન હવે આજીડેમમાં માછલીઓ માટે પાણીમાં લોટ સિવાય કશું જ નાખવું નહિ. ખાસ કરીને તેલવાળા પદાર્થ ગાંઠિયા, વેફર્સ વગેરે આ પ્રકારના બોર્ડ ડેમ પર લગાવવામાં આવ્યા છે. આવા બોર્ડ તંત્ર દ્વારા લગાવવામાં આવતા લોકોમાં તરહ-તરહની ચર્ચા થઇ રહી છે.

લોકમુખે ચર્ચાય રહ્યુ છે કે આજી ડેમમાં રીક્ષા, ટ્રેકટર સહિતના વ્હીકલો પણ ધોવામાં આવતા હોય જેના કારણે પાણી પ્રદુષિત બને છે ત્યારે જળાશયોને પ્રદુષિત કરનારા સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.(૨-૧૮)

(3:56 pm IST)